Site icon News Gujarat

વાંચો આ શાંતાબહેન રાજપ્રિય વિશે, કે જેમને ગાંધીજીના ટેન્ટની કરી હતી રખેવાળી અને સાથે…

અમદાવાદમાં એક એવાં સ્વાતંત્ર્યસેનાની વસે છે જેમણે ગાંધીજીના ટેન્ટની રખેવાળી કરી હતી. અને તેય પોતાની 13 વર્ષની વયે. તેમનું નામ છે શાંતાબહેન રાજપ્રિય. અત્યારે તેમની વય 95 વર્ષની છે. તેઓ કહે છે, જ્યારે રામગઢમાં કોંગ્રેસનું અધિવેશન ભરાવાનું હતું ત્યારે મારા પિતાજીની સાથે હું પણ ત્યાં ગઇ હતી. એ સમયે મારી ઉંમર 13 વર્ષની. પ્રેમાબહેન કંંટક કોંગ્રેસ મહિલા સેવાદળના પ્રમુખ હતાં. તેઓએ અમારી જેવી દીકરીઓને સ્વંયસેવકની તાલીમ આપી હતી.સમગ્ર ભારતના નેતા ત્યાં આવ્યા હતાં. ગાંધીજીના ટેન્ટની રખેવાળીની જવાબદારી મને સોપવામાં આવી હતી.

ગાંધીજીના ટેન્ટની બહાર હું ઉભી રહું અને એનેક નેતાઓ, સેવકો એમને મળવા આવતા. એક દીવસ ગાંધીજી બહાર જતા હતા. મને ઊભેલી જોઇને મારી પાસે આવ્યા અને પૂછ્યું ,શાન્તુ તું કેમ ઊભી છે. આમ માત્ર ઊંભા રહીને વખતને નકામો નહીં કરવાનો. તારે અહીં કાંતવાનું કામ કરવું જોઇએ. એ પછી હું તકલી લઇ આવી. ગાંધીજીના ટેન્ટની રખેવાળી કરતા કરતા મેં કાંતવાનું કામ પણ કર્યું હતું.

image source

તેમણે હિંદ છોડોની લડતમાં પણ ભાગ લીધો હતો. પોતાની તેજ યાદદાસ્તના સહારે સ્મરણો વાગોળતાં તેઓ કહે છે, હિન્દ છોડોની ચળવળ દરમિયાન અમે ગાંધી આશ્રમમાં રહેતા હતાં. હું બધાની સાથે વીરમગામ ગઇ હતી. ત્યાં જઇ અમે નારા લગાવ્યાં. અમારી ધરપકડ કરવામાં આવી. અમારી ટોળકીમાં નારાયણભાઇ દેસાઇ, નરહરિ પરીખ, દેવીબહેન શાહ, ખીમજીભાઇ પટેલ વગેરે હતા. એ સૌમાં હું નાની હતી. ધરપકડ કરીને અમને સૌને સાબરમતી જેલમાં લાવ્યાં. ત્યાં ઇન્દુમતીબહેન, વિનોદીની નિલકંઠ જેવાં મહિલા અગ્રણીઓ હતાં. સંસ્કૃત ભાષામાં મારા ઉચ્ચાર શુધ્ધ હોવાથી જેલમાં રોજ સવારે પ્રાર્થના કરાવવાની જવાબદારી મને સોંપાઇ હતી. 19 દિવસના જેલવાસ પછી મને છોડી મૂકવામાં આવી હતી.

image source

તેમનો જન્મ કચ્છમાં. તેઓ નવ વર્ષનાં થયાં ત્યારે તેમના પિતાજી, મથુરાદાસ આશર તેમને લઇને બિહાર આવ્યા. એકદમ પછાત વિસ્તાર. ત્યાં મૂંસહર લોકોની વસ્તી. એટલી ગરીબી કે લોકો ઉંદરને મારીને ખાય. એ લોકો માટે તેમના પિતાજીએ ત્યાં આશ્રમશાળા શરું કરી. ખરેખર તો ગાંધીજીના કહેવાથી મથુરાદાસ આશરે બિહારના ચંપારણ જિલ્લાના ઢાકા-મધુબની ગામમાં ખાદી કલા શાળા નામે આશ્રમ સ્થાપ્યો હતો. ગરીબ બાળકોને ત્યાં લાવવાના, એમને નવડાવાના, ખાવાનું આપવાનું એવી રીતે પ્રવૃત્તિનો આરંભ કર્યો. મથુરાદાસ પુરુષોત્તમ આશરે ગાંધીજીને કહેવાથી બિહારના એ સમયે સાવ અંતરિયાળ અને પછાત ગામ ઢાકા-મધુબનીમાં ત્યાંના લોકો માટે આશ્રમશાળાની સ્થાપના કરી હતી. એ પછી તેઓ આજીવન ત્યાં જ રહ્યા હતા. એમના પગલે એમનો પરિવાર પણ ચાલ્યો.

શાંતાબહેન રાજપ્રિય અમદાવાદના નારણપુરા વિસ્તારામાં આવેલી ઢીંગલાઘર શાળાના સ્થાપક. એમના પતિ રામકુમાર રાજપ્રિયની સાથે મળીને ઘરમાં જ બાળકો માટેની જુદી જુદી પ્રવૃત્તિ કરવાના આશયમાંથી ઢીંગલીઘરનો જન્મ થયો. બાળકોનો સર્વાગી વિકાસ અને અનુભવ આધારિત શિક્ષણ ઢીંગલીઘરનો ધ્યેય મંત્ર છે. તેમનો પુત્ર મૈત્રેય અને પુત્ર-વધુ કૈલાસ રાજપ્રિયએ આ વારસો સંભાળ્યો અને દીપાવ્યો છે.

ઓગસ્ટ મહિનો એટલે ક્રાંતિના મહિમાનો મહિનો. ભારતની આઝાદીમાં અગણિત વ્યક્તિઓએ ત્યાગ અને બલિદાન આપ્યું હતું. આવા સ્વાંતત્ર સેનાનીને યાદ કરીને એમના પ્રત્યેનું ઋણ ચુકવવાનો નમ્ર પ્રયાસ કરીએ.

આલેખનઃ અનિતા તન્ના અને રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version