શ્રીરામના વિયોગમાં દશરથે પ્રાણ ત્યાગ કર્યો એ દ્રશ્ય દરમિયાન જ કલાકારને ખરેખર આવ્યો હાર્ટ એટેક

નવરાત્રી અને દિવાળીના પર્વ સુધી દેશના અનેક રાજ્યોમાં રામલીલા થતી હોય છે. આ રામ લીલામાં કલાકારો રામાયણના પ્રસંગોને મંચ પર રજૂ કરે છે. આ કલાકારો વર્ષોથી મંડળીઓ સાથે જોડાયેલા હોય છે અને તેઓ દરેક પાત્રને સ્ટેજ પર સજીવન કરી દેતા હોય છે.

image soucre

રામાયણનો દરેક પ્રસંગ મંત્રમુગ્ધ કરી દે તેવો હોય છે તેવામાં જો કલાકાર પણ એવા હોય જે પોતાના પાત્રમાં ઓતપ્રોત થઈ દર્શકોને અનુભૂતિ કરાવે કે ખરેખર સ્ટેજ પર રામાયણના પ્રસંગ જીવીત થઈ ઊઠે તો સોનામાં સુગંધ ભળી જાય. આ કારણથી તો આજે પણ દરેક વ્યક્તિના મનમાં રામાયણ સીરીયલના પાત્રો ઘર કરી ગયા છે. શ્રીરામ તરીકે અરુણ ગોહિલ, સીતા તરીકે દિપીકા ચીખલીયા સહિતના કલાકારો લોકોના મનમાં વર્ષોથી વસી ગયા છે.

આ વાત તો થઈ સીરીયલની પરંતુ રામલીલામાં પણ કલાકારો એવા હોય છે જેઓ વર્ષોથી રામાયણના પાત્ર ભજવતા હોય અને સ્ટેજ પર તેનો અભિનય એટલો સત્ય લાગે કે કોઈ સમજી જ ન શકે કે તે અભિનય કરે છે. જો કે આવી ઘટના ક્યારેક દુખદ પણ સાબિત થાય છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ આવું ઉત્તર પ્રદેશમાં બન્યું હતું.

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં ગ્રામ્ય વિસ્તારમાં રામલીલા ચાલી રહી હતી. તેમાં રાજા દશરથનું પાત્ર ભજવતા 62 વર્ષીય કલાકારનું હાર્ટ એટેકથી સ્ટેજ પર ત્યારે જ મોત થયું જ્યારે તેઓ સ્ટેજ પર એ દ્રશ્ય ભજવતા હતા જેમાં રાજા દશરથનું શ્રીરામના વિયોગમાં નિધન થાય છે.

આ અંગે મળતી જાણકારી અનુસાર અફઝલગઢમાં ગુરુવારે રાત્રે રામલીલા થઈ રહી હતી. સ્ટેજ પર દ્રશ્ય ચાલતું હતું કે જેમાં રામ વનવાસ માટે જાય છે અને રાજા દશરથ તેના વિયોગમાં રામનું નામ બોલતા બોલતા મૃત્યુ પામે છે. આ દ્રશ્યમાં 62 વર્ષીય કલાકાર રાજેન્દ્ર સિંહ સ્ટેજ પર હતા અને તે વિયોગના દ્રશ્ય દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તે રામ રામ કરતા અચાનક સ્ટેજ પર ઢળી પડ્યા. આ જોઈ લોકો તાળીઓનો ગળગળાટ કરવા લાગ્યા કારણ કે તેમને લાગ્યું કે આ દ્રશ્યનો જ એક ભાગ છે. પરંતુ જ્યારે થોડીવાર પછી પણ રાજેન્દ્રના શરીરમાં હલન ચલન થયું નહીં તો મંડળીના લોકો સ્ટેજ પર દોડી આવ્યા અને જોયું તો રાજેન્દ્ર પ્રાણ ત્યાગી ચુક્યા હતા.

આ અંગે જાણવા એમ પણ મળે છે કે રાજેન્દ્ર છેલ્લા 20 વર્ષથી રામલીલામાં દશરથનું પાત્ર ભજવે છે અને તે ખૂબ જ પ્રખ્યાત પણ હતા તેમના આ પાત્રના અભિનય માટે જો કે આ પાત્ર ભજવી રહ્યા હતા ત્યારે જ તેમણે સ્ટેજ પર પ્રાણ ત્યાગી દીધા આ જોઈ લોકોમાં પણ શોકની લાગણી ફરી વળી હતી.