શું તમે જાણો છો કે સુરતની આ મસ્જિદનું નિર્માણ થયું છે એક જ પિલર પર ?

સ્થાપત્ય કલા, વાસ્તુ અને અદ્ભૂત બાંધકામની વાતમાં આપણા દેશનો કોઈ હાથ પકડી શકે નહીં. આપણા દેશમાં કેટલાક એવા સ્થાપત્યો આવેલા છે જે આજના સમયના આર્કીટેક માટે પણ એક આખી પાઠશાળા સમાન છે. દેશની સાથોસાથ ગુજરાતમાં પણ અનેક એવા સ્થાપત્યો છે જેનું બાંધકામ જોઈ એકવાર તો વિચાર આવે જ કે વર્ષો પહેલા કોઈપણ પ્રકારની સુવિધા વિના મંત્રમુગ્ધ કરી દે તેવું બાંધકામ કેવી રીતે શક્ય બન્યું હશે.

image source

આજે આપણે જાણીએ સુરત શહેરમાં આવેલી આવી જ એક મસ્જિદ વિશે જેને જોઈ ભલભલાં આર્કિટેક પણ મોઢામાં આંગળા નાખી જાય છે. કારણ કે 200 વર્ષ જેટલી જૂની આ મસ્જિદ કોઈ અજાયબીથી કમ નથી.

આ મસ્જિદ સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી છે. જે કુવતે ઇસ્લામ મસ્જિદ તરીકે ઓળખાય છે. જાણકારોના મતે આ મસ્જિક અંદાજે 200 વર્ષ જૂની છે. આ મસ્જિદમાં આમ તો અનેક ખાસિયતો છે પરંતુ તેની સૌથી અનોખી વાત એ છે કે આ મોટી મસ્જિદ એક જ પિલર પર 200 વર્ષથી અડીખમ છે.

જી હાં કોઈ ભુલ કે ગેરસમજ નથી આ મસ્જિક ખરેખર એક જ પિલર પર ઊભી છે. 200 વર્ષ પહેલા આ મસ્જિદનું નિર્માણ કરતી વખતે વિચારવામાં આવ્યું કે મસ્જિદમાં લોકોને પંખા વિના ઠંડક મળી રહે તે માટે અહીં 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી પણ બનાવવામાં આવી છે.

શું છે મસ્જિદનો ઈતિહાસ અને કેવી રીતે થયું છે બાંધકામ ?

image source

200 વર્ષ જૂની આ મસ્જિદના ઈતિહાસ વિશે જાણવા મળે છે કે જ્યારે મુગલો સુરત આવ્યા ત્યારે આ મસ્જિદનું બાંધકામ થયું હતું. મસ્જિદની સૌથી મોટી ખાસિયત તેનું એક પિલર પર થયેલું બાંધકામ છે. આ પિલર પર બે માળ છે. પિલર સુધી પહોંચવા માટે દાદર બનાવવામાં આવ્યા છે. પિલરની બાજુમાં ચાર કમાન રાખવામાં આવી છે જેનો સપોર્ટ મસ્જિદને મળે છે. પિલરની ઉપરના માળ પર જમાતખાનું આવેલું છે જ્યાં નમાઝ અદા કરવામાં આવે છે. અહીં વોટર હાર્વેસ્ટિંગ માટે એક વિશાળ પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે જે તે સમયના કારીગરોની કળાને દર્શાવે છે. લોકમુખે એમ પણ જાણવા મળે છે કે રાંદેરના બાવા મિયા નામના વ્યક્તિએ આ મસ્જિદનું બાંધકામ કરાવ્યું હતું.

કેટલો થયો ખર્ચ ?

image source

200 વર્ષ પૂર્વે આ મસ્જિદ 1,18,000 રૂપિયાના ખર્ચે તૈયાર થઈ હતી. તે સમયે કારીગરોને 3 પૈસા રોજ આપી અને કામ કરાવવામાં આવ્યું હતું.

image source

આજે પણ આ મસ્જિદમાં રોજના 300થી 400 જેટલા નમાજી આવે છે. અહીંના અંડર ગ્રાઉંડ પાણીના ટાંકામાંથી મીઠું પાણી મળે છે જેના વડે અહીં આવતા નમાઝીઓ હાથ પગ ધોવે છે. નમાઝીઓ ઉપરાંત આ ઉત્તમ સ્થાપત્ય કલાના નમૂનાને જોવા મુલાકાતીઓ અને આર્કિટેકનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ આવે છે.