Site icon News Gujarat

લોકડાઉન દરમિયાન આ ટ્રસ્ટએ 20 લાખના ખર્ચે કરાવ્યું પશુ-પક્ષીઓને ભોજન

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભભાઈ કથિરીયા અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી મિત્તલભાઈ ખેતાણીના માર્ગદર્શનમાં અબોલ જીવોની સેવાની સરવાણી લોકડાઉન શરુ થયું ત્યારથી શરુ કરવામાં આવી છે.

રાજકોટમાં લોકડાઉન થયું છે પરંતુ અબોલ જીવ એવા ગાય, કુતરા, પક્ષીઓ, માછલા તેની ભુખને લોકડાઉનની શું ખબર…. આ વાત સાથે છેલ્લા 16થી વધુ દિવસોથી આ ટ્રસ્ટ અબોલ જીવોને ભોજન કરાવવાનું કામ કરી રહ્યું છે.

રાજકોટ સહિત દરેક જગ્યાએ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અનેક સંસ્થાઓ અને સરકાર ભૂખ્યા લોકોની તો મદદ કરી જ રહી છે. પરંતુ અબોલ જીવોની મદદ માટે ઉમદા કામ લોકડાઉન અને કોરોનાના જોખમ વચ્ચે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15થી પણ વધુ દિવસોથી અવિરત સેવાની સરવાણી વહાવવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટ મિત્તલભાઈ ખેતાણી અને ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભભાઈ કથિરીયાના માર્ગદર્શન હેઠળ અંદાજે 20 લાખના ખર્ચે પક્ષીઓ માટે ચણ, શ્વાન માટે દૂધ-બિસ્કીટ, ગાયો માટે ચારો અને માછલીઓને ભોજન કરાવવામાં આવી રહ્યું છે.

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી મિત્તલભાઈ ખેતાણીએ આ અંગે જણાવ્યું હતું કે લોકડાઉન જાહેર થયું ત્યારથી સોશિયલ ડિસ્ટંસીંગનું ધ્યાન રાખી તેમજ લોકડાઉનના એક પણ નિયમનો ભંગ ન થાય તે રીતે રોજ તેમના 100 જેટલા કટ્ટા ચણના, 1400 જેટલા શ્વાનને દૂધ-બિસ્કીટ ખવડાવવાનું, 60 કિલો જેટલું અન્ન માછલીઓને અને ગાય માતા પણ ભૂખી ન રહે તે માટે કામ કરવામાં આવે છે.

આ સાથે જ ગરમી શરુ થઈ ગઈ હોવાથી પક્ષીના રહેવા માટે માળા, પાણીના કુંડા, ગાય માટે પાણીની કુંડી વગેરેનું વિતરણ પણ આ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય કરવામાં આવે છે. એનિમલ હેલ્પ લાઈનની ખાસ વાત એ પણ છે કે તેમને જો કોઈ વ્યક્તિ ફોન પર સંપર્ક કરે અને જણાવે કે કોઈ અબોલ જીવને સારવાર કે ભોજનની જરૂર છે તો તેઓ તેની વ્યવસ્થા પણ તુરંત કરાવે છે.

Exit mobile version