Site icon News Gujarat

કોરોના દર્દીઓમાં આ બાબતો વધારી રહ્યા છે ચિંતા, વજનમાં ઘટાડો અને કુપોષણનું લોકોમાં વધ્યું પ્રમાણ

હવે લગભગ દરેક વ્યક્તિ જાણી ચુકી છે કે કોરોનાનું સંક્રમણ થયા પછી દર્દીમાં તેના લક્ષણો લાંબા સમય સુધી રહે છે. કેટલાક દર્દીઓમાં એક વર્ષ પછી પણ કોરોનાના લક્ષણો દેખાય છે. કોરોનાના કારણે દર્દીના શરીરના ઘણા ભાગો અને તેમની કામ કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. હવે તબીબી નિષ્ણાંતોના મતે કોરોનામાંથી સાજા થયા પછી દર્દીઓમાં નવી સમસ્યા જોવા મળી રહી છે. આ સમસ્યા છે ઝડપથી વજન ઘટવું. આ સમસ્યા તેમનામાં વધુ જોવા મળે છે જેઓ કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત થયા હતા.

image source

કોરોનાથી સ્વસ્થ થયા બાદ લોકોનું વજન ઘટવું અને કુપોષણની સમસ્યા થવી એ બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટ ડેટા સામે આવ્યો નથી. કેટલાક અભ્યાસોમાં એવું સાબિત થયું છે કે કોરોનાના દર્દીઓ કે જેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અથવા જેમણે સ્વાદની ક્ષમતા ગુમાવી હતી. અથવા તો જે દર્દીઓને ગંભીર શ્વસન સમસ્યાઓ હતી આવા દર્દીઓમાં કુપોષણની સમસ્યા પણ જોવા મળે છે.

image source

નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશનના એક અભ્યાસ મુજબ કોરોનામાં ગંભીર રીતે બીમાર પડેલા લોકોમાં વજનમાં ઘટાડો અને કુપોષણનું જોખમ વધુ રહે છે. લગભગ 30 ટકા દર્દીઓમાં શરીરના વજનમાં 5 ટકાનો ઘટાડો થયો છે. કોરોનાને કારણે ગંભીર રીતે બીમાર થયેલા લગભગ અડધા દર્દીઓ પર કુપોષણનું જોખમ છે.

image source

ભાટિયા હોસ્પિટલમાં ઇન્ટરનલ મેડિસિનના ડોક્ટર અભિષેક સુભાષે જણાવ્યાનુસાર કોવિડના મોટાભાગના દર્દીઓનું વજન સ્વાદ અને ગંધની ક્ષમતા ગુમાવ્યા બાદ ઘટી રહ્યું છે. જો કે આ સમસ્યા તે દર્દીઓમાં વધુ છે જે બ્લેક ફંગસનો શિકાર હતા. આવા દર્દીઓને જીવ બચાવવા એન્ટી ફંગલ દવાઓના ડોઝ આપવામાં આવ્યા હોય છે જેના કારણે તેમને ભૂખ લાગવામાં સમસ્યા થાય છે.

image source

અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સ્વાદ અને ગંધમાં ફેરફાર થવાને કારણે દર્દી ખૂબ થાક અનુભવે છે અને તેને ભૂખ પણ ઓછી લાગે છે. આ સિવાય હોસ્પિટલથી ઘરે આવ્યા પછી શારીરિક પ્રવૃત્તિઓ પણ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હોય છે. આ કારણોને લીધે દર્દીનું વજન ઓછું થવું સ્વાભાવિક છે. આ સમસ્યાઓએ કુપોષણનું જોખમ પણ વધારી દીધું છે. જો કે કોરોનાના એવા દર્દીઓ કે જેમણે હોસ્પિટલમાં જવું પડતું ન હતું તેમાંથી પણ કેટલાકમાં કુપોષણ જેવી સમસ્યાઓ જોવા મળી હતી.

Exit mobile version