વિજય રૂપાણીના રાજીનામા બાદ વિપક્ષી નેતાઓએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

ગુજરાતવા મુખ્યમંત્રી તરીકે રૂપાણીએ રાજીનામુ આપ્યુ ત્યારથી રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. તેમની પાર્ટીથી લઈને વિપક્ષી નેતા પર આ નિર્ણય બાદ અનેક પ્રતિક્રીયા આપી રહ્યા છે. સૌ પ્રથમ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનું એક નિવેદન સામે આવ્યું હતું. હાર્દિક પટેલે જણાવ્યું છે કે બીજેપી પોતાની નબળાઈઓ છુપાવવા માટે આ બધું કરી રહી છે. તેમણે આગળ કહ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ભાજપ પાસે કોઈ મુદ્દો નથી અને લોકોનો સામનો કરવો કઠીન બની રહ્યો છે, જેને લઈને ભાજપ CM બદલીને લોકોની નારાજગી ઓછી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે, સીએમ તરીકે વિજય રૂપાણીએ ગુજરાતમાં કઈ કામ કર્યું નથી. તો બીજી તરફ ચૂંટણી આડે હવે માત્ર એક વર્ષ બાકી રહ્યું છે. હાર્દિકે સવાલ કર્યો કે, ભાજપે સીએમ બદલવા હતા તો પહેલાં બદલી નાંખત પરંતુ આવા સમયે સીએમનું એકાએક રાજીનામું ઘણા બધા સંકેત કરી જાય છે. હાર્દિકે કહ્યું જનતાનો ગુસ્સો ઓછો કરવા અને તેમને ખુશ કરવા માટે વિજય રૂપાણીને સીએમ પદ પરથી હટાવ્યા છે.

image socure

તો બીજી તરફ નેતા વિપક્ષ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પણ આ અંગે પોતાની પ્રતિક્રીયા આપી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં કોરોનામાં નિષ્ફળતા મળતા વિજય રુપાણીનો ભોગ લેવાયો છે. ગુજરાતમાં હવે કોમવાદ અને ભાગલાવાદ થવાની આશંકા છે. ધાનાણીએ કહ્યું કે, ગુજરાત સરકાર કોરોનાકાળમાં તાળી અને થાળીમાં વ્યસ્ત રહી હતી. ગુજરાતમાં કોરોના કાળમાં યોગ્ય આરોગ્ય સુવિધા ઊભી કરવામાં સરકાર નિષ્ફળ રહી, ભાજપમાં ચાલી રહેલી આંતરિક લડાઈના કારણે રૂપાણીએ રાજીનામું આપ્યું છે. આ સાથે ભાજપ પર ટોણો મારતા ધાનાણીએ કહ્યું હતું કે જ્ઞાતીવાદ અને કોમવાદથી ભાગલા પાડી રાજ કરવાનું ષડયંત્ર રચાશે. સરકારની નિષ્ફળતાને ઢાંકવા ચહેરો બદલાયો છે.

image soucre

આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પોતાની પ્રતિક્રીય આપી છે. તેમણે કહ્યું કે, કોરોના મહામારીમાં રાજ્યના નાગરીકો આર્થિક રીતે પાયમાલ થયાં છે. યુવાનો પાસે રોજગારી નથી. ભાજપ સરકારની નિષ્ફળતા છુપાવવા માટે વિજયભાઈ રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હીમાં બેઠેલા આકાઓએ પહેલાં આનંદીબેન અને હવે વિજય રૂપાણીનું રાજીનામું લીધું છે. આ ઉપરાંત ગુજરાતમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં ભોગ વિજયભાઈનો લેવાયો છે. પાંચ વર્ષની ઉજવણીના સમયે નક્કી હતું કે, તેમની વાજતે ગાજતે વિદાય નક્કી હતી.

image soucre

તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતના રાજકારણમાં વિજય રૂપાણીના રાજીનામાંથી એક રિમોટ કન્ટ્રોલથી ચાલતું રાજકારણ ખતમ થયું. કોરોના મહામારીમાં સરકારની નિષફળતા અને બેરોજગારી ને કારણે રાજીનામુ આપવું પડ્યું છે. સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પર નિશાન સાધતાં કહ્યું હતું કે સી.આર.પાટીલ સહિતના ગુન્હેગાર સરકાર ચલાવશે. આખી સરકાર બરખાસ્ત કરી નવો જનાદેશ લાવવો જોઈએ.

image soucre

તો બીજી તરફ ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ અટકળો ચાલી રહી છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. આ દરમિયાન રાજ્યના નવા મુખ્યમંત્રીને લઈ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. રૂપાલાએ રૂપાણીના રાજીનામા બાદ કહ્યું કે, નવા મુખ્યમંત્રી અંગે રવિવાર સાંજ સુધીમાં લોકોને સારા સમાચાર મળશે. તે સિવાય તેમણે વધુ કઈ પણ ટિપ્પણી કરવાથી બચ્યા હતા.

image soucre

તો બીજી તરફ ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી પદને લઈને નિવેદન આપ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનારા વિજય રૂપાણી અંગે જણાવ્યું હતું કે, જ્યારે આનંદી બહેન પટેલે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ સૌને અચાનક લાગ્યું હતું. જ્યારે વિજય ભાઈ સત્તામાં આવ્યા ત્યારે પણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નવાઈ જ લાગી હતી. પરંતુ રાજકારણમાં અચાનક શબ્દ બહું જાણીતો છે. ખરેખરમાં અચાનક જેવું કાંઈ હોતું જ નથી, આ બધુ પક્ષ દ્વારા પહેલેથી જ નક્કી કરવામાં આવતું હોય છે.