પોતાની અલ્ટો કારને દીપકભાઈએ આપ્યુ “શિક્ષણરથ” નામ, અને કોરોના કાળમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું કરી રહ્યા છે ઉમદા કામ

ભુજના માંડવી તાલુકાની હુંદરાઈબાગ સીમ વિસ્તાર શાળામાં દીપકભાઈ મોતા નામના એક પ્રાથમિક શિક્ષક ફરજ બજાવે છે. કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓ પોતાના ઘરે રહીને જ ઓનલાઇન અભ્યાસ કરે છે પરંતુ દીપકભાઈ જ્યાં ફરજ બજાવે છે એ સીમ વિસ્તારની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને એના વાલીઓના કેટલાક એવા પ્રશ્નો હતા જેથી ઓનલાઇન શિક્ષણનું જેવું પરિણામ મળવું જોઈએ એવું પરિણામ મળતું નહોતું.

image source

દીપકભાઈ જે ગામમાં ફરજ બજાવે છે ત્યાં અંતરિયાળ વિસ્તારમાં ચોમાસાની ઋતુને કારણે વીજળી પણ જતી રહે અને મોબાઈલ નેટવર્ક પણ જોઈએ એવું ન મળે. વાલીઓની આર્થિક સ્થિતિને કારણે બાળકોને સ્માર્ટ ફોન અપાવવો પણ ઘણા કિસ્સાઓમાં શક્ય ન હોય. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરી શકાય તે બાબતે દીપકભાઈ ચિંતન કરતા.

5માં ધોરણમાં અભ્યાસ કરતો એક તેજસ્વી વિદ્યાર્થી દરેક કસોટીમાં ખૂબ સારા માર્ક્સ લાવતો પરંતુ ઓનલાઇન શિક્ષણમાં પડતી સ્થાનિક મુશ્કેલીઓને કારણે આ વિદ્યાર્થીના માર્ક્સ ઘટવા લાગ્યા હતા. એકદિવસ દીપકભાઈએ વિચાર આવ્યો કે બાળકો ભલે શાળાએ નથી આવી શકતા પણ શાળા તો બાળકોના ઘરે જઈ શકે ને ? પોતાની અલ્ટો કારમાં જ એણે ડિઝિટલ શાળા બનાવી. કારની પાછળની ડેકીમાં 42 ઇંચનું એક એલઇડી ટીવી ગોઠવ્યું. ટીવીને ચલાવવા માટે ઇનવર્ટર લઈને કારમાં ફિટ કરી દીધું. હરતી-ફરતી ડિઝિટલ શાળા તૈયાર કરી દીધી.

પોતાની અલ્ટો કારને દીપકભાઈએ “શિક્ષણરથ” નામ આપ્યું છે. દીપકભાઈ શિક્ષણરથ લઈને રોજ સીમ વિસ્તારમાં વિદ્યાર્થીઓની ઘરે પહોંચી જાય છે. આજુ બાજુના બે-ચાર વિદ્યાર્થીઓ ભેગા થાય. સામાજિક અંતર જળવાય એ રીતે વિદ્યાર્થીઓને બેસાડે અને પછી પોતાના લેપટોપની એલઇડી ટીવી સાથે કનેક્ટ કરીને વિદ્યાર્થીઓને ડિઝિટલ શિક્ષણ આપે. કોઈ શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે આવી હરતી-ફરતી ડિઝિટલ શાળા શરૂ કર્યાની ઘટના કેવળ ગુજરાતની નહીં, કદાચ ભારતની પ્રથમ ઘટના હશે. ખાસ વાત તો એ છે કે એક અંતરિયાળ નાના ગામડાની સરકારી શાળાના એક શિક્ષકે આવું ઉમદા કાર્ય કરીને માં સરસ્વતીની સાચી આરાધના કરી છે. હવે વીજળી, નેટવર્ક કે મોબાઈલ કશું જ ન હોય તો પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકતો નથી કારણકે શિક્ષણરથ વિદ્યાર્થીઓના આંગણે આવીને ઉભો રહે છે.

જેને કામ કરવું જ છે એ ફરિયાદો કરવામાં સમય વેડફવાને બદલે કામ કરવાના રસ્તાઓ શોધી લે છે.

સૌજન્ય : શૈલેશ સગપરીયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત