શું તમે જોઈ છે સુરતમાં માનવતાની દીવાલ? પોતાને ઉપયોગમાં ના આવતા હોય એવા કપડાં લોકો મૂકી જાય છે અહીં, અને જરૂરીયાતમંદ લોકોના ઢંકાય છે અંગ

કહેવાય છે કે દાન એવી રીતે કરવું કે જો જમણા હાથે દાન કર્યું હોય તો ડાબા હાથને પણ ખબર ન પડે અને સુરત શહેરમાં આ પ્રકારના દાનની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. આપનારને મોટપ ન આવે અને લેનાર નાનપ ન અનુભવે એ માટે ઉધના રેલવે સ્ટેશન પાસે માનવતાની દિવાલ બનાવવામાં આવી છે. આ દીવાલ પર લોકો પાસે વધારાના કપડાં, બૂટ-ચપ્પલ હોય તો તે મુકી જાય છે અને જરૂરિયાતમંદો પોતાની જરૂરિયાત પ્રમાણે વસ્તુ ત્યાંથી લઇ જાય છે. આ માનવતાની દિવાલ છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે અને અત્યાર સુધીમાં અંદાજે 30 હજાર લોકોને આ દીવાલ થકી શરીર ઢાંકવા માટે કપડાં મળી રહ્યા છે.

એક વેપારીઓના ગ્રુપે માનવતાની દિવાલ બનાવી

image source

ખટિક સમાજ દિનબંધુ સેવાના લક્ષ્મણભાઈ ખટિક, જનહિત સેવા સમિતિના સંચાલક પપ્પુભાઈ રાય સહિતના વેપારીઓ ભેગા મળીને ઉધના રેલવે સ્ટેશન પાસે માનવતાની દિવાલ બનાવી છે. આ દિવાલ પર નાના બાળકોથી લઇને ઘરડા તેમજ મહિલાઓના પણ કપડાં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

image source

આ વિશે પૂછતાં લક્ષ્મણ ખટિકે જણાવ્યું હતું કે મારા ઘરે કડિયાકામ ચાલતું હતું. ત્યારે શ્રમિકો સાથે તેમના બાળકો પણ હતાં. તેમને જોઇને મને થયું કે આ લોકોને કપડાંની જરૂર છે. મારા છોકરા પાસે વધારાના કપડાં હતા.એટલે એ કપડાં એમને આપવાનું વિચાર્યું પણ એકવાર મનમાં થયું કે આ લોકો અમારા કપડાં પહેરશે કે કેમ પછી મેં એ કપડાં એ બાળકોને આપ્યા તો બાળકો ખુશ થઇ ગયા. એ પછી એ બાળકોની માતાએ કહ્યું કે, વધારે કપડાં હોય તો એ પણ આપો. એ પછી મને વિચાર આવ્યો કે અમારા ઘરે મારા અને મારી પત્નીના પણ ઘણા એવા કપડાં છે જે વધારાના છે. મે આ વિચાર મિત્રો સાથે શેર કર્યો. એ પછી અમે પ્લાન બનાવ્યો અને આ માનવતાની દિવાલ બનાવી. જ્યાં લોકો પોતાના બિનજરૂરી કપડાં તેમજ અન્ય વસ્તુઓ મૂકી જાય છે.

ઘણા લોકો નવા કપડાં પણ મુકી જાય છે

image source

આ માનવતાની દિવાલની શરૂઆત વર્ષ 2018થી થઈ છે. જેનો અત્યારસુધી 30 હજારથી વધુ લોકોએ લાભ લીધો છે. કેટલાક લોકો નવા કપડાં પણ મુકી જાય છે. ઘણા લોકો પોતાના ઘરના અન્ય લોકો માટે પણ લેતા જાય છે. પહેરીને ટ્રાય કરે છે અને પસંદ આવે તે લેતા જાય છે.

ઘણાના ઘરમાં વધારાના કપડાં પડી રહે છે, પરંતુ તેનો યોગ્ય નિકાલ થતો નથી. આ દિવાલ શહેરના દરેક વિસ્તારમાં હોય તો એકેય કપડું બેકાર ન જાય અને તમામ લોકોને તેનો લાભ મળે તેમ લક્ષ્મણ ખટિકે જણાવ્યું હતું.

image source

પપ્પુભાઈ રાયએ જણાવ્યું હતું કે, દરેકના ઘરે કપડાં, ચાદર, સાડી, બગલ થેલા, પર્સ, બૂટ-ચપ્પલ આવી ઘણી વસ્તુઓ વધારાની પડી રહી હોય છે, જે એમને કોઈ ઉપયોગમાં નથી આવી પરંતુ એ વસ્તુઓ ઘણાને ઉપયોગી થઇ શકે તેમ છે. અને 2018થી આ દિવાલ બનાવવાનો ઉદ્દેશ્ય પણ એ જ છે. જો આ બધી વસ્તુ માનવતાની દિવાલ પર મુકી જવામાં આવે તો તે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી શકે છે.

આ દિવાલની દર અઠવાડિયે સફાઈ પણ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે માનવતાની દિવાલ પર શું મુકવું અને શું ન મુકવું એ અંગે કોઇ નિયમો નથી. જેની પાસે જે વધારે છે તે વ્યક્તિ એ મુકી જાય છે. કોઇ સ્કૂલ બેગ મુકી જાય છે તો કોઈ ચાદર અને ચોરસા પણ મુકી જાય છે. કેટલાક લોકો ઘરના વધારાના વાસણ પણ મુકી જાય છે. પછી જેની જેવી જરૂરિયાત હોય તે પ્રમાણે લઇ જાય છે. કોઇ વતન જતુ હોય અને પત્ની કે બાળકો માટે કપડાં પસંદ આવે તો તે પણ લેતા જાય છે.

image source

આ માનવતાની દીવાલની ખાસ વાત એ છે કે કોઈ વ્યક્તિ કપડા કે અન્ય કોઈ વસ્તુ લેવા આવે તો તેને શરમ ન આવે અને આપનાર પ્રત્યે માત્ર આશિર્વાદ જ નીકળે તે પ્રકારે તે લઈ શકે છે. લેનારને હાથ લંબાવવો પડતો નથી કે કોઈની પાસે માંગવું પડતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત