ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર શેન વોર્નદુનિયા છોડીને ચાલ્યા ગયા, હાર્ટ એટેકથી થયું અવસાન

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું ‘શંકાસ્પદ હાર્ટ એટેક’ના કારણે 52 વર્ષની વયે અવસાન થયું છે. શેન વોર્ન થાઈલેન્ડમાં હાજર હતો. મળતી માહિતી મુજબ, શેન વોર્ન તેના વિલામાં હાજર હતો, અને તે બેભાન હાલતમાં મળી આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે વિશ્વના સૌથી સફળ સ્પિન બોલરોમાંથી એક શેન વોર્ને પોતાની કારકિર્દીમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. તેણે પોતાના યુગના દરેક મોટા બેટ્સમેનને આઉટ કર્યા અને પોતાની ટીમ માટે ઘણી મોટી જીતનો હીરો બન્યો હતો.

ઓસ્ટ્રેલિયાના આ મહાન બોલરે વર્ષ 2007માં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. શેન વોર્ન ટેસ્ટ અને વનડેમાં સંયુક્ત રીતે 1000 વિકેટનો આંકડો પાર કરનાર વિશ્વનો બીજો બોલર છે. આ યાદીમાં મુથૈયા મુરલીધરન નંબર વન છે. ટેસ્ટમાં 708 વિકેટ લેવાનો રેકોર્ડ વોર્નના નામે છે, જ્યારે તેણે વનડેમાં 293 વિકેટ લીધી હતી

વોર્ને દુનિયાના લગભગ દરેક બેટ્સમેનને પોતાના બોલથી પરેશાન કર્યા હતા, પરંતુ ભારતના સચિન તેંડુલકરે 1998માં શારજાહમાં પોતાના બોલને એવી રીતે ફટકાર્યા હતા કે સચિન તેના સપનામાં દેખાવા લાગ્યો હતો. આ વાત તેણે પોતે જ કહી હતી. તેણે કહ્યું હતું કે એવું લાગે છે કે તે (સચિન) સપનામાં પણ સિક્સર મારી રહ્યો છે. શારજાહમાં રમાયેલા કોકા-કોલા કપમાં સચિનની શાનદાર રમતના કારણે ભારતે ત્રિકોણીય શ્રેણી જીતી હતી. આમાં ભારત-ઓસ્ટ્રેલિયા ઉપરાંત ન્યુઝીલેન્ડની ટીમ પણ હતી.ફાઈનલમાં સચિને ઓસ્ટ્રેલિયા સામે 134 રન બનાવ્યા હતા.

કાંડાના જાદુગર તરીકે જાણીતા શેન વોર્ને પોતાની કારકિર્દીની શરૂઆત 1992માં ભારત સામે સિડની ટેસ્ટમાં કરી હતી, જ્યારે તેણે 1993માં ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. શેન વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં ભારતના રવિ શાસ્ત્રીને પહેલો શિકાર બનાવ્યો હતો. તે એકમાત્ર એવો બોલર હતા જેણે કોઈપણ એક દેશ સામે ટેસ્ટ ક્રિકેટમાં 100 અથવા 100થી વધુ વિકેટ લીધી હોય. તેણે ઈંગ્લેન્ડ સામે 195, ન્યુઝીલેન્ડ સામે 103 અને દક્ષિણ આફ્રિકા સામે 130 વિકેટ લીધી હતી

તમને જણાવી દઈએ કે વોર્ને તેની છેલ્લી ટ્વીટ 12 કલાક પહેલા કરી હતી. આ ટ્વીટમાં તેમણે રોડ મોર્શના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ ટ્વીટમાં તેણે લખ્યું છે કે તે અમારી રમતનો મહાન ખેલાડી હતો. તેમણે ઘણા યુવાન છોકરાઓ અને છોકરીઓને પ્રેરણા આપી.