સુરતમાં બિલ્ડિંગમાં તોડફોડ, પ્રવાસી શ્રમિકોની વતન પરત મોકલવાની ઉગ્ર માંગ
અમદાવાદ બાદ ગુજરાતના સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે તેવામાં સુરત જિલ્લામાં પ્રવાસી શ્રમિકોએ વતન પરત મોકલવાની ઉગ્ર માંગ સાથે તોડફોડ કરી હતી.

મોટી સંખ્યામાં શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમને વતન પરત મોકલવાની વાત કરી હતી. જો કે ઘટનાસ્થળ પર પોલીસ તુરંત હાજર થઈ અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
પ્રવાસી શ્રમિકોએ ઉગ્ર રજૂઆત સાથે એક નિર્માણાધિન બિલ્ડીંગમાં તોડફોડ કરી હતી અને રસ્તા પરના વાહનોમાં પણ કચ્ચરઘાણ બોલાવ્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર સુરતના ખજોદ વિસ્તારમાં ડાયમંડ બોર્સ કોમ્પ્લેક્ષના ઠેકેદારોએ આ શ્રમિકોને કામે રાખ્યા હતા.

પોલીસ ઉપાયુક્ત વિધિ ચૌધરીના જણાવ્યાનુસાર જ્યારે મજૂરોને ખબર પડી કે તેમને કામે રાખનાર ઠેકેદાર જિલ્લા કલેકટરની પરવાનગી લઈ નિર્માણ કાર્ય માટે ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી વધુ મજૂર લાવવાના છે તો આ પ્રવાસી મજૂરોએ પ્રદર્શન શરુ કરી દીધું.
પહેલા તો શ્રમિકો એ વાતથી નારાજ થયા કે બહારથી મજૂરો આવે તો તેમનાથી કોરોનાનું સંક્રમણ ફેલાવાનું જોખમ વધી શકે છે. ત્યારબાદ વિરોધ એ વાત પર પણ કર્યો કે જો બહારથી મજૂર લાવી શકાય છે તો તેમને વતન પરત મોકલવાની વ્યવસ્થા કેમ નથી થતી. આ બંને વાતોના કારણે વાતાવરણ ઉગ્ર બન્યું હતું. મજૂરોએ નિર્માણાધિન બિલ્ડીંગમાં અને વાહનોમાં તોડફોડ પણ કરી હતી.

જો કે મજૂરોએ વતન પરત જવાના રોષમાં કરેલી તોડફોડ અને સામાજિક અંતરના નિયમનો ભંગ કરતાં પોલીસે તેમના વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે. અધિકારીના જણાવ્યાનુસાર તેમના વિરુદ્ધ પ્રારંભિક ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.

આ પહેલા સવારના સમયે એક ઘટનામાં કેટલાક સ્થાનિક લોકોએ સુરતના ડિંડોલી વિસ્તારમાં લોકડાઉનનું પાલન કરાવવાનો પ્રયાસ કરતાં સુરક્ષા દળો પર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. પોલીસ ઉપાધીક્ષક આર પી બારોટએ આ ઘટનાની પુષ્ટી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ પર હુમલાના આ મામલે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.