કોરોના પોઝિટિવ કેસનો આંકડો 300થી વધુ થતાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ લીધો નિર્ણય, 21 એપ્રિલ સુધી રહેશે અમલી

અમદાવાદ શહેર હાલ સૌથી વધુ કોરોનાના પોઝિટિવ દર્દી ધરાવતું શહેર બની ગયું છે.

image source

તેવામાં સરકાર દ્વારા કોરોનાને ડામવા માટે અને અમદાવાદના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી એક મહત્વનો નિર્ણય લીધો છે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ઉચ્ચ સ્તરિય બેઠક બાદ અમદાવાદ શહેરમાં કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદના કોટ, દાણીલીમડા, જમાલપુર, ખાડિયા, ત્રણ દરવાજા, દરિયાપુર, રિલીફ રોડ, શાહપુર, રાયપુર, દીલ્હી ચકલા, આસ્ટોડિયા, જમાલપુર, કાલુપુર, પાંચકૂવા, સારંગપુર, લાલ દરવાજા, ગાયકવાડ હવેલી, ઘી કાંટા, મિર્જાપુર, માણેક ચોક વિસ્તારોમાં આવતી કાલે સવારે 6 કલાકથી કર્ફ્યુના નિયમ અમલમાં રહેશે.

સરકારના નિર્ણય અનુસાર આ વિસ્તારોમાં બપોરે 1થી 4ના સમયમાં મહિલાઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે બહાર નીકળવાની છૂટ આપવામાં આવી છે. આ સમય મર્યાદા સિવાય કોઈ બહાર નીકળી શકશે નહીં.

આ કર્ફ્યુ આગામી 21 એપ્રિલ સુધી અમલી રહેશે. આ દિવસો દરમિયાન આ વિસ્તારોમાં આરોગ્યની ટીમ લોકોનું સઘન સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કરશે. જે લોકોને સારવારની જરૂર જણાશે તેમના ટેસ્ટ કરી સારવાર શરુ કરી દેવામાં આવશે.

આ નિર્ણય અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાથી અમદાવાદને ઝડપથી મુક્ત કરવા અને સંક્રમણને ફેલાતું રોકવા માટે આ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જો કે તેમાં પણ દિવસના 3 કલાક છૂટછાટ આપવામાં આવી છે જેથી કોઈ પરીવાર હેરાન થાય નહીં. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોનાના 300થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે.