સીડ મધર, ઈનસાઈક્લોપીડિયા ઓફ ફોરેસ્ટ સહિતના આ ગુમનામ હીરોનું થયું પદ્મશ્રીથી સન્માન

આ વર્ષે પદ્મ પુરસ્કાર એનાયત કરવાનો સમારોહ અત્યંત ખાસ અને યાદગાર રહ્યો. તેમાં પણ ધ્યાન આકર્ષક બાબતએ હતી કે આ વર્ષે કેટલાક સામાન્ય લોકો જેમણે અસામાન્ય કાર્ય કરી બતાવ્યા છે તેમને નવાઝવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિતના દેશના દિગ્ગજ નેતાઓની હાજરીમાં તાળીઓના ગડગડાટથી ત્યારે રાષ્ટ્રપતિ ભવનનો દરબાર હોલ ગુંજી ઉઠ્યો જ્યારે આ લોકો પોતાની સાદગી અને નિખાલસતા સાથે પદ્મ પુરસ્કાર લેવા માટે રેડ કાર્પેટ પર ચાલ્યા.

દરબાર હોલમાં આવેલા આ લોકો અત્યંત સાદા કપડા અને ખુલ્લા પગે લાલ જાજમ પર ઉતર્યા હતા દેશના રીયલ હીરો કહેવાય તેવા લોકો. આ લોકો અને તેના ઉમદા કામથી આ ક્ષણ સુધી અજાણ હતા. પરંતુ તેમને પદ્મ પુરસ્કાર એનાયત થતા તેમની ઉપલબ્ધિઓ પણ લોકોની સામે આવી છે ત્યારે જાણીએ કોણ છે દેશના આ રીયલ હીરો જેમણે વધાર્યું છે ભારતનું ગૌરવ.

હરેકલા હજબ્બા

image soucre

પદ્મશ્રીથી જેમનું સન્માન થયું છે તેવા હરેકલા સફેદ ધોતી અને શર્ટમાં સજ્જ હતા અને તેમણે ખભ્ભા પર સફેદ ગમછો રાખ્યો હતો. તેમણે પગમાં ચપ્પલ પણ પહેર્યા ન હતા. આ વ્યક્તિ છે કર્ણાટકના હરેકલા જેઓ પોતે અભણ છે પરંતુ તેમની જેમ કોઈ અક્ષરજ્ઞાનથી વંચિત ન રહે તે માટે તેમણે ગામમાં સ્કૂલ ખોલી છે. આ કામ માટે તેમની પાસે પૈસા ન હતા. તેથી તેમણે રોડ પર સંતરા વેંચી વેંચીને રુપિયા એકઠા કર્યા અને ગામના બાળકો માટે શાળા શરુ કરી છે.

તુલસી ગૌડા

image soucre

72 વર્ષીય તુલસી ગૌડા પણ દરબાર હોલમાં તેમના રોજના પહેરવેશમાં આવ્યા હતા. તેમણે સૌથી પહેલા વડાપ્રધાન મોદીને હાથ જોડી અભિવાદન કર્યું હતું. તુલસી ગૌડા એક પર્યાવરણ યૌદ્ધા છે જેમને ઈનસાઈકલોપીડિયા ઓફ ફોરેસ્ટના નામથી ઓળખવામાં આવે છે. તેમને તેમણે કરેલા સામાજિક કાર્યો માટે પદ્મ શ્રી સન્માન એનાયત કરાયું છે. તેઓ 6 દાયકાથી પર્યાવરણની સુરક્ષામાં જીવન સમર્પિત કરી ચુક્યા છે. તે પણ અભ્યાસ કરી શક્યા નથી પરંતુ ફૂલ-છોડ, વૃક્ષ અને જડીબુટ્ટી વિશે એટલી જાણકારી રાખે છે કે તેમને ઈનસાઈક્લોપીડિયા ઓફ ફોરેસ્ટનું ઉપનામ મળ્યું છે.

રાહીબાઈ સોમા પોપેરે

image soucre

સાદી લાલ સાડીમાં સજ્જ રાહીબાઈ સોમા પોપેરેને દેશનું ચોથો સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મ શ્રી પ્રાપ્ત થયું છે. તેઓ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના એક આદિવાસી મહિલા છે. તેઓ ખેતી સાથે સંકળાયેલા છે પરંતુ તેઓ નારી સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ છે. તેમને સીડ મધર તરીકે ઓળખવામાં આવે છે. 57 વર્ષની પોપેરે સ્વયં સહાયતા સમૂહો વડે 50 એકર જમીન પર 17થી વધુ દેશી પાકની ખેતી કરે છે. તેમણે બે દાયકા પહેલા બીજ એકત્ર કરવાનું શરુ કર્યું હતું.