ઊડતી આફત – લોનના હપ્તા ભરવાના અને દીકરીનું જીયાણું કરવાનું અને હવે આ આફત…

લખમણને મુદ્દલે ટ્રેકટર લાવવાની ઈચ્છા હતી જ નહીં, કારણ તેની પોતાની માલિકીની જમીન તો માત્ર સાત વિઘાનું એક ખેતર નામે આઘાટીયું . બીજું નવ વિઘાનું એક ખેતર જે તેની વિધવા ભાભીના નામે તેને એ સાંથ ભાગે ખેડતો હતો.

પવન પલટાઈ ગયો હતો. ગામમાં બધા ટ્રેક્ટરથી ખેતી કરતા હતા. આખા ગામમાં તે એકજ એવો હતો કે બળદથી ખેતી કરતો હતો. તે વિચારતો હતો કે જમીન તે કોઈ ટ્રેક્ટરવાળાને અડધે ભાગે ખેડવા આપી દે, પણ વધતા જતા ડીઝલના ભાવ અને દેતે પૈસે પણ મજૂરીયા મળતાં ના હોઈ તેની જમીન અડધા ભાગે ખેડવા કોઈ તૈયાર ના હતું. વરસાદ થાય ત્યારે ટ્રેકટરવાળા તો ફડાકામાં પોતપોતાની જમીન વાવી લેતા. જ્યારે લખમણ ધીમે ધીમે બળદનાં પૂંછડા આંબળતો પોતાની જમીન વાવી રહે ત્યાં સુધીતો ટ્રેક્ટરવાળાનાં ખેતરોએ લીલી ઓઢણી ઓઢી લીધી હોય તેવું દેખાતું.

image source

બળદથી ખેતી કરવામાં આમતો સસ્તી પડતી હતી પણ ઉતાવળ થતી ના હતી. સમયસર વાવેતર ના થવાથી ઉગાવામાં ફેર પડી જતો. શરૂઆતનું વાવેતર થયું હોય ત્યાં સારો ઉગાવો દેખાય ને વાવતાં વાવતાં ખેતરના બીજા ભાગમાં આવે ત્યાં સુધી જમીનનો ભેજ ઊડી ગયો હોય ને ઉગાવો બરોબર થાય નહીં.

દિવસનો મોટાભાગ બળદોને બાંધવા છોડવા ને તેમને ચારપૂળો કરવામાં સમય નીકળી જતો ને ધરાઈને ધાન ખાવા ના પામતો. આમ પછી પોતાની જમીન બેંકના તરણમાં મૂકીને લોન લઈ ને ના છૂટકે ટ્રેકટર લાવ્યો. એને થયું, ‘આપણે કરી પણ શું શકવાના? પવન પલટાય તેમ જો ના પલટાઈએ તો જઈએ તેરના ભાવમાં !’

image source

ટ્રેક્ટરનો વર્ષે દહાડે વ્યાજ સહિત સિતરે હજાર રૂપિયાનો હપ્તો ભરવાનો થતો. બે હપ્તા સમયસર ભરાયા હતા. પણ ત્રીજા વર્ષે ખેતી નબળી પડી ને વરસ મોળું આવ્યું. પૈસાનો વેંત થયો નહીં. હપ્તો ભરવાની તારીખ જતી રહી હતી. નોટિશો પર નોટિશો આવતી હતી. પણ પૈસાનો કાંઈથી મેળ પડ્યો નહીં. બેંકવાળા મોટર લઈને હપ્તો વસુલાત કરવા ઘરે આવીને આબરૂની એક આની કરી ગયા.

હપ્તો તો એ ભરી શક્યો ના હતો પણ ભાઈસાબ બાપા કરીને વિસ હજાર વ્યાજના ભર્યા. નહીં તો બેંકવાળા ટ્રેકટર પાછું ખેંચી જવાના હતા. હપ્તો વસુલ કરવા બેંકવાળા ઘરે આવ્યા હતા તેની આખા ગામને જાણ થઈ હતી ને મોટો ભવાડો થયો હતો. આથી લખાની ઘરવાળીને તો ઉલમાંથી ચુલમાં પડયા જેવું લાગતું હતું પણ લખો જેનું નામ એ પાછો પડે તેમ ના હતો. લાફા મારીને ગાલ રાતા રાખી રહ્યો હતો.

image source

કમુએ ચા બનાવ્યો. ચા અને રાતના વધેલા રોટલાની શિરામણી કરી લીધી. એણે ખભા પર કોદાળી મૂકી ને કમુએ પાણીનો મોરિયો ઉપાડ્યો ને ઘણીધણીયાણીએ ખેતરની વાટ પકડી. આજે ખેતરમાં ખાસ કાંઈ કામ હતું નહીં. થોડા ભાગમાં નિંદામણ કરવાનું હતું.

એ ચાલતો હતો ધીમે ધીમે પણ એના મનમાં ચાલતા વિચારોની ગતી તેજ હતી. આ વર્ષે બે હપ્તા અને તેનું વ્યાજ ભરવાનું છે. દોઢ લાખ રૂપિયા ઉપરની રકમ ભરવી પડશે. આવડી મોટી માતબર રકમ તો કદી સપનામાં પણ જોઈ નથી. ચમનું થાશે આ હપ્તાનું.? સાત વિઘામાં જીરું કર્યું હતું તે ઉગવામાં સારું હતું તેથી ટ્રેક્ટરનો હપ્તો ભરી શકાશે તેવી તેના હૈયામાં હામ હતી.

જીરું સારું જામ્યું છે. ત્રણ પાણી તો આપી દીધાં હવે એક પાણી આપવાનું બાકી છે. તે વિચારી રહ્યો હતો કે, ‘વિકાસની દવા ને ગંજરપ એક વખત નખાઈ જાય પછી તો ભયો ભયો’ વળી એના મનમાં વ્હેમનાં વાદળો ઉમટયાં કે ” સાલું આ જીરું પક્વવું એ પણ એક જાતનો જુગાર કહેવાય! કોથળા ભરાય ને ઘરે લઈ જઈએ ત્યારે કે’વાય કે જીરું પાક્યુ.”

image source

“બે-ચાર વર્ષથી ઝીઆણું કરવાનું વાયદામાં જાય છે તો ઓણતો ભગવાને આલવા ધાર્યું છે તો જે મળે તે પાંચ ગાભા લઈ ને દીકરીનું ઝીઆણું કરી દઈએ ને આપણો ભાર ઉતારી દઈએ.” કમુ બોલીને એ વિચારભંગ થયો. ” હે..હા ઇ એ કરવું તો પડશે જ ને ! પણ લાલીયાના સમાચાર હતા કે એને બોડિંગની બે મહિનાની ફી ચડી ગઈ શે ચમ કરશું?” એણે નિશાસો નાખતાં કમુની રાય માંગી. ” ચમ તે વળી વેપારીને કે’શું કે ચાર મહિના ટકે ! ઝિયાણું તો કરવું પડેને ! દનીયાના વે’વારમાં તો ઊભા રે’વુ પડશે ને લાલીયાના બાપા !’ કમુ રસ્તો સુઝાડતાં બોલી.

એને બીડીની તલપ લાગી આવી. ” પણ આ વરહે… ટેકટરના બે..હપ્તા ને તેનું વ્યાજ ભારે પડી જાહે..! બીડી સળગાવી તે આગળ બોલ્યો, ” કરે ભગવાનને આ જીરાના ભાવ જો સરખા આવે તો તો વાંધો નઇ આવે હો લાલીયાની બૈ.” ” રામ રામ કરો! તમે તો બવ જીવ બાળો છો ! એમાં ને એમાં આ ચામડાં ચડી ગયાં તમારાં! એનું તો વચારો જરા! કમુ લખમણના બરડે હાથ અડાડતાં બોલી.

એટલામાં એમનો શેઢાપાડોશી ધીરો, સામે મળ્યો. ઓ…હો.. લખાભઇ ને કમભાભી, હું આઘાટિયા સેતરથી જ આવ્યો” બાઇક ઊભું રાખીને એ બોલ્યો. ” ચમ તે ધીરાભઇ ચેવું લાગ્યું અમારું જીરું?” કમુએ પૂછ્યું. ” આ વખતે તો બોખલાં બાર હો !કમભાભી ! જીરું એવું લસી પડ્યું છે ને! બસ જો કેનાલવાળા એક પાણી ટેમસર આલે ને તો તો તમે રૂપીએ રમતા થઈ જાઓ હો લખાભઇ” ધીરો વાતોનો ભારે રશિયો હતો.

” તારા મોઢામાં ઘી ને હાકર ધીરા ! મારી તો આજ હવારની વાતની ડાબી ઑસ ફરકતી હતી! તે મને એમ લાગતું હતું કે.. હાળું…જીરામાં કાળિયો આવશે કે શુ? પણ તેં હારા હમાચાર આલ્યા” લખમણ ખુશ થતાં બોલ્યો. ” ના પણ લખમણભઇ તમારું આ જીરું મને તો આખા ગામસર લાગ્યું હો.” ” અલ્યા ધીરા હોય જ ને મેં હાત ટોલાં છાણિયું ખાતર નાખ્યું તું ને તેર હજારનું ડીએપી ને હાત હજાર રૂપિયાનું યુરિયા ઠપકાર્યું ને નિંદામણનાં મારે દહ હજારનાં તો દાળીયાની મજૂરી સડી. પછી જીરું રંગ લાવે જ ને !” લખમણે ખર્ચ ગણાવ્યું.

image source

” ઓહો…બહુ ખર્ચ કર્યું હજુ દવા સાંટવાની તો બાકી ” ધીરો વાતે વળગ્યો. ” આ સેતર ખેડવાનું ને ચેરાપાળી કરવાનું ને કેનાલથી સેતર હુધી પાણી લાવવનું ખરચ તો હજુ એમણે ગણાવ્યું જ નથ ધીરાભઇ ” કમુએ પણ ગણતરી મૂકી. ” સાચું હો કમુભાભી એટલે તો જીરું ઘરે ના આવે ત્યાં હુંધીતો ખેડૂતનો જીવ તો તાળવે જ સોંટ્યો હોય. લ્યો ત્યારે જાવ જાવ જઇ આવો ” ધીરો બાઇકને કિક મારતાં બોલ્યો.

* * * * * * * * *

લખમણ ને કમુ હવામાં કિલ્લા ચણતાં ગયાં ને જીરાનું નિંદામણ કરતાં ગયાં. બપોર થવા આવ્યો ને ઘર તરફ વળવાનું કરતાં હતાં ને ઉપર આકાશમાં જોયું તો કોઈ કાળું ડિબાંગ વાદળું આવતું તેમને દેખાયું. એ બેય માણસ કાંઈ સમજે તે પહેલાં તો ઝુરરર… ઝુરરરર કરતાં તીડનાં ટોળાં તેમના અને આજુબાજુના ખેતરોમાં પથરાઈ ગયાં. જાણે લીલીભુરી ચાદર પાથરી!

image source

બેય માણસ હૂડ…હૂડ કરતાં ને તીડ ઉડાડવા લાગ્યાં. પણ એમ કાંઈ થોડાં તીડ ખૂટે એતો એક ટોળું ઉડાડે ને બીજું એનાથીએ મોટું ઝુંડ આવીને ત્રાટકે. જોત જોતામાં તો આખા ખેતરમાં તીડ છવાઈ ગયાં. ખેતરતો ખેતર પણ શેઢે ઊભેલાં વૃક્ષો પર પણ આ રાક્ષસી માયા બેસી ગઈ. જેમ જેમ ખબર પડતી ગઈ તેમ ખેડૂતો જે હાથ પડ્યું તે લઈને ખેતરોમાં આવી ગયા.

image source

કોઈએ કાંટા સળગાવી ધુમાડો કર્યો તો કોઈ વળી તગારા ટોકર ખખડાવી અવાજ કરીને તીડ ઉડાડવા લાગ્યા. લખમણના હાથમાં મોટું ઝઈંડુ એતો આખા ખેતરમાં દોડતો જાયને હાથમાંનું ઝઈંડુ વીંઝોડતો જાય. કમુએ કાકડો સળગાવ્યો ને બેત્રણ ઠેકાણે ધુમાડો કર્યો. પણ આતો લાખોની સંખ્યામાં ઊડતી આવેલી આફત એમ કાંઈ ખૂટે ? ઝુંડ જ્યાં પડે તેટલામાં તો જીરું જમીન લેવલથી સાફ કર્યા પછી ખસે. કોઈએ માથે ઓઢવાનાં ફાળિયાં જીરાના પાક પર ઢાંકયા પણ કેટલા વિસ્તારમાં ઢાંકે !

image source

લખમણ તો ઘાઘો થઈ ગયો. આ શેઢેથી સામે શેઢે એતો દોડી દોડીને થાક્યો. સાંજ પડવા આવી પણ આ રાક્ષસી માયા ખસવાનું નામ લેતી ના હતી. કોઈ બોલ્યું , ” હવે સાંજ પડવા આવી છે ને આ ઊડતી આફત અહીં રાત રોકાશે તો બધા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવશે. લખમણનું અડધા ઉપરનું ખેતરતો સાફ થઈ ગયું હતું. તે વારંવાર એકજ વાક્ય બોલતો હતો, “કર કાકડો ને માર ઝઈંડુ” કોઈએ કહ્યું , ” કમુભાભી, આ લખમણને હવે જપાડો જુઓ એનું ચિત્તભમ થઈ ગયું લાગે છે!” પણ કમુ બિચારી શું કરે. લખમણ આમતેમ, ઉડઝુડ આખા ખેતરમાં દોડતો હતો.

image source

કેટલાકને લાગ્યું કે આ ઊડતી આફત સામે હવે કાંઈ આપણું ચાલે તેમ નથી. મહેનત કરવી નક્કામી સે. બે ત્રણ જણાએ થઈ લખમણને પકડી ને બેસાડ્યો. પાણી આપ્યું, પણ એની નજર તો એના લૂંટાઈ જતા ખજના સામે હતી. એ થોડી થોડી વારે બોલે જતો હતો. ” કર કાકડો ને માર ઝઈંડુ…કર કાકડો ને માર ઝઈંડુ ” કમુ લાચાર નજરે લખમણ સામે જોઈ રડી રહી હતી. ” એ ધીરાભઇ આ તમારા ભઈનું ફટકી ગયું લાગે સે એમને ઘર ભેગા કરો.” કમુ કલ્પાંત કરતી બોલી ત્યારે દિવસ આથમી ગયો હતો ને તીડનું રાત રોકાવાનું નક્કી હતું.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત