યાદોનું મૂલ્ય ન હોય – એ યાદગાર ખુરશી એ ભંગારમાં આપવાની તૈયારી કરી રહી હતી અને…

“અશ્રુ પછીના સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ,

વર્ષો પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે”

નિલ.. ઊઠો છો ને…? ઈશાનો મીઠો અવાજ સંભળાયો, અને ભીની ભીની ખુશ્બુ નિલના શ્ર્વાસમાં પ્રવેશી ગઇ. નિલે બંધ આંખે જ વિચાર્યુ… ઈશા.. તેની પત્ની… હજી નહાઇને આવી હશે… આજે રવિવાર છે એટલે શેમ્પુ કરેલા લાંબા વાળ ઝાટકતી હશે અને તેની ખુશ્બુ નિલના શ્ર્વાસ સુઘી પહોંચી. નિલે ઊંઘવાનો ડોળ કર્યો. તેને ખબર હતી કે પાંચ-દસ મિનિટમાં નહીં ઊઠું તો ભીના વાળમાંથી ટપકતી વાછંટ તેના ચહેરા પર પડશે અને આંખ ખોલતા ભીના વાળ વચ્ચે ઇશાનો પ્રેમભર્યો ચહેરો જોવા મળશે.

આ જોવા માટે તો નિલ ઊંઘવાનો ડોળ કરીને પડયો રહે છે. પણ આજે એવું ન બન્યું. થોડીવાર ઈશાએ ઊઠાડવાની કોશિશ કરી ત્યાં બન્નેની પાંચ વર્ષની દીકરી ઝીલ દોડતી આવીને પલંગ પર ચડી ગઇ. “પપ્પા ઊઠો.. પપ્પા ઊઠો…” ઈશા પણ બાજુમાં આવી ગઇ. “નિલ ઊઠોને પ્લીઝ” હવે આ ઊઠાડવામાં મીઠાસ સાથે અધીરાઈ ભળી ગઇ. ઈશા અને ઝીલ બન્નેના અવાજની અધીરાઈ સાંભળીને નિલ ઊભો થયો. ફટાફટ ચા-નાસ્તો કરીને પેપર લઇને પોતાની રોજની આદત મુજબ ખુરશી પર બેઠો. પોતાની ઝુલતી ખુરશી… આ તેની વર્ષોની આદત હતી… સવારમાં થોડીવાર ખુરશી પર ઝૂલવાનું… પણ આજે ઈશાએ થોડીવારમાં કહ્યું, “હવે આ ઝુલતા હજીરિ પરથી ઊઠો… નવા ઘરે જવા સામાન પેક કરવાનો છે.”

image source

ઝૂલતો હજીરો… નિલની ઝૂલતી ખુરશી… કેટલીક ઘટના સાથે શબ્દો જોડાય જ જાય છે. બન્ને જાણે સાથે જ બોલાતા હોય છે. જેમ કે વરસાદ સાથે ભજીયા, પિકનિક સાથે અંતાક્ષરી, કોલેજ સાથે પહેલો પ્રેમ… તેમ ઈશાએ ઝૂલતી ખુરશી સાથે શબ્દ જોડી દીધો હતો… ‘ઝૂલતો હજીરો’… પહેલા તો ઈશા જ બોલતી, પણ પછી ઈશાનું સાંભળકને કયારેક પાડોશીઓ કે દોસ્તો પણ બોલતા. જો કે ઈશાની વાત ખોટી ન હતી ઝૂલતી ખુરશી ઘરમાં ઘણી જગ્યા રોકતી હતી. વળી વર્ષો પહેલાની હતી એટલે જુની થઇ ગઇ હતી. ઈશા અને ઝીલની દ્રષ્ટિએ બાવાઆદમના જમાનાની હતી. અત્યારે ઝૂલતી ખુરશીમાં કેટલી નવી વેરાયટી મળતી હતી પણ નિલ ખુરશી બદલવા તૈયાર ન હતો અને ઘરમાં નડતી ખુરશીને ઈશાએ નામ આપ્યું હતું.. ઝૂલતો હજીરો…

પરાણે ખુરશીમાંથી ઊઠયો. ખાનગી કંપનીની નોકરીમાથી માંડમાંડ થોડી બચત કરી હતી અને બાકીની રકમની લોન લઇને વન બેડરૂમ, હોલ, કીચનનો ફલેટ લીઘો હતો. ઈશાને મન તો તે પણ તાજમહેલ હતો. નવા ફલેટનો કબજો મળી ગયો હતો, અને આજે રજા હતી એટલે ઈશાની ઇચ્છા હતી કે સામાન પેક કરી લઇએ. જુના સામાનમાંથી જે નવા ફલેટમાં ફીટ ન થતી હોય તેવી વસ્તુ સીઘી ભંગારમાં આપી દેવી. નવા ફલેટમાં સાવ જુનો સામાન લઈ જ ન જવો.

image source

ઈશા અને ઝીલ સામાન પેક કરતા હતા. નવા ફલેટમાં કઈ વસ્તુ ન લઇ જવી તેની ગણત્રી કરતા હતા. તેમાં સૌથી પહેલા ઝૂલતી ખુરશીને રદબાતલ કરી નાખી… નિલે બોલવાની કોશિશ કરી… પણ ઈશાએ કહી જ દીધું કે… “ના.. હો… નવા ફલેટમાં આ હજીરા માટે જગ્યા નથી… ત્યાં નવા સોફા લાવવાના છે, આને તો કાલે જ ભંગારમાં આપી દઇશ… કાલે જ એક ભંગારવાળાને બોલાવ્યો છે, તે કિંમત નકકી કરે એટલે આપી દઇશ” નિલ કંઇ બોલી ન શકયો પોતાની ઝૂલતી ખુરશી… ભંગારમાં ..? શું ભંગારવાળો તેનું મૂલ્ય સમજી શકશે ? ખુરશી સાથે જોડાયેલી યાદોનું મૂલ્ય એક ભંગારવાળો કરી શકે ?? ઈશાએ ખુરશી ઝાપટીને સાફ કરી… જાણે સાફ કરવાથી વધુ કિંમત મળે… બરાબર બાની જેમ જ…

નિલને યાદ આવી ગયું બચપન… પોતાને ઝૂલતી ખુરશી બહુ ગમતી.. બાજુવાળા કરશનકાકાના ઘરે આવી જ ખુરશી હતી. બહાર ફળિયામાં જ પડી રહેતી. જુના સમયમાં પાડોશીઓ વચ્ચે મારૂં-તારૂં એવી ભાવના ન હતી નિલને મન થાય ત્યારે ખુરશીમાં બેસી આવતો. પરીક્ષા સમયે ચોપડી લઈને ખુરશીમાં ઝૂલતા ઝૂલતા જ વાંચતો. બાને કહેતો પણ ખરો કે આવી રીતે વાંચવાથી ઝડપથી યાદ રહી જાય છે. પોતે દસમા ધોરણમાં આવ્યો ત્યારે કરશનકાકા ઘર ખાલી કરીને બીજે રહેવા જતા રહ્યાં અને સાથે ખુરશી પણ… નિલ બહુ રડયો…

image source

વાંચવા બેસે ત્યારે કરશનકાકાના ફળિયા સામે બે-ચાર વખત જોઇ જ લે. તેની આ સ્થિતિ બાથી ના જોવાય. પણ શું કરે? આર્થિક સ્થિતિ એટલી નબળી કે આવી ખુરશી કયાંથી લાવવી ? અને એક દિવસ તે ઘરે આવ્યો ત્યારે ઝૂલતી ખુરશી જોઈ… દફતરનો ધા કરીને ઝડપથી તેમાં બેસી ગયો. તેની ખુશી જોઇને બા ની આંખમાં આંસુ આવી ગયા. તેને તો પછી ખબર પડી કે આ ખુરશી લેવા બાપુજીએ ભાઇબંધ પાસેથી ઉછીના રૂપિયા લીઘા હતા અને તે પાછા ચૂકવવા કેટલાય દિલસો સુઘી કામના સ્થળે બસને બદલે પગપાળા ગયા હતાં.

આ ખુરશી સાથે કેટલો યાદો જોડાયેલી હતી…. ખુરશી જોઇને નિલના ચહેરે પર આવેલી ખુશી… તે જોઇને બા ની આંખમાં આવેલા આંસુ… બાને પકડીને ખુરશીમાં બેસાડેલી તે વખતે તેને લાગેલો ડર… અને પછી નિલે ખુરશક ઝૂલાવી ત્યારે હસી પડેલી એ હસી…. તેમાં બેસીને વાંચીને આપેલી પરિક્ષાઓ… ઈશા સાથે પ્રેમ વખતે તેમાં બેસીને જ વાગોળેલી મીઠી યાદ… બા-બાપુજીના મૃત્યુ વખતે તેમાં બેસીને સારેલા આંસુ… કેટલું જોડાયેલું હતું ખુરશી સાથે… આ ખાલી ખુરશી ન હતી… નિલને મન બા નો ખોળો હતો… અને ઈશા…

image source

પણ નિલ કંઇ ન બોલ્યો. ઈશા અને ઝીલની ખુશી માટે સોફા લાવવા માટે ખુરશી ભંગારમાં આપવા તૈયાર થઇ ગયો. સાંજ સુઘી સામાન પેક થઇ ગયો. બીજા દિવસે ટેમ્પો બોલાવ્યો હતો. સામાન ફલેટ પર પહોંચાડવા…. સવારે ભંગારવાળો પણ આવવાનો હતો. નિલથી રજા લેવાય તેમ ન હતું. ઈશાએ કહ્યું, “તમે જાવ ઓફિસે… હું મેનેજ કરી લઇશ… ” બીજા દિવસે સવારે નિલ થોડીવાર ખુરશીમાં બેઠો… પછી ભારે હ્રદયે તેના પર હાથ ફેરવીને થોડીવાર તેની સામે જોતો રહ્યો… અને આંખના આંસુ છુપાવવા ચશ્મા પહેરી લીધા…. ઈશાએ આ જોયું.

ઓફિસમાં પણ નિલનું મન ન લાગ્યું. બપોરે ઈશાનો ફોન આવ્યો કે ‘સામાન નવા ઘરે પહોંચી ગયો છે, તમે સાંજે નવા ઘરે જ આવજો’ નિલ પુછી ન શકયો કે ખુરશીનું શું થયું ?? સાંજે ઓફિસેથી ઘરે જતા મોડું કર્યું. ઈશાના કેટલીવાર ફોન આવી ગયા. પણ નિલનું મન ભરાયેલું હતું. તે સમય કરતા મોડો ઘરે પહોંચ્યો… નવા ઘરે પહોંચ્યો અને બેલ મારી…

image source

બારણું ખોલતા સહેજ વાર લાગી.. બારણું ખુલ્યું તો હોલમાં વચ્ચે તેની ખુરશી પર ઝીલ ઝૂલતી હતી. ખુરશી પર નવું કવર આવી ગયું હતું નિલે આંખમાં પ્રશ્ર્નાર્થ સાથે ઈશાની સામે જોયું. ઈશાએ કંઇ બોલ્યા વગર તેના ખભે માથું ઢાળી દીધું. નિલ રૂંધાયેલા અવાજે બસ ‘થેન્કયુ’ એટલું જ બોલી શકયો. ઝીલ ઝૂલતી હતી અને ઈશા-નિલ આંખમાં આંસુ સાથે તેને જોતા હતા.

સાચે જ યાદોની કિંમત કયારેય કોઇ ન કરી શકે….

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત