4 વર્ષમાં ગુનાખોરીમાં 109 ટકાનો વધારો, એસબીઆઈના રિપોર્ટ બાદ સામે આવ્યા આંકડા

પ્રધાનમંત્રી જનધન યોજના ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતની ચર્ચા શરુ થઈ છે એસબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ બાદ. ભારતીય સ્ટેટ બેંક દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જે રાજ્યોમાં જન ધન ખાતા ખુલ્યા છે ત્યાં ગુનાખોરીમાં, દારુ અને તમાકૂ સહિતના ઉત્પાદનોની ખપતમાં ઘટાડો થયો છે.

image source

એસબીઆઈના આ રિપોર્ટમાં દાવો કરાયો હતો કે જનધન ખાતામાં બેલેન્સ રકમ હોવાથી ગુનાખોરીમાં ઘટાડો થયો છે. આ સાથે જ કહેવામાં આવ્યું હતું કે ભારત ફાઈનેંશિયલ ઈંક્લૂઝન મેટ્રિક્સમાં ચીનથી પણ આગળ છે. જો કે ચીનથી ભારત આગળ છે જ તે વાતમાં કોઈ શંકા નથી પરંતુ જે ગુનાખોરીની વાત સામે આવી છે તેમાં વિરોધાભાસ જોવા મળે છે. ગુનાખોરીના વધેલા આંકડાના કારણે.

image soucre

જી હાં એસબીઆઈની રિસર્ચ વિંગના નવેમ્બર 2021માં રજૂ કરેલા રિપોર્ટમાં જે આંકડા છે તે છેલ્લા 4 વર્ષના છે. જે અનુસાર જનધન ખાતા વધ્યા છે અને તેના કારણે ગુનાખોરી ઘટી છે. પરંતુ ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો જાણવા મળતી માહિતી અનુસાર વર્ષ 2017થી 2020 સુધીના ચાર વર્ષમાં જનધન ખાતાની સંખ્યામાં 48 ટકા વધારો તો થયો છે પરંતુ તેની સામે ગુનાખોરીમાં 109 ટકાનો વધારો થયો છે. એટલે કે જનધન ખાતામાં જમા થતી રકમમાં વધારો તો થયો છે પણ ગુનાખોરી ઘટી નથી તેણે તો સદી ફટકારી દીધી છે.

એક રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં જ રાજ્યમાં 3.34 લાખ ગુના નોંધાયા હતા જ્યારે વર્ષ 2020 સુધીમાં આ આંકડો વધીને 6.99 લાખ થયો છે. રાજ્યમાં ગત જૂન માસ સુધીની સ્થિતિએ કુલ 1.61 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. જેમાંથી 1.01 ખાતાધારકો ગ્રામ્ય વિસ્તારના છે. તેમાંથી 10 લાખથી વધુ ખાતા શૂન્ય બેલેન્સ સાથેના છે અને આધાર સાથે લિંક કરેલા 83 ટકા જનધન ખાતા છે.

image socure

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નાણા મંત્રાલયના જણાવ્યાનુસાર ઓગસ્ટ 2014થી આ યોજના શરુ થઈ અને ત્યારબાદ અત્યાર સુધીમાં 43.76 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. મંત્રાલયે નાણા સેવા વિભાગના એક ટ્વીટમાં જણાવ્યું હતું કે પ્રત્યેક વયસ્ક નાગરિકને બેંકિંગ સુવિધા આપવા માટે આ અભિયાનમાં 21 ઓક્ટોબર 2021 તક જન ધન ખાતાધારકોને ફ્રી અકસ્માત વીમો આપતા 31.67 કરોડ રુપે ડેબિટ કાર્ડ આપવામાં આવ્યા છે.