બહાર મળતી ચટપટી સેવપુરી ઘરે જ બનાવો તે પણ થોડીક જ વારમાં..

સેવપુરી જોઈને કોને મોઢામાં પાણી ન આવે ? પાણી પુરી એ સમગ્ર ભારતનું ફેવરીટ સ્ટ્રીટ ફુડ છે. અને આજે તમે ભારતના કોઈપણ ખુણેથી પસાર થાઓ અને ત્યાં પાણીપુરીની લારી જુઓ અને તેના પર 1-2 ગ્રાહક ઉભુ ન હોય તેવું તમને ભાગ્યે જ જોવા મળે. પણ પાણીપુરીની બીજી પેટા પ્રોડક્ટ્સ જેમ કે દહીં પુરી, ભેળ, સેવપુરી પણ તેટલી જ પોપ્યુલર છે. અને જો ક્યાંય સેવપુરીનો ફોટો પણ જોવામાં આવી જાય તો મોઢામાંથી પાણી છુટ્યા વગર ન રહે. તો ચાલો આજે અમે તમારા માટે લાવ્યા છીએ ચટપટી સેવપુરીની રેસીપી.

ચટપટી સેવપુરી બનાવવા માટેની સામગ્રી

અહીં એક પ્લેટની સામગ્રી દર્શાવવામાં આવી છે. (સાત સેવપુરી)

1 મોટુ બટાટુ બાફીને મેશ કરેલું

2 ટેબલ સ્પુન બાફેલા દેશી ચણા

1 ટેબલ સ્પુન જીણી સમારેલી કોથમીર

2 ચમચી જીણી સમારેલી ડુંગળી

2 ચમચા લીલી ચટણી

2 ચમચા લસણની લાલ ચટણી

2 ચમચા ખજુર-આંબલીની ચટણી

2 ટેબલ સ્પુન જીણી નાયલોન સેવ

1 ચમચી ચાટ મસાલો

ચટપટી સેવપુરી બનાવવા માટેની રેસીપી

સૌ પ્રથમ એક મોટું બટેટું ધોઈ – બાફીને ઠંડુ કરી લેવું. હવે તેને મેશ કરી લેવું.

હવે તેમાં બાફેલા દેશી ચણા એડ કરવા.

હવે તેમાં જીણી સમારેલી ડુંગળી અને જીણી સમારેલી કોથમીર ઉમેરી દેવી. અને સાથે સાથે તેમાં ચપટી જેટલો ચાટ મસાલો ઉમેરવો.

હવે બધું જ હાથેથી મિક્સ કરી લેવું જેથી કરીને બધો જ મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય અને બહાર જેવી જ સ્વાદિષ્ટ ચટપટી સેવપુરી બને.

હવે તમને ખાવી હોય એટલી પાણી પુરીની પુરીઓ લઈ લેવી. અને તેમાં કાંણા પાડી દેવા.

હવે તેમાં બટાટાનું જે પુરણ તૈયાર કર્યું છે તે સરખા પ્રમાણમાં ઉમેરી દેવું.

હવે જેજે પુરીમાં બટાટાનું પુરણ ઉમેર્યું છે તેમાં થોડી થોડી તમારા ટેસ્ટ પ્રમાણે લસણની ચટની ઉમેરવી.

હવે તેવી જ રીતે બધી જ પકોડીમાં લીલી ચટની પણ નાખી દેવી.

હવે તેમાં ખજુર-આંબલી ચટની પણ બાકીની ચટનીઓની જેમ બધી જ પાણી પુરીમાં એડ કરી દેવી.

અહીં બધી જ જટની ઘાટ્ટી લેવામાં આવી છે. કારણ કે સામાન્ય રીતે સેવપુરી કોરી હોય છે જો તમે પાણીપુરીની જેમ થોડી ભીની ઇચ્છતા હોવ તો તમારે ચટનીમાં થોડું પાણી એડ કરીને પ્રવાહી બનાવી લેવી.

હવે છેલ્લે તેમાં સેવપુરીનું સ્પેશિયલ ઇનગ્રેડીયન્ટ એટલે કે સેવ ઉમેરવી. અહીં સાવ જ જીણી નાયલોન સેવ લેવામાં આવી છે. તેનો સ્વાદ વધારે સારો આવે છે. ત્યાર બાદ તે બધી જ સેવપુરી પર થોડો થોડો ચાટમસાલો સ્પ્રીંકલ કરી દેવો.

હવે છેલ્લે તેના પર જીણી સમારેલી ફ્રેશ કોથમીર ભભરાવી દેવી. કોથમીરથી સેવપુરીનો સ્વાદ ઓર વધી જાય છે માટે તેનો ખાસ ઉપયોગ કરવો.

તો તૈયાર છે સ્વાદિષ્ટ ચટપટી બહાર જેવી જ સેવપુરી.

અહીં પુરણ બનાવતી વખતે તેમાં ડુંગળી એડ કરી દીધી હતી એટલે ઉપરથી ભભરાવવામાં નથી આવી પણ. અહીં છેલ્લે સેવ ઉમેરતા પહેલાં તમે છીણેલું બીટ, કાચી કેરીન સીઝન હોય તો થોડી છીણેલી કાચી કેરી અને જીણા સમારેલા ટામેટા ઉમેરીને પણ તેને ઓર વધારે સ્વાદિષ્ટ બનાવી શકો છો.

રસોઈની રાણીઃ સીમાબેન

ચટપટી સેવપુરી બનાવવા માટે વિગતવાર વિડિયો