Site icon News Gujarat

આજની પોઝિટિવ સ્ટોરી: વિશાલા લેન્ડમાર્ક એપાર્ટમેન્ટની લોકડાઉનમાં પ્રેરણા લેવાનું મન થાય તેવી પહેલ, વાંચો આ રહીશોએ શું કર્યુ ખાસ

વિશાલા લેન્ડમાર્ક એપાર્ટમેન્ટની લોકડાઉનમાં પ્રેરણા લેવાનું મન થાય તેવી પહેલઃ અન્ય સોસાયટી-એપાર્ટમેન્ટે પણ આવું કરવું જોઈએ…

કોરાના વાયરસનો સામનો કરવા માટે જાહેર કરાયેલા લોક-ડાઉનને સફળ કરવા માટે કેટલીક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં સજ્જડ કામગીરી થઈ રહી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા વિશાલા લેન્ડમાર્ક એપાર્ટમેન્ટમાં છેલ્લા કેટલાક દિવસથી એકદમ મજબૂત લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. બીજી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોએ તેમાંથી પ્રેરણા લેવા જેવી છે.

આ એપાર્ટમેન્ટમાં રહેતા કાૈશિક પંચાલે થોડા દિવસ પહેલાં સોસાયટીના ચેરમેનનો સંપર્ક કરીને કહ્યું કે આપણે જો સજ્જડ લોકડાઉન કરીશું તો યોગ્ય ગણાશે. ચેરમેનને તેમની વાતમાં વજુદ લાગતાં તેમણે તમામ રહીશોને જાણ કરી કે બધાંએ ઘરમાં જ રહેવાનું છે. એવી પણ સૂચના અપાઈ કે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કોઈ મહેમાનને આમંત્રણ આપવું નહીં અને જો કોઈ અતિથિ આવે તો તેમને વિનમ્રતાપૂર્વક પરત મોકલવા. જે મહેમાનો આવી ગયા છે તેમને 21 દિવસ સાચવવા. તેમને જવા ના દેવા. ચેરમેન કહે છે કે જો કોઈ મહેમાન કોરોના વાઇરસ ભેટ આપી જાય તો તેની અસર તમામ રહીશોને થાય.

સોસાયટીના સંચાલકોએ રહીશોને સંયમ રાખવાનું કહ્યું અને આદેશ કર્યો કે જો અત્યંત અગત્યનું કામ હોય, બહાર ગયા વિના ચાલે જ તેમ ના હોય તો જ બહાર જવા દેવાશે.

એપાર્ટમેન્ટનો દરવાજો બંધ કરી દેવાયો અને ચુસ્ત સલામતી રખાઈ. દરવાજે જવાબદાર લોકોને પણ ઊભા રખાયા. સહેજ પણ ઢીલાશ નહીં. નેહ-સુલેહ અને કુનેહથી કામ લેવાયું. દૂધવાળા કે શાકભાજીવાળી એપાર્ટમેન્ટના પરિસરમાં નીચે જ ઊભા રહે અને રહીશો વારાફરથી, યોગ્ય રીતે, એકબીજાના સંપર્કમાં ના અવાય તે રીતે આવીને બધું લઈ જાય.

કોઈને બહાર જવાની ચળ ઉપડે તો કળથી કામ લેવાયું અને તેમને સમજાવ્યા કે બહાર જવું કેટલું જોખમી છે. બહાર જવાની ઈચ્છા ધરાવતા લોકો જ પછી તો બીજાને સમજાવવા લાગ્યા કે બહાર ના જવાય. જાગૃતિ, સતર્કતા અને સક્રિયતાનો મોટો ફાયદો થયો.

કાૈશિકભાઈ કહે છે આ બધાનો મોટો ફાયદો થયો છે. અમે લોકડાઉનને ખરેખર સફળ કરી શક્યા છીએ.

ગુજરાતની અનેક સોસાયટીઓમાં લોકડાઉનનો અમન ઢીલો છે. કેટલાક ચંચળ લોકો બીનજરૃરી રીતે બહાર જઈ રહ્યા છે. તેઓ કોઈને ગાંઠતા નથી. તેઓ કોરોનાની ગંભીરતાને સમજતા નથી. એવા લોકોએ વિશાલા લેન્ડમાર્કમાંથી ધડો કે પ્રેરણા લેવી જોઈએ. માત્ર કેટલાક લોકોને કારણે બધા સામે જોખમ ઊભું થાય તે ના ચલાવી લેવાય.

કોઈ મીડિયાકર્મી કે અન્યને કાૈશિક પંચાલનો સંપર્ક કરવો હોય તો તેમનો મોબાઈલ ફોન નંબર +91 98987 53202 છે.

(તસવીરોનું સાૈજન્યઃ કૌશિક પંચાસ.)

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version