હોસ્પિટલમાં દાખલ 70 ટકાને ઓક્સિજનની પડે છે જરૂર

ગુજરાતના સતત ધમધમતા અને સુંદર શહેરને જાણે રોગચાળાની નજર લાગી ગઈ હોય એમ એક પછી એક સમસ્યાઓ શહેરીજનોના માથે ભમી રહી છે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન પણ આ શહેર મહામારીનું હોટસ્પોટ બની ગયું હતું. તે સમયે પણ શહેરની હોસ્પિટલો દર્દીની સારવાર માટે ઓછી પડી રહી હતી. ત્યારે હવે કોરોનાના કેસ ઘટવાથી લોકોએ માંડ રાહત અનુભવી હતી ત્યાં ફરી રોગચાળો વકર્યો છે.

image source

અમદાવાદ શહેરમાં કોરોના શાંત પડ્યો છે તો તેણે જાણે ખો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને આપી દીધી હોય તેમ શહેરમાં ચાલુ સપ્ટેમ્બર મહિના દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. આમ તો આ રોગના કેસ છેલ્લા 2 મહિનાથી શહેરમાં નોંધાઈ રહ્યા હતા પરંતુ ચાલુ સપ્ટેમ્બર માસમાં તેમાં ચિંતાજનક વધારો થયો છે. તેમાં પણ તાજેતરની જે સ્થિતિ જોવા મળી રહી છે તે કોરોનાની બીજી લહેરની યાદ અપાવે તેવી છે.

image source

શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલોમાં ડેન્ગ્યુ, ચિકન ગુનિયા, મેલેરિયા જેવા રોગના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. સ્થિતિ એવી છે કે અમદાવાદ શહેરની સરકારી જ નહીં ખાનગી હોસ્પિટલો પણ આ રોગના દર્દીઓથી હાઉસફુલ થઈ ચુકી છે. આ સ્થિતિ કોરોનાની બીજી લહેર દરમિયાન જોવા મળી હતી જ્યારે દર્દીઓ માટે હોસ્પિટલમાં જગ્યા ન હતી.

image source

અમદાવાદ ખાતેની અસારવા સિવિલ અને સોલા સિવિલમાં છેલ્લા 15 દિવસમાં જ ડેન્ગ્યુ, ચિકન ગુનિયા અને મેલેરિયાના 500થી વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. ચિંતાની વાત એ છે કે આ કેસના દર્દીઓમાં બાળકોનું પ્રમાણ ખૂબ વધારે છે. તેમાં પણ માતાપિતાએ ચિંતા કરવી અને ધ્યાન રાખવું વધારે જરૂરી થઈ ગયું છે કે હાલ સોલા સિવિલમાં દાખલ બાળ દર્દીઓમાં 70 ટકા દર્દી એવા છે જેમને ઓક્સિજન આપવું પડે તેવી તેની હાલત છે.

આમ તો આ મામલે કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી પરંતુ સૂત્રોનું જણાવવું છે કે શહેરની મુખ્ય સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં હાલ રોજના 3000 જેટલા દર્દી આ રોગોના નોંધાઈ રહ્યા છે. શહેરની સોલા અને મુખ્ય સિવિલમાં દર્દીઓના આંકડા પર નજર કરીએ તો તે નીચે મુજબ છે.

image source

સિવિલ હોસ્પિટલ – ડેન્ગ્યુ 222 કેસ, ચિકન ગુનિયાના 75થી વધુ કેસ, મેલેરિયા 39 કેસ, ઝેરી મેલેરિયાના ૭ કેસ

સોલા સિવિલ – ડેન્ગ્યુના 145 કેસ, ચિકન ગુનિયાના 35 કેસ, મેલેરિયા 36 કેસ