ગુજરાત સહિત દેશભરના ‘કેસર’ પ્રેમીઓ માટે માઠા સમાચાર, કેરી આવશે મોડી અને મોંઘી

સૌરાષ્ટ્રની કેસર કેરી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે કેસર કેરીની મોટા પાયે નિકાસ પણ થાય છે.

image source

પરંતુ હાલ કોરોનાના કારણે જે સ્થિતિ સર્જાઈ છે તેમાં કેસર કેરીના રસીયાઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. આ માઠા સમાચાર એવા છે કે એક તો તેમણે કેરીનો સ્વાદ ચાખવાની રાહ જોવી પડશે અને બીજું કે આ કેરી તેમના દાંત ખાટા કરી દે તેવી મોંઘી હોય શકે છે.

ગુજરાતના કેટલાક જિલ્લામાં માર્કેટિંગ યાર્ડ શરુ તો થયા છે. અહીં શાકભાજી ઉપરાંત સીઝનલ ફળ પણ મળવા લાગ્યા છે. હાલ જે ફળની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે છે કેસર કેરી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળાનું અમૃત ફળ ગણાતી કેસરનું આગમન થઈ ચુક્યું છે. પરંતુ દર વર્ષ કરતાં આ કેરી 15 દિવસ મોડી આવી છે. તેનું કારણ છે કોરોનાના કારણે જાહેર થયેલા લોકડાઉનમાં ઠપ્પ થયેલો વાહન વ્યવહાર.

image source

યાર્ડમાં પહેલીવાર કેરીના 250 બોક્સની આવક થઈ હતી. હાલ 10 કિલોના ભાવ 800થી 1250 રુપિયા મળી રહ્યા છે. જો કે આ કેરી તરુંત ખાઈ શકાય તેવી નથી. તેને પાકવા માટે રાખવી પડે તેવું કાચું ફળ માર્કેટમાં આવ્યું છે. હાલ ઘણા યાર્ડ બંધ છે તેના કારણે કેરીની આવક જોઈએ તેટલી થતી નથી. તેથી હાલ કેસર કેરીની હરાજી બંધ રાખી ખેડૂતોના માલનું વેચાણ થાય અને તેમને યોગ્ય ભાવ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ વેપારીઓને સીધું જ બોક્સનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતોને સારા ભાવ મળે. માનવામાં આવે છે કે આ વર્ષે કેરીનું અઢળક ઉત્પાદન થયું છે. પરંતુ આ લોકડાઉનના કારણે કેરી માર્કેટ સુધી મોડી અને મોંઘી થઈને પહોંચશે. આ ઉપરાંત છેલ્લા પડેલા કમોસમી વરસાદના કારણે દર વર્ષ જેટલી અથાણા માટેની કાચી કેરી ઉતરી નથી.

image source

સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં બજારોમાં છૂટક કેરીઓ મળતી થઈ છે પરંતુ તે સ્વાદમાં અસલ કેસર જેવી મીઠાસ ધરાવતી નથી. તેથી હજી થોડો સમય રાહ જોવા સિવાય અન્ય કોઈ રસ્તો સ્વાદના શોખીનો માટે બાકી નથી.