સપ્ટેમ્બરમાં વરસાદને લઈ હવામાન વિભાગે કરી મહત્વની ઘોષણા, જાણો ક્યારે અને ક્યાં કેવો રહેશે વરસાદ

આ વર્ષે ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો પાકને લઈ ચિંતામાં હતા જ્યારે સામાન્ય માણસની ચિંતા પાણીને લઈને વધી હતી. ત્યારે હવે જન્માષ્ટમીની રજાઓમાં વરસાદ થતાં ખેડૂતો અને સામાન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તેવામાં ખેડૂતોને આનંદ થાય તેવા વધુ એક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી 7 સપ્ટેમ્બરના રોજ બીજી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના કારણે હજુ પણ મેઘમહેર રાજ્યમાં થશે.

image soucre

છેલ્લા એક સપ્તાહમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગુજરાતના 12 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક પણ વરસાદી માહોલ યથાવત રહેશે.

image soucre

ગત સપ્તાહમાં રાજ્યના 69 તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી હતી. 69માંથી 12 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 7 ઈંચ વરસાદ થયો હતો. જ્યારે કચ્છમાં અંજાર, કલ્યાણપુર, માળિયામાં આ સીઝનનો કુલ વરસાદ 48.65 ટકા નોંધાયો હતો. બીજી તરફ જૂનાગઢ, રાજકોટ સહિત સુરેન્દ્રનગરના જિલ્લામાં પણ ચોટીલા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. અહીં ઝરીયા મહાદેવ ખાતે આવેલા ધોધમાં પાણી વહેતું થતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં બનાસકાંઠામાં આશરે દોઢ મહિના બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. બનાસકાંઠામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

image source

હવામાન વિભાગે વધુમાં આગાહી કરી હતી કે આગામી 48 કલાક પણ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રાજ્યમાં થશે. તેમના જણાવ્યાનુસાર આગામી 7 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થશે. જેમાં સાર્વત્રિક સારો વરસાદ થઈ શકે છે. હાલ તો આગામી 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.