તમે માનો કે ન માનો પણ કિસ કરવાથી થઈ શકે છે ‘કિસિંગ ડિસીઝ’! મોતનું કારણ બને એ પહેલાં ચેતી જાઓ
શું તમે એવા ગળાડૂબ પ્રેમમાં છો કે તમારાં પ્રેમીજન સાથે એક જ સ્ટ્રોમાંથી સોફ્ટડ્રિંગ પીઓ છો ? કે એક જ ચમચીએથી આઇસક્રીમ ખાઓ છો? કે પછી અવારનવાર તસતસતાં ચુંબનોની આપ-લે કરો છો ? અથવા તો ફિલ્મના દર્શ્યોથી ઇમ્પ્રેસ થઇને એક નાળિયેરમાં સ્ટ્રો નાખીને નાળિયેર પાણી પીવાનું વિચારી રહ્યાં છો ? તો ચેતી જાઓ…પહેલી નજરે ભારે રોમેન્ટિક લાગતી આ હરકતો તમને ‘કિસિંગ ડિસીઝ’ નામની બીમારીનો ચેપ લાગાડી શકે છે અને આ બીમારી તમને ગંભીર રીતે બીમાર પાડી શકે છે. કારણ કે મેડિકલ ભાષામાં આ બીમારીને ઇન્ફેક્શિયસ મોનોન્યુક્લિયોસિસ અથવા તો ગ્લેન્ડ્યૂલર ફીવર કહેવામાં આવે છે.

ડૉક્ટરના કહેવા પ્રમાણે, ‘કિસિંગ ડિસીઝ ઘણા પ્રકારના વાઇરસને કારણે ફેલાઇ શકે છે, પરંતુ તેના 90 ટકા કૅસોમાં જોવા મળ્યું છે કે આ બીમારી એપસ્ટીન બાર વાઇરસ (EBV)થી ફેલાય છે, જેનું મુખ્ય કારણ માણસની લાળ છે. લાંબા સમય સુધી ચુંબનરત રહેનારી વ્યક્તિ જાણ્યે-અજાણ્યે એકબીજાનાં મોંમાં પોતાની લાળની આપ-લે પણ કરે છે. તેની સાથે વાઇરસનું પણ આદાન-પ્રદાન થાય છે અને પછી વાઇરસ આખા શરીરમાં ફેલાઈ જાય છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) નામની અમેરિકન સંસ્થાના જણાવ્યા પ્રમાણે કિસિંગ ડિસીઝને ‘હ્યુમન હર્પીસ 4’ પણ કહેવામાં આવે છે. આ હર્પીસ ફેમિલીનો વાઇરસ છે. ટેક્નિકલ ટર્મિનોલોજીમાં આ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે, જેનો ઇલાજ કરવા માટે સપોર્ટિવ ટ્રીટમેન્ટની જરૂર પડે છે.
એપસ્ટીન બાર વાઇરસ યાને કે કિસિંગ વાઇરસ સ્વાભાવિક રીતે જ યુવાનો અને કિશોરોને સૌથી વધુ પોતાનો શિકાર બનાવે છે. જો બાળકોને તેનો ચેપ લાગે તો તેમનામાં તેનાં લક્ષણો બહુ ઓછાં દેખાય છે. જ્યારે વૃદ્ધોમાં આ વાઇરસનો ચેપ લાગવાની શક્યતા ઓછી હોય છે. આ વાઇરસ લાળ ઉપરાંત બ્લડ ટ્રાન્સમિશન, અસુરક્ષિત સેક્સ્યુઅલ કોન્ટેક્ટ, ઉધરસ અને છીંકથી પણ ફેલાય છે.

કમનસીબે કિસિંગ ડિસીઝથી સો ટકા બચી શકાય તેવો કોઈ ફુલપ્રૂફ ઇલાજ નથી. આ એક વાઇરલ ડિસીઝ છે, જેના પર એન્ટિબાયોટિક દવાઓ કામ નથી કરતી. એટલા માટે જ આ બીમારીનો ઇલાજ સપોર્ટિવ ટ્રીટમેન્ટથી કરવામાં આવે છે. સામાન્ય રીતે એક મહિનામાં આ બીમારીનાં તમામ લક્ષણો જતાં રહે છે. ડોક્ટરના કહેવા પ્રમાણે આ બીમારીથી બચવા માટેની કોઈ વેક્સિન પણ બની નથી. તેનાથી બચવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખી શકોઃ
વાઇરસ શરીરમાં પ્રવેશે તેના એક અઠવાડિયા સુધી થાક, શરીરમાં કળતર, ગળામાં દુખાવો, તાવ જેવાં લક્ષણો જોવા મળે છે. ગળામાં દુખાવો થાય તો બોલવાનું ઓછું કરવું. નવશેકા પાણીથી કોગળા કરવા.
ઓરલ અને અન્ય હાઇજિનનું ધ્યાન રાખવું.
પરિવારમાં કોઇને પણ તમારાં એઠાં વાસણોનો ઉપયોગ કરવા ન દેવો.
કોઈ બીજી વ્યક્તિએ વાપરેલા ગ્લાસનો ઉપયોગ ન કરવો.
અન્ય લોકો સાથે ભોજન અને ડ્રિંક શૅર ન કરવું.