એકાંશની ઇરા ને ઇરાનો એકાંશ – સગાઈને એક વર્ષ થઇ ગયું પણ હજી ક્યારેક તો તેઓ લડી પડતા અને…

જેવો ઇરા એ ફોન મૂક્યો કે આંખ માંથી એક અશ્રુ આંખો ભીની કરી ગયું, કોઈ ને ય ખ્યાલ ના આવે એ રીતે આંખો ને સહેજ લૂછી ને એ ધાબા પર થી દબાતા પગલે આવી ને પોતાના ના રૂમ માં પુરાઈ ગઈ. રાત ના બાર વાગ્યા હતા, સૂનકાર વચ્ચે એક ઇરા જ હતી કે જે હ્રદય માં એક ભાર લઈ ને ઊંઘવાનો પ્રયત્ન કરી રહી હતી, એક સપ્તાહ બાદ એકાંશ સાથે પોતાની સગાઈ નું એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું હતું, પરંતુ હજુય કેટલીક વાતો માં બંને વચ્ચે અત્યાર થી જ વાદ વિવાદ થઈ જતો. અનેક અપેક્ષાઓ હતી ઈરા ની પોતાના ભાવિ પતિ એકાંશ પાસે, એટલે અત્યાર થી એ વાતો પર થતો સંવાદ ક્યારેક વિવાદ માં પરિવર્તિત થઈ જતો. એવું નહોતું કે એકાંશ ઇરા ને પ્રેમ નહોતો કરતો, એકાંશ ઇરા ને પોતાની ભાવિ પત્ની ના સ્વરૂપ માં પામી ને ખૂબ જ ખુશ હતો ને ઇરા ની પ્રેમ વર્ષા માં ભીંજાવું એને ગમતું પણ ક્યારેક વાત વાત માં ઇરા ગુસ્સો કરતી ને છેવટે એકાંશ પણ ગુસ્સે થઈ ને ફોન મૂકી દેતો.

ઇરા ને એવું હતું કે એકાંશને જાતે જ બધુ જ સમજાઈ જાય કે પોતે શું ઈચ્છી રહી છે, એટલે વાત કરતાં કરતાં ગુસ્સે થઈ જતી, એકાંશ નો સહેજ પણ વાંક હોય નહીં તોય એ ગુસ્સે થઈ ફોન મૂકી દેતી ને પછી પોતે જ દુખી થતી. એકાંશ થોડીવાર પછી હમેશા મનાવી લેતો. પણ આજે એકાંશ નો કોલ ના આવ્યો. ઇરા ની રાત બસ એકાંશ ના કોલ ની રાહ જોવામાં જ વીતી ગઈ.

image source

સવારે ઇરા આંખ માં રાત ના ઉજાગરા ને ઉદ્વિગ્ન મન સાથે જેવી રસોડા માં જતી હતી કે રસોડા માંથી ભાઈ ભાભી ની પ્રેમગોષ્ઠી સાંભળી ને જરા અટકી ગઈ, ને સહેજ હોઠ પર આછા હાસ્ય સાથે જોર થી બોલી “હા હા કરી લો, પ્રેમ ની વાતો ! આ મારા ભાઈ ને તો ભાભી વગર જાણે એક પળ પણ ચાલતું નથી એટલે રસોડા માં પણ મોકો જોઈ ને આવી જાય છે.”

“ હું તો રસોડા માં પાણી પીવા આવ્યો હતો, શું ઇરા તું પણ !” ને ઇરા નો ભાઈ ઇરા ના ગાલ પર ચૂંટલો ખણી ને બહાર આવી ગયો. “ સારું થયું, ઇરા તું આવી, છેલ્લા અડધા કલાક થી મને હેરાન કરતાં હતા. મે કહ્યું કે કોઈ આવી જશે પણ માન્યા જ નહીં.” ને ઇરા ના ભાભી ની નજર જેવી ઇરા સાથે એક થઈ કે બંને હસી પડ્યા. “ ભાભી તમારો ને ભાઈ વચ્ચે નો પ્રેમ હમેશા આવો જ રહે એવી જ મારી અભિલાષા, કાશ મારે પણ…” ને ઇરા અટકી ગઈ.

image source

“ શું થયું ઇરા ? રાતે બાર વાગે આગાશી નો દરવાજો ખૂલ્યા નો આવાજ આવ્યો હતો, ને અત્યારે આંખો માં ઉજાગરો કદાચ તું તારા ભાઈથી છુપાવી શકીશ પણ મારાથી નહીં. સાચું બોલ શું થયું ? એકાંશ એ કઈ કહ્યું ?” ઇરા નાં ભાભી હવે ભાભી મટી ને એક સહેલી ના રૂપ માં આવી ગયા હતા. “ભાભી, એકાંશ એ કશું જ નથી કહ્યું, કદાચ મારી આપેક્ષા જ વધારે પડતી છે.” ઇરાએ એક ઊંડો શ્વાશ લેતાં કહ્યું.

“ ઇરા, તે તારી અપેક્ષાઓ વિષે ક્યારેય એકાંશ સાથે વાત કરી ? હું તો તારા ભાઈ ને બધુ જ કહી દેતી, અરે હું તો એમને પત્ર માં બધુ જ જણાવી દેતી કે મારી શું શું અપેક્ષાઓ છે? તને એમ થતું હશે કે ફેસબુક ને વ્હોટ્સ એપ ના જમાના માં પત્ર ? પણ હા હું પત્ર લખતી ને એના પ્રત્યુત્તર ની પણ રાહ જોતી ને તારા ભાઈ મને પ્રત્યુત્તર પણ આપતાં. તું પણ ઇરા એકાંશ ને એક પત્ર માં બધુ જ જણાવી દે. કેટલીક લાગણીઓ ને શબ્દો નું સ્વરૂપ આપવું પણ જરૂરી બની જાય છે.” ઇરા ના ભાભીએ ઇરા નો હાથ પોતાના હાથ માં લઈ લીધો.

*******************************************

બે દિવસ થી ઇરા નો ફોન કે કોઈ મેસેજ નહોતો. એકાંશ ને ઇરા ની આવી ગેરહાજરી માં બહુ યાદ આવી રહી હતી, એમ થતું કે ફોન કરી ને સોરી કહી ને ઇરા ને માનવી લઉં. જેવો એ ફોન કરવા જતો હતો કે બારણે ડોરબેલ રણક્યો, જોયું તો ટપાલી ટપાલ લઈ ને ઊભો હતો, ને ટપાલી ના હાથ માં હતો ઇરા નો પત્ર. એકાંશ અચંબિત થઈ ગયો. એક પળ નો પણ વિલંબ કર્યા વગર પત્ર વાંચવા લાગ્યો, આમેય પહેલા પ્રેમ નો પહેલો પ્રેમપત્ર હતો.

પ્રિય એકાંશ,

image source

મને નથી ખબર કે હું તમને આ લખી રહી છું એ તમે દિલ થી વાંચશો કે કેમ પરંતુ મારા હ્રદય માં હું જે પણ અનુભવું છું એ આજે હું આ પત્ર માં નિતારી રહી છું. હું તમારી સાથે લગ્ન કરીશ એનો અર્થ એ કે તમે જ મારૂ વિશ્વ બની જશો. લગ્નજીવન માં ક્યારેક હું નાની મોટી બાબતો ના લીધે ગુસ્સે થઈ જાઉં તો ખોટો અર્થ ના કાઢતાં, હું અતિ સંવેદનશીલ છું, કદાચ તમને મને સમજવામાં મુશ્કેલી પણ પડે, પરંતુ હું વચન આપું છું કે હું તમને અને તમારા પરિવારને સમજીશ.

જેવી હું યુવાવસ્થા ના ઉંબરે આવી છું કે તમારા વિષે મેં ખૂબ જ સપના સેવ્યાં છે. તમે એક મારા સપના ના રાજકુમાર ની જેમ સફેદ ઘોડા પર સવાર થઈ ને આવો છો અને મને લઈ જાઓ છો. હું આજકાલ ખૂબ જ કલ્પનાશીલ બની ગઈ છું, સતત તમારા વિચારો માં ખોવાઈ જાઉં છું. તમે શું કરતાં હશો? એ જ વિચારો આવ્યા કરે છે. ક્યારેક કામ કરતાં કરતાં કે ક્યારેક વાંચતાં વાંચતાં તમે જ જાણે મારી સમક્ષ આવી જાઓ છો, ને હું શરમાઇ જાઉં છું. મેં જે પણ સપનાઓ જોયા છે, બધા જ તમારી સાથે પૂરાં કરવા છે. છેલ્લે જયારે આપણે મળ્યા હતા ને એકબીજા ને પ્રેમ થી ભેટી ને એકબીજા માં ખોવાઈ ગયા હતા ત્યાર નો અહેસાસ સતત મારા શ્વાશ માં હજુ ય છે, ને સવાર ની કોફી કરતાં આ જ અહેસાસ મને તાજગી આપી જાય છે. ખુલ્લા આકાશ ની નીચે તમારો હાથ હાથ માં લઈ ને તમારા ખભા પર માથું ઢાળી ને કલાકો સુધી મારે બેસવું છે. તમારી સાથે નાની નાની વાતો પર ગુસ્સે પણ થવું છે, તમારી સાથે લડવું છે, શર્ત બસ એટલી જ કે તમે અંત માં મને મનાવી લો. માનવશો ને ?

image source

પ્રિય, હું જાણું છું કે આપણાં સમાજ માં લગ્ન ને લઈ ને તરેહ તરેહ માન્યતાઓ છે, સમાજ માને છે કે નોકરી કરતી મહિલા ક્યારેય સારી ગૃહિણી કે પત્ની બની ના શકે, પરંતુ જયારે આ મુદ્દા પર કોઈ વાતચીત થાય તો હું ઈચ્છું આ બાબત પર નિર્ણય લેવાનો અધિકાર બસ તમને જ હોય. હું જાણું છું કે મારી નોકરી સાથે મારી કેટલીક જવાબદારીઓ પણ હશે, પરંતુ એનો અર્થ એ નથી કે એનાથી આપણાં નિજી જીવન ને અસર થશે. હું પ્રેમ થી આપણાં જીવનમાં સંતુલન બનાવી લઇશ. હું જીવન માં આગળ વધવા માંગુ છું, પણ હું એટલું જ ઈચ્છું કે જયારે હું આગળ વધુ ત્યારે મારો હાથ તમે પકડેલો હોય. આપણે હંમેશાં સાથે આગળ વધીએ.

ક્યારેક મને મારી સહેલીઓ એ જોડે સમય વિતાવવાનું મન થાય કે કોઈ પુસ્તક વાંચવાનું મન થાય તો મને એ મારો સમય આપજો, હુ પણ તમને તમારો સમય આપીશ, હું નથી ઇચ્છતી કે આવી નાની નાની વાતો માં કોઈ પાબંદી ના લીધે મન દુખ થાય. ક્યારેક મને નાની નાની ઈચ્છાઓ જેવી કે પાણી પૂરી કે આઇસક્રીમ ખાવો બસ સમય ને જોયા વગર જ થઈ જાય છે, હું ઈચ્છું કે તમે પણ મારી સાથે મારી આ ઈચ્છાઓ માં સહભાગી થાઓ અને આપણે બંને બાઇક પર સાથે પાણી પૂરી ખાવા કે આઇસક્રીમ ખાવા સાથે જઈએ. સાચું કહું તો પાણી પૂરી ને આઇસક્રીમ ના બહાને આવી નાની નાની વાતો માં સમય ચોરી ને તમારી સાથે સમય વ્યતીત કરવા ઈચ્છું છું.

image source

આપણાં લગ્નજીવનના આરંભ સાથે જ હું ઈચ્છું છું કે આપણે દરેક પળ માં સાથે જ હોઈએ, હું રસોઈ બનાવતી હોઉ ને તમે સાથે ઊભા રહી મને મદદ કરાવો. હું ઈચ્છું કે હું હસું પણ તમારી સાથે ને રડું પણ તમારી સાથે. આપણે બંને મળી ને આપણા બેબી ને ઉછેરીએ, હું તમારા પરિવાર ને મારો પરિવાર બનાવી દઇશ. પણ બધી બાબતો માં હું તમારી મિત્ર બની ને રહેવા માંગુ છું, ને તમે પણ મારા મિત્ર બની ને રહેજો જેથી મને મારા મન ની કોઈ પણ વાત તમને ખચકાટ વગર કહી શકું. તમે પણ તમારી કોઈ પણ વાત પહેલા મને જ કહેજો. હું હંમેશા તમને સમજીશ. મારા મન માં હજુ ય હજાર વાતો છે, જે તમારી સાથે મારે વહેચવી છે. મન માં હજાર સવાલો પણ છે જે તમને પૂછવા પણ છે, બસ હવે હું તમારી સાથે રહેવા અધીરી બની છું. તમે જાણો છો ને કે ફિલ્મો માં દર્શાવવામાં આવતા સંબંધો અને વાસ્તવિક સંબંધો અલગ હોય છે, વાસ્તવિકતા માં સંબંધો બાંધવા અને નિભાવવા અઘરા હોય છે, જે એક રાત માં નથી બની જતાં સમય લાગે છે, પરંતુ હું મન થી આપણાં સંબંધ ને મજબૂત બનાવવા પ્રયત્ન કરીશ, બસ તમે સાથ આપજો. આપશો ને ?

તમારી ને બસ તમારી

એકાંશ ની ઇરા

પત્ર પૂરો થતાં જ એકાંશ લાગણીશીલ હતો, લાગ્યું કે ઇરા જે કહેવા માંગતી હતી એ આ બાબતો હતી, ઇરા ની દરેક અપેક્ષાઓ આજે એકાંશ ને સમજાઈ ગઈ હતી.

****************

image source

આજે ઇરા અને એકાંશ ની સગાઈ ને એક વર્ષ પૂર્ણ થયું હતું, ઇરા ની અગાશી પર કે જ્યાં ઇરા એકાંશ કલ્પી ને વાતો કરતી ત્યાં એકાંશ આજે સાથે હતો. ખુલ્લા આકાશ ની નીચે એકાંશ ના ખભા પર ઇરા ને માથું ઢાળી દીધું હતું, હાથ માં હાથ લઈ ને એકાંશ એ કહ્યું. “ તારી દરેક અપેક્ષા ને હવે હું સમજુ છું, સદાય તત્પર રહીશ તને સમજવા માટે. મારો પ્રેમ અનહદ છે ને અનહદ રહેશે. આઈ લવ યૂ ઇરા ! ને આ એકાંશ ફક્ત ઇરા નો જ છે, ને રહી વાત આ ફોન માં થતાં નાના નાના ઝગડાઓ ની તો ……બડે બડે દેશો મેં ઐ સી છોટી છોટી બાતે હોતી રહેતી હૈ….” ને એકાંશ હસી પડ્યો, સાથે જ ઇરા એ એકાંશ ના ગાલ ખેંચતા કહ્યું “ ફિલ્મી…”

લેખક : ડૉ. નિલેષ ઠાકોર “નીલ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત