વાત છે ગાંધી આશ્રમમાં ઈમારતનું કામ કરનારાં પુંજીબહેન ઠાકોરની.

અમદાવાદસ્થિત ગાંધીઆશ્રમ ભારતનું સ્વાતંત્ર્ય તીર્થ છે તો પરમ આધ્યાત્મિક ભૂમિ પણ છે. 1917થી 1930 દરમિયાન અહીં વસવાટ કરીને મહાત્મા ગાંધીએ ભારતની સ્વતંત્રતાની લડતનું નેતૃત્વ કર્યું તો જીવનના સાધક તરીકે અનેક સફળ પ્રયોગો પણ કર્યા.

મહાત્મા ગાંધીએ કોચરબ આશ્રમ પછી સાબરમતી આશ્રમ સ્થાપ્યો. આશ્રમ ભલે સ્થાપ્યો મોહનદાસ કરમચંદ ગાંધીએ પણ તેનું નિર્માણ અને રચના કંઈ તેમણે એકલાએ થોડી કરી હશે ? એ આશ્રમના નિર્માણમાં અનેક લોકોએ જુદી જુદી રીતે પ્રદાન કર્યું હશે. એમાં મોખરાનું અને લાંબા ગાળાનું પ્રદાન કરનારાં એક શ્રમિક મહિલા પુંજીબહેન ઠાકોરની આજે વાત કરવી છે.

એમની વિશે વાતો કરવા જેવી છે કારણ કે તેઓ સાબરમતી આશ્રમનું અભિન્ન અને મહત્ત્વનું અંગ હતાં. એમના જીવન અને કાર્યની ખાસ ચર્ચા થઈ નથી કે તેની યોગ્ય રીતે નોંધ લેવાઈ નથી. હા, જાણીતી વ્યક્તિઓ વિશે લખાયું, બોલાયુ કે ચર્ચાયું પણ પુંજીબહેન જેવા પાયાના પત્થરોના પ્રદાનની ખાસ ચર્ચા ના થઈ. જો આપણે મહાત્મા ગાંધીનાં જીવનસંગિની કસ્તુરબાના પ્રદાનની વ્યાજબી અને પૂરતી નોંધ ના લેતાં હોઈએ તો પુંજીબહેનની તો વળી શી વિસાત ? જો કે અહીં આપણે પુંજીબહેન વિશે થોડી વાતો જાણીશું.

*****

કોચરબથી સાબરમતી નદીના કિનારે વગડામાં ગાંધીજીએ 1917માં આશ્રમ ખસેડ્યો પછી અનેક લોકો તેમની સાથે રહેવા આવેલા. અમદાવાદના રાણીપ ગામમાં રહેતાં પુંજીબહેન ઠાકોર અને તેમનો પરિવાર પણ ગાંધીજીના આમંત્રણને માન આપીને આશ્રમમાં રહેવા આવેલો. એ વખતે ગાંધીજી છેવાડાના ગણાતા લોકોનો સામેથી સંપર્ક કરીને તેમને આશ્રમમાં રહેવા આવવાનું આમંત્રણ આપતા હતા. પુંજીબહેન તેમના પતિ લાલજીભાઈ અને તેમનો પરિવાર આશ્રમમાં આવ્યો ત્યારે ખેતરો અને ખુલ્લી જમીન હતી.

(પુંજીબહેનની સાથે એ વખતે તેમનાં સાસુ મશરૃમા પણ આશ્રમમાં રહેવા આવેલાં) અત્યારે જ્યાં મૂળ આશ્રમ છે એ લાઈનમાં જ, આગ‌‌ળની તરફ, આજે પણ ત્યાં ઠાકોર વાસ છે.

પુંજીબહેનના પરિવાર સાથે બીજા પણ કેટલાક પરિવારો આશ્રમમાં રહેવા આવ્યા હતા. સાદા કૂબા બનાવેલા. પુંજીબહેનના સાૈથી મોટા પુત્ર કાંતિભાઈ ઠાકોર કહે છે કે એ વખતે બધુ ખુલ્લું હતું એટલે ગાંધી આશ્રમમાં ક્યારેક ચોર આવતા, પણ પુંજીબહેન અને લાલજીભાઈની ધાક અને શાખને કારણે ઠાકોર વાસમાં ક્યારેય ચોર નહીં આવેલા. વળી, લાલજીભાઈએ તો ચોકીદાર તરીકે પણ કામ કરેલું.

તેમનાં પુત્રવધુ ગંગાબા આજે 84 વર્ષનાં છે. પોતાનાં સાસુ પુંજીબહેનની વાતો કરતાં તેેમનું મન ધરાતું નથી. ઠાકોરવાસમાં એક ઘટાદાર વૃક્ષની નીચે, સાદી ખુરશી પર બેસીને, પોતાના બે દીકરાઓ, કાંતિભાઈ અને પ્રહલાદભાઈની હાજરીમાં પુંજીબહેન વિશે તેઓ પ્રસન્નતાથી વાતો કરે છે.

પુંજીબહેન ખૂબ મહેનતુ. તેમના પતિ લાલજીભાઈ કડિયા હતા. મહાત્મા ગાંધી આશ્રમમાં જ્યાં રહેતા હતા તે ઘર હૃદયકુંજ (આ સુંદર નામ કાકાસાહેબ કાલેલકરે આપ્યું હતું.)ના બાંધકામમાં બીજા કારીગરો અને મજૂરોની સાથે સાથે પુંજીબહેન અને લાલજીભાઈએ પણ ઘણું કામ કર્યું હતું. આખો દિવસ આશ્રમમાં રહેવાનું અને કામ કરવાનું.

પુંજીબહેન કસ્તુરબાનાં સાથીદાર. આશ્રમનાં કાર્યો હોય કે પછી રસોડું સંભાળવાનું હોય, પુંજીબહેન સતત કસ્તુરબાની જોડે જ હોય. ગંગાબા પોતાનાં સાસુમાનું સ્મરણ કરતાં કહે છે કે એક વખત કસ્તુરબાએ તેમને સાડી ભેટ આપેલી. કસ્તુરબા જ્યારે બહાર જતાં ત્યારે પુંજીબહેનને સાથે લઈ જતાં. પુંજીબહેન ચરખો કાંતતાં શીખેલાં. પુંજીબહેન નિયમિત રીતે ગાંધીજીને રાખડી પણ બાંધતાં. ગાંધીજીને નહાવાની સગવડ પણ વર્ષો સુધી તેમણે સંભાળી હતી.

ગાંધીજીને દીકરી નહોતી, પણ બહેન હતાં. તેમનું નામ રળિયાતબહેન. તેઓ સાબરમતી આશ્રમમાં રહેવા આવેલાં. જોકે તેઓ મરજાદી હતાં. ધર્મમય જીવન જીવતાં. આભેડછેટમાં ચુસ્ત રીતે માનતાં. ગાંધીજીએ હરિજનો માટે બનાવેલા નિયમો તેમને કડક લાગતાં તેમણે આશ્રમ છોડી દીધેલો. પુંજીબહેન ગાંધીબાપુના વિચારોને સ્વીકારતાં. આશ્રમમાં રહેતા કેટલાક સવર્ણો દલિતોનો વિરોધ કરતા, દલિતોએ અનુક જગ્યાએથી જ પાણી ભરવું જોઈએ તેવો આગ્રહ રાખતા, ત્યારે પુંજીબહેન તેનો આકરો વિરોધ કરેલો.

ગંગાબા કહે છે, મારાં સાસુ (પુંજીબહેન) મરદ જેવાં હતાં. ભણેલાં નહોતાં, પણ ભણેલાનેય ઊભો રાખે તેવાં હતાં. મહેનત કરતાં થાકે જ નહીં. તેઓ નોકરી કરતાં. તેમનો પગાર ચાર આના (પચીસ પૈસા) હતો અને મારા સસરાનો પગાર રોજના 30 પૈસા હતો.

પુંજીબહેને જીવ્યાં ત્યાં સુધી કામ કર્યું. તેઓ ગાૈશાળામાં કામ કરતાં. વહેલી સવારે ચાર વાગ્યાથી ગાૈ શાળામાં હાજર થઈ જાય તો છેક મોડી રાત સુધી. દૂધનાં વલોણાં કરવાનાં, ગાયો દોહવાની (તેમની સાથે જોકે બીજા કર્મચારીઓ પણ હોય ), વારા માટે દૂધનાં કેન ભરવાનાં. એ વખતે ગાૈ શાળાના દૂધના વારા ભરાતા. ખાલી થયેલાં કેન આવે એટલે પાછાં તમામ કેન (જે કદમાં ઘણાં મોટાં હોય) ધોવાનાં. મોટાં મોટાં 20-25 કેન હોય. પુંજીબહેન એક પછી એક કેન લે અને સરસ રીતે ધોઈ નાખે. ગંગાબા કહે છે કે કામ કરતાં હોય તો એમ લાગે કે સમાધિ લાગી ગઈ. કામની અંદર એવાં ડૂબી જતાં.

કામ એટલું હોય કે ચાર-પાંચ વ્યક્તિ સાથે મળીને કરે તો પણ થાકી જાય. જોકે પુંજીબહેન થાકે જ નહીં. પુંજીબહેને કોઈ વ્યસન નહોતું. ના, છીંકણી પણ નહીં. તેમના પગલે, એકાદ અપવાદને બાદ કરતાં બૃહદ ઠાકોર પરિવાર નિર્વ્યસની રહ્યો છે.

***

પુંજીબહેને ગાૈશાળામાં કામ કર્યું, દૂધની વચ્ચે જ રહેતાં, પણ એ પોતે દૂધ કે દૂધની બનાવટો પીતાં કે ખાતાં નહોતાં. હા, ક્યારેક છાશ પીતાં, એ પણ ક્યારેક જ.

***

પુંજીબહેન ખૂબ મહેનતુ હતાં. ગાંધીજીએ જે બકરી પાળી હતી તેની જવાબદારી પણ તેમના શિરે હતા. બકરીને દોહવાની અને ચરાવવા લઈ જવાની જવાબદારી પણ તેમના માથે હતી.

*****

પુંજીબહેન જૈફ વયે હાથમાં દંડો રાખતાં. દંડો તેમની ઓળખ બની ગયો હતો. તેમનાં પુત્રવધુ ઠાકોરવાસનું એક વૃક્ષ બતાવીને કહે છે કે તેઓ 60-65 વર્ષની ઉંમરે આ ઝાડ પર ચડી જતાં. ઝાડ પર ચડીને બકરાં માટે પાલો પાડતાં. પુંજીબહેન દાતરડું સરસ રીતે ચલાવી જાણતાં.

***

પુંજીબહેને વર્ષો સુધી કામ કર્યું, પરંતુ ક્યારેક એક પણ રજા પાડી નહોતી. આવી હતી તેમની નિષ્ઠા. કોઈ હસતાં હસતાં પૂછે કે આટલું બધુ કામ શું કામ કરો છો ? તો જવાબ આપતાંઃ ગાંધી અને ગાયનું કામ તો કરવું જ પડે. તેઓ ગાયને ખૂબ માનતાં. દૂધ વગેરેનો વકરો આવે તો સાડલાની ફાંટમાં ભરીને કેશિયર પાસે જતાં. પોતે ભણેલાં નહીં એટલે ગણતાં ના આવડે. કેશિયર ગણીને પૈસા જમા કરી દે.

પાૈત્ર પ્રહલાદભાઈ દાદીનું સ્મરણ કરતાં કહે છે કે એવાં પ્રામાણિક કે ક્યારેય એક પૈસો ઘરે ના લાવે. એવો વિચાર પણ તેમને ના આવે. અમે નાના હતા ત્યારે ચોકલેટ કે એના માટે જીદ કરીએ તો પોતાના ઘરના પૈસામાંથી લઈ આપે.

**

તેમનું ખોરડું આતિથ્ય સત્કાર માટે જાણીતું હતું. ઠાકોરવાસમાં ગમે તેના ઘરે મહેમાન આવ્યા હોય, પુંજીબહેનના ઘરે ચા-પાણી કરીને જ તેઓ આગળ વધે. વાસના નાકા પર જ પુંજીબહેનનું ઘર. ઝાડ નીચે મહેમાનો બેસે, ચા-પાણી થાય પછી જ તેઓ આગળ વધે. પુંજીબહેન ખવડાવીને ખાનારાં. ગંગાબા કહે છે ભૂખ્યાને જમાડીને જ જમતાં. તેઓ કહેતાં કે મારું જ્યારે મૃત્યુ થશે ત્યારે ઘરના કોઈ સભ્યનું પેટ ખાલી નહીં હોય. બધાં જમેલાં જ હશે. એવું જ થયું હતું. જે સાંજે તેમણે દેહ છોડ્યો ત્યારે બધાંએ જમી લીધું હતું.

***

દાદીમા પુંજીબહેનની પ્રમાણિકતા અને નિષ્ઠા તેમના છએ છ પાૈત્રોમાં ઉતરી છે. ગાંધી આશ્રમના પરિસરમાં, ઠાકોર વાસમાં પરિવાર સાથે રહેતા છએ છ પાૈત્રોએ સાદું જીવન પસંદ કર્યું છે. શરીર શ્રમ અને નિષ્ઠાનો વારસો તેમણે સ્વીકાર્યો છે.

પુંજીબહેન અને લાલજીભાઈને બે દીકરાઓ. એક અંબાલાલભાઈ અને બીજા નાનજીભાઈ. નાનજીભાઈને બે દીકરી અને એક દીકરો હતાં જ્યારે અંબાલાલભાઈ અને ગંગાબહેનને પાંચ દીકરાઓ અને એક દીકરી. કાંતિભાઈ (64), પ્રહલાદભાઈ (62), વજેસિંહ (60), શારદાબહેન (58), ઉદેસિંહ (56) અને ભૂપેનસિંહ (54). કાંતિભાઈએ ગાંધીજીએ જ સ્થાપેલી સંસ્થા નવજીવન પ્રકાશન મંદિરમાં આજીવન કામ કર્યું, પ્રહલાદભાઈએ નવજીવનમાં કાર્ય કરીને પછી પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ કર્યું. વજેસિંહભાઈ એક જૈન શાળા સાથે સંકળાયેલા છે તો સાૈથી નાના ભૂપેનસિંહને પોતાનું કારખાનું છે. શારદાબહેન ગૃહિણી છે.

તમે પુંજીબહેનના પાૈત્રો સાથે વાત કરો તો આભિજાત્ય કોને કહેવાય તેનો સતત અનુભવ થાય. અત્યંત સરળ અને નમ્ર સ્વભાવ. પુંજીબહેનનો તમામ વારસો જાણે કે તેમણે સ્વીકાર્યો અને પછી દીપાવ્યો.

**

પુંજીબહેન ગાંધીજીની જેમ જ 79 વર્ષ જીવ્યાં. પુંજીબહેને પોતાના જીવનમાં ગાંધી વિચારને શક્ય તેટલો ઉતાર્યો હતો. સાદું જીવન જીવતાં, ખાદી પહેરતાં, પોતાનું તમામ કામ છેક છેલ્લે સુધી જાતે જ કરેલું. જે દિવસે તેમનુ નિધન થયું એ દિવસના સવારે અને બપોર પછી તેઓ બકરાં ચરાવવા ગયાં હતાં. સાંજે છએક વાગ્યે ઘરે આવ્યાં અને બોલ્યાં કે મને મૂંઝવણ થાય છે. એ મૂંઝવણ મોટી યાત્રાનું સૂચન કરતી હતી.

****

સાસુ મા પુંજીબહેન વિશે વાત કરતી વખતે ગંગાબહેન પોતાની પાસે પુંજીબહેનની તસવીર રાખે છે. પુંજીબહેનની આ એક માત્ર તસવીર છે. એ તસવીરને સતત જોઈને, ગંગાબા કહે છે, મારાં નસીબ કે અમને પુંજીબા મળ્યાં. પુંજીબા તો મારા હૃદયમાં બેઠાં છે. આજે પણ અમારા આખા પરિવારને એ સાચવે છે.

આવું કહેતી વખતે તેમના શબ્દોમાં શુદ્ધ ભાવના અને સહજતા છે. જાણે કે હૃદયનો બધો ભાવ આ શબ્દોમાં ઠલવાઈ જાય છે. એ વખતે તેમની આજુબાજુ બેઠેલા તેમના બે દીકરાઓ કાંતિભાઈ અને પ્રહલાદભાઈના ચહેરા પર સજહ પ્રસન્નતા છે.

તેઓ બેઠા છે ચૂપચાપ. આપણને પ્રતીતિ થાય છે કે પુંજીબહેન માટેનો આદર અને પ્રેમ જોતજોતામાં આખા ફળિયામાં, ઠાકોર વાસમાં પ્રસરી જાય છે.

***

ગાંધીજીની સાથે આવા કેટકેટલા નાના અને છેવાડાના ગાંધીઓ પણ તૈયાર થયા અને સરસ રીતે જીવ્યા. ગાંધી આશ્રમમાં રહીને ગાંધીએ સરદાર પટેલ સાથે સંવાદ કર્યો હશે, નેહરૃ સાથે વિચાર વિમર્શ કર્યાં હશે, બ્રિટિશ ગર્વનર જનરલ સાથે ચર્ચા કરી હશે.. અને તેની સાથે મહેસાણા તાલુકા અને જિલ્લાના આંબલિયાસણ ગામનાં પુંજીબહેનને પણ જીવન સાધક બનાવ્યાં હશે.

જાહેરજીવન કે રાજકારણમાં કાર્યરત નેતાઓ વાડા બનાવીને પોતાનું હિત સાચવે અને સાધે, ગાંધીજીએ આશ્રમ સ્થાપી છેવાડાના જણને સાચવ્યા.

પુંજીબહેન જેવાં છેવાડાનાં જણને પણ તેનો લાભ મળ્યો.

(તસવીરોઃ ગાંધી આશ્રમની બાજુમાં આવેલો ઠાકોરવાસ, તેમનમાં પુત્રવધુ ગંગાબા પુંજીબહેનની તસવીર અને પોતાના બે દીકરાઓ, કાંતિભાઈ અને પ્રહલાદભાઈ સાથે. પંકજભાઈ પ્રહલાદભાઈ ઠાકોરનો સંપર્ક નંબરઃ 9173709075)

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત