આજની પોઝિટિવ સ્ટોરી: શાહજહાંના મનમાં તાજમહેલનું વિચારબીજ અમદાવાદમાં નખાયું હતું ?

અમદાવાદનું સ્થાપત્ય દિલ્લી અને આગ્રા કરતાં પણ ચડિયાતું : શાહજહાંના મનમાં તાજમહેલનું વિચારબીજ અમદાવાદમાં નખાયું હતું ?

અમદાવાદ : યુનેસ્કોએ સમગ્ર ભારતમાંથી માત્ર અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો આપતાં અમદાવાદના શહેરીજનો આનંદ અને ઉત્સાહથી ખીલી ઉઠ્યા છે ત્યારે અમદાવાદ શહેરના સ્થાપત્યની કેટલીક મહત્વની વાતો જાણવી જોઈએ. અમદાવાદ શહેરનો અધિકૃત ઈતિહાસ લખનાર રત્નમણિરાવ ભીમરાવ જોટેનું કહેવું છે કે દિલ્લી અને આગ્રાના સ્થાપત્ય કરતાં અમદાવાદનું સ્થાપત્ય ચડિયાતું ગણાય છે.

તેમણે વર્ષો પહેલા ગુજરાતનું પાટનગર અમદાવાદ એ પુસ્તકમાં આ વાત નોંધી છે. શ્રી રત્નમણિરાવ ભીમરાવ સમગર્થ ઈતિહાસવિદ્‌, સક્ષમ સાહિત્યજ્ઞ અને ઉત્કટ કલાપ્રેમી હતા. ગુજરાતનું પાટનગર અમદાવાદ પુસ્તકમાં તેમણે અમદાવાદનાં ઈતિહાસ સ્થાપત્ય, વેપાર ઉદ્યોગ, જોવા જેવાં સ્થળો વગેરેનું સાંગોપાંગ વર્ણન કર્યું હતું. તેમનું આ પુસ્તક ૧૯૨૯માં એટલે કે આજથી ૮૮ વર્ષ પહેલાં આ પુસ્તક લખ્યું હતું. અમદાવાદ વિશે પછી અનેક પુસ્તકો લખાયાં, પરંતુ આજે પણ આ પુસ્તક શિરમોર ગણાય છે.

image source

લેખકે નોંધ્યું છે કે ગુજરાતમાં ૧૧મી સદીની શરૂઆતથી સ્થાપત્યને ઘણો વેગ મળ્યો હતો. દેશ વેપારથી સમૃદ્ધ હતો. ૧૧મીથી ૧૩મી સદી સુધી સોલંકી તથા વાઘેલા સમય સુધી ગુજરાતનું સ્થાપત્ય હિન્દુસ્તાનના બીજા ભાગના સ્થાપત્યમાં પ્રથમ પંક્તિનું ગણાતું હતું.

શ્રી રત્નમણિરાવે નોંધ્યું છે કે દિલ્હી તથા આગ્રાના સ્થાપત્ય અને કળાને શાહજહાંએ વધાર્યાં તે અગાઉ બે સદીઓથી અમદાવાદનું સ્થાપત્ય પંકાતું હતું. સમયનો એ ભેદ બાજુએ રાખીએ તો અમદાવાદ અને દિલ્હીની કલામાં કઈ ચઢે એ જોનારની આંખ ઉપર આધાર રાખે છે. દિલ્હી, આગ્રાના લાલ પથ્થરના કામને અમદાવાદ સાથે સરખાવીએ તો અમદાવાદ ચઢે તેમ છે.

image source

લેખકનું કહેવું છે કે દિલ્લી, આગ્રાને સ્થાપત્ય અને કલામાં અમર કરનારા રસિક શાહજહાં બાદશાહની સૌંદર્ય ભાવનાને અમદાવાદમાં પોષણ મળ્યું હતું. સૌંદર્યના બીજ શાહજહાંમાં જન્મસિદ્ધ તો હતા, પરંતુ અમદાવાદમાં તેના પર જલસિંચન થયું. આ વિચારો જેમ્સ ડગ્લાસના પણ છે. તેમણે લખ્યું છે કે શાહજહાંએ અમદાવાદના સ્થાપત્ય પરથી પ્રેરાઈને આગ્રા – દિલ્લી શણગાર્યું હશે કે કેમ એ માટે કોઈ ઐતિહાસિક પુરાવો નથી, પરંતુ શાહજહાંના પહેલાં અમદાવાદ હિંદમાં સર્વથી સુંદર શહેર હતું. એ ઐતિહાસિક સત્ય છે, અને શાહજહાંને પ્રેરણા અમદાવાદમાં મળી હોય તો નવાઈ પામવા જેવું નથી.

image source

એનો અર્થ એ થયો કે વિશ્વની અજાયબી ગણાતા આગ્રાના તાજમહેલનું વિચારબીજ અમદાવાદ શહેરમાં નખાયુ હશે. શાહજહાં ઉગતી યુવાન અવસ્થામાં અમદાવાદનો સૂબો હતો. તેણે અમદાવાદની કલાનો ઝીણવટથી નિરીક્ષણ કર્યું હતું. તેના હૃદયમાં અમદાવાદનું સ્થાપત્ય કોતરાઈ ગયું હતું.

શ્રી રત્નમણિરાવ ભીમરાવ ઈતિહાસના અભ્યાસી હતા. તેમનું માનવું છે કે શાહજહાંને અમદાવાદમાંથી ભવિષ્યનાં સુંદર આગ્રા અને દિલ્લીનાં સુંદર ભવ્ય મકાનો દેખાયા, અને એ પ્રેરણાથી ભરેલો શાહજહાં અમદાવાદમાંથી ગયો. અમદાવાદમાં જે કળી હતી તે આગ્રામાં ખીલી, ફૂલી અને ફળ આવ્યાં.

image source

આ પ્રમાણે જેમ રોમ પહેલાં ગ્રીસ હતું, કેરો પહેલાં ડમસક્સ હતું, અમદાવાદ પહેલાં પાટણ અને દેલવાડાં હતાં, તેમ આગ્રા પહેલાં અમદાવાદ હતું. એની શરૂઆત શાહજહાંએ અમદાવાદમાં શાહીબાગનો સુંદર મહેલ તથા બગીચો બાંધીને કરી હતી. (આજે એ મહેલ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટીનું કેન્દ્ર છે.)

આમ, સમગ્ર હિન્દુસ્તાનમાં કોઈ કાળે સ્થાપત્યમાં પ્રથમ નંબર ધરાવતું અમદાવાદ આજે સમગ્ર દેશમાં પહેલું અને એક માત્ર હેરિટેજ સિટી બન્યું છે તે સહજ લાગે છે.

શહેરીજનોએ આ પ્રાચીન વિરાસતને સાચવવી જોઈએ, તેને આદર આપવો જોઈએ અને ખાસ તો આવનારી ડિઝિટલ પેઢીને તેનો ફેસબુક પર નહીં, પરંતુ સગી આંખે પરિચય અને અનુભવ કરાવવો જોઈએ.

(ખાસ નોંધ : જૂના અમદાવાદની સાબરમતી નદી વાળો સ્કેચ ઈ.સ. ૧૭૫૨નો છે. એ પછી જુમ્મા મસ્જિદનો સ્કેચ ઈ.સ. ૧૭૫૨ અને સિટીનું વિહંગવાલોકન કરતો સ્કેચ ઈ.સ. ૧૮૬૬નો છે. સ્કેચ સંશોધન માટે રણમલ સિંધવ અને ગુગલ અંકલનો આભાર)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત