Site icon News Gujarat

શ્રાવણ માસ નિમિતે પવિત્ર બાર જ્યોતિર્લિંગ વિષે જાણો કેટલીક જાણી અજાણી વાતો અને શિવ ભક્તિમાં લીન થાઓ

હીન્દુઓના પવિત્ર માસ એવા શ્રાવણ મહિનામાં દેવોના દેવ એવા મહાદેવને શ્રદ્ધાપૂર્ણ રીતે પુજવામાં આવે છે. કહેવાય છે કે મહાદેવ એ આદી દેવ છે તે અજનમ્યા અનંત છે. તેમના વિષે જેટલું જાણીએ તેટલું ઓછું છે. તો ચાલો આ શ્રવણ મહિનામાં જાણીએ શિવજી તેમજ તેમના 12 જ્યોતિર્લિંગો સાથે જોડાયેલી કેટલીક જાણી અજાણી વાતો.


ગુજરાત સ્થિત સોમનાથ જ્યોતિર્લિંગ

શિવપુરાણ પ્રમાણે દક્ષ પ્રજાપતિના શ્રાપથી બચવા માટે ચંદ્ર દેવ એટલે કે સોમદેવે ભોળાનાથની આરાધના કરી. કઠોર તપસ્યા બાદ ભોળાનાથ ચંદ્રદેવ પર પ્રસન્ન થયા અને આમ તેઓ શ્રાપમાંથી મુક્ત થયા. અને પોતાને શ્રાપથી મુક્ત કરવા બદલ ભોળાનાથના ભક્ત એવા સોમદેવે અહીં શંકર ભગવાનની સ્થાપના કરી. અને માટે જ તેને સોમના નાથ એટલે કે ચંદ્રના નાથ એટલે સોમનાથ નામ આપવામાં આવ્યું છે.


નર્મદા નદીમાં સ્થિત ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ

આ જ્યોતિર્લિંગ સાથે કંઈ કેટલીએ પૌરાણીક કથાઓ જોડાયેલી છે. પુરાણોમાં ઉલ્લેખ છે તે પ્રમાણે વિન્ધ્યાચલ પર્વતે શિવજીને પ્રસન્ન કરવા આરાધના કરી અને જ્યાં સાક્ષાત ઓમકાર વિદ્યમાન છે ત્યાં તેમણે શિવલિંગની સ્થાપના કરી અને લગભગ 6 મહિના સુધી પ્રસન્ન ચીતે પુજા કરી અને છેવટે શિવજી પ્રસન્ન થયા વિન્ધ્યાચલ પર્વત સમક્ષ પ્રકટ થયા અને પર્વતને વરદાન આપ્યું અને કહ્યું કે તે જે પ્રકારનું કામ કરવા માગશે તે સિદ્ધ થશે.


ત્યાર બાદ ત્યાં કેટલાક દેવતાઓ તેમજ ઋષીઓ આવ્યા અને ત્યાં તેમણે શિવજીની આરાધના અને પુજા કરી કે હે શિવજી તમે અહીં બિરાજમાન થાઓ. શિવજીએ તેમની પણ પ્રાર્થના માની અને આમ ઓમકાર લિંગ બે લિંગોમાં વિભક્ત થયું. જે પાર્થિવ લિંગ છે તે વિંધ્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું . અને ભગવાન શિવ જ્યાં સ્થાપિત થયા તે લિંગને ઓમકાર લિંગ કહેવામાં આવ્યું. જ્યારે બીજા લિંગને અમલેશ્વર લિંગ કહેવાય છે. આ બન્ને શિવલિંગ જગતમા પ્રસિદ્ધ છે.


આંદ્રપ્રદેશ સ્થિત મલ્લિકાઅર્જુન જ્યોતિર્લિંગ

આ જ્યોતિર્લિંગ આંદ્ર પ્રદેશના શ્રીશૈલ પર્વત પર સ્થિત છે. આ પર્વતનું તેટલું જ મહત્તવ છે જેટલું કૈલાશ પર્વતનું મહત્ત્વ છે. કહેવાય છે કે ભગવાન શંકરના મોટા પુત્ર કાર્તિક પોતાના પિતાથી કોઈ બાબતને લઈને નારાજ હતા અને અને અહીં આવીને એકાંતવાસ ભોગવી રહ્યા હતા. પણ તેઓ હતા તો પેતાના માતાપિતાના પરંમ ભક્ત તેઓ કેવી રીતે તેમની ભક્તિનો ત્યાગ કરી શકે ! અને અહીં તેમણે પોતાના પિતાની આરાધના કરવા શિવલિંગ બનાવી ઉપાસના શરૂ કરી દીધી. માટે જ અહીં ભગવાન શંકર માતા પાર્વતી સાથે બીરાજમાન છે. શિવનું એક નામ અર્જુન છે અને પાર્વતીજીનું એક નામ મલ્લિકા છે માટે જ આ જ્યોતિર્લિંગને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ કહેવાય છે. એવું કહેવાય છે કે આ જ્યોતિર્લિંગના માત્ર દર્શનથી જ માણસને બધા જ પાપમાંથી મુક્તિ મળી જાય છે.


ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ

આ જ્યોતિર્લિંગના દર્શન કરનાર વ્યક્તિને મોક્ષ મળે છે. મહાભારતમાં મહાકવિ કાલિદાસે મેઘદૂતમાં ઉજ્જયિની ચર્ચા કરતાં આ મંદીરની ખુબ પ્રશંસા કરી છે. એવું કહેવાય છે કે આકાશમાં તારક લિંગ પાતાળમાં હાટકેશ્વર લિંગ અને પૃથ્વી પર મહાકાલેશ્વર લિંગથી વિશેષ કોઈ જ્યોતિર્લિંગ નથી. અને માટે જ મહાકાલેશ્વરને પૃથ્વીના અધિપતિ ગણવામાં આવે છે.


તામિલનાડુ સ્થિત રામેશ્વરમ જ્યોતિર્લિંગ

એવું કહેવાય છે કે આ જ્યોતિર્લિંગની સ્થાપના ભગવાન રામે પોતાના હાથે કરી હતી. માટે જ રામના ઇશ્વર એટલેકે રામેશ્વર. હિંદુઓના ચાર મોટા ધામોમાં આ ધામનો પણ સમાવેશ થાય છે.


પૂણેમાં સ્થિત ભીમાશંકર જ્યોતિર્લિંગ

એવી માન્યતા છે કે કુંભકર્ણનો દીકરો ભીમ ભગવાન બ્રહ્માના વરદાનથી કંઈક વધારે પડતાં જ બળવાન થઈ ગયો હતો. અને તેનો તેને અહંકાર આવી ગયો હતો અને તે શિવભક્તો પર અત્યાચાર કરતો હતો. તેણે ઇન્દ્રદેવને પણ યુદ્ધમાં હરાવી દીધા હતા. ત્યાંના રાજા સુદાક્ષણને તેણે કારાવાસમાં પુરી દીધા હતા. ત્યાં કારાવાસમાં સુદાક્ષણે શિવલિંગ બનાવી ભગવાન શંકરની ખુબ જ આરાધના કરી. તેની ખબર ભીમને પડી ગઈ અને તેણે ત્યાં આવીને શિવલિંગને પોતાના પગ તળે રોળી નાખ્યું. આ જોઈ ક્રોધીત થઈ ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને ત્યાંને ત્યાં જ તેનો વધ કરી લીધો. અને આ રીતે આ શિવલિંગનું નામ પડ્યું ભીમાશંકર જ્યોતિર્લિંગ


ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ જ્યોતિર્લિંગ

કેદારનાથ મંદીર સમુદ્રની સપાટીએથી 3593 ફૂટ ઉંચાઈ પર આવેલું છે. આ મંદીરના નિર્મણ વિશે કહેવામાં આવે છે કે તેનું નિર્માણ પાંડવ વંશના જનમેંજયે કરાવ્યું હતું. અહીં આવેલું સ્વયંભુ શિવલિંગ ખુબ જ પ્રાચિન છે. કથા પ્રમાણે કહેવાય છે કે મહાભારતમાં વિજય મેળવ્યા બાદ ભાઈઓની હત્યાના પાપથી મુક્ત થવા માટે તેઓ શંકર ભગવાનનો આશિર્વાદ મેળવવા માગતા હતા પણ તે તેમનાથી રુઠેલા હતા.


પાંડવો ભગવાન શંકરના દર્શન માટે કાશી ગયા પણ તેમને ત્યાં ન મળ્યા તેઓ તેમને શોધતા શોધતા હિમાલય પહોંચ્યા. ત્યાં પણ શિવ ભગવાન પાંડવોને દર્શન આપવા નહોતા માગતા માટે તેઓ કેદાર જતા રહ્યા.


પણ પાંડવોએ હાર ન માની તે તેમનો પિછો કરતા કરતાં કેદાર પણ પહોંચી ગયા. પણ ત્યાં સુધીમાં તો ભગવાન શંકરે બળદનું સ્વરૂપ લઈ લીધું હતું અને તેઓ બીજા પશુઓમાં ભળી ગયા. પાંડવોને ખબર પડી ગઈ. છેવટે ભીમે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બે પહાડ પર પગ ફેલાવી દીધા. બીજા બધા પશુઓ તો આરામથી તેની નીચેથી જતાં રહ્યા પણ ભગવાન શંકર આવી રીતે કોઈ પગ નીચેથી કેવી રીતે જઈ શકે. છેવટે ભગવાન શંકરે તેમના મૂળ સ્વરૂપમાં આવવું જ પડ્યું. તેમણે તરત જ દર્શન આપી પાંડવોને પાપ મુક્ત કર્યા.


જારખંડ સ્થિત વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

આ જ્યોતિર્લિંગની કથા ખુબ જ રસપ્રદ છે. એકવાર રાવણે કઠોર તપસ્યા કરીને શિવજીને પ્રસન્ન કર્યા. જ્યારે શિવજીએ તેને વરદાન માગવા કહ્યું ત્યારે તેણે તેમને લંકામાં વસવા કહ્યું. સામે શિવજીએ પણ શરત રાખી કે શિવલિંગના સ્વરૂપમાં તે તેની સાથે જશે પણ તેણે તેમને લંકા સુધી ઉચકીને લઈ જવા પડશે. પણ જો રસ્તામા તે રોકાશે અને જમીન પર શિવલિંગ મુકી દેશે તો ત્યાંથી શિવલિંગ આગળ નહીં વધે.


રાવણ તરત જ શિવલિંગને ઉંચકીને ચાલવા લાગ્યા પણ રસ્તામાં તેમને લઘુશંકા લાગી અને તેમણે બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાન વિષ્ણુને શિવલિંગ પકડાવી દીધું અને તેને નીચે નહીં મુકવાની અરજ કરી લઘુશંકા માટે ગયો. પણ તે પાછો આવ્યો તો તેણે જોયું કે શિવલિંગ જમીન પર પડ્યું હતું પછી કેટલાએ પ્રયાસ છતાં શિવલિંગ ત્યાંથી ન હલ્યું. અને ત્યાંના વૈદ્ય નામના ભિલે શિવલિંગની આરાધના કરી અને ત્યારથી આ જ્યોતિર્લિંગનું નામ વૈદ્યનાથ પડ્યું.


ઉત્તર પ્રદેશમાં સ્થિત કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ

આ જ્યોતિર્લિંગની માન્યતા છે કે ધરતી પર ગમે તેવો પ્રલય આવે તેમ છતાં પણ આ જગ્યાને કશું જ નહીં થાય. તેની રક્ષા માટે ભગવાન શિવ આ સ્થાનને પોતાના ત્રિશૂળ પર ધારણ કરી લેશે અને પ્રલય જતો રહે ત્યારે તેને ફરી આ સ્થાન પર મુકી દેશે.


ગુજરાત સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ

નાગેશ્વરનો અર્થ થાય નાગોના દેવતા. ભગવાન શિવનું એક બીજું નામ નાગેશ્વર પણ છે. દ્વારકા નગરીથી માત્ર 17 કી.મીના અંતરે આવેલું આ જ્યોતિર્લિંગ વિષે કહેવાય છે કે જો પૂર્ણ શ્રદ્ધાથી અહીં જ્યેતિર્લિંગના દર્શન કરવામાં આવે તો શ્રદ્ધાળુની મનોકામના ચોક્કસ પુરી થાય છે.


મહારાષ્ટ્ર સ્થિત ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ

ભગવાન શિવનું એકનામ ત્ર્યંબકેશ્વર પણ છે એવું કહેવાય છે કે ગૌતમ ઋષી અને ગોદાવરીની પ્રાર્થના પ્રમાણે ભગવાન શિવે અહીં વાસ કર્યો અને આ જગ્યાને ત્ર્યંબકેશ્વર નામ આપવામા આવ્યું. આ જ્યોતિર્લિંગની ખાસિયત એ છે કે અહીં ત્રણે દેવતાઓનો વાસ છે. બ્રહ્મા- વિષ્ણુ અને શિવજી, જ્યારે બીજા જ્યોતિર્લિંગોમાં માત્ર મહાદેવ જ બીરાજમાન છે.


મહારાષ્ટ્ર સ્થિત ઘૃસણેશ્વર જ્યોતિર્લિંગ

આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના સંભાજીનગર નજીક આવેલા દૌલતાબાદ પાસે આવેલું છે. ઘૃસણેશ્વર અથવા તો ઘુશ્મેશ્વરના નામે પણ આ જ્યોતિર્લિંગને ઓળખવામાં આવે છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં આ છેલ્લું જ્યોતિર્લિંગ છે. ઇલોરાની ગુફા આ મંદીરની નજીક જ આવેલી છે. અહીં એકનાથજી ગુરુ તેમજ શ્રી જનાર્દન મહારાજની સમાધી પણ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version