કીર્તિદાન ગઢવીના ગીત પર ઝુમ્યા અમેરિકામાં વસતા ગુજરાતીઓ, માણ્યો રાહતનો શ્વાસ

ભારતના સૌથી લોકપ્રિય તહેવારમાં નંબર એક પર આવે તેવા નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસોની વાર છે. આ તહેવારમાં માં આદ્યશક્તિની આરાધના કરવાની સાથે ભક્તો ગરબે ઘુમતા હોય છે. આ તહેવારની વર્ષ ભર ગરબાના ચાહકો રાહ જોતા હોય છે. નવરાત્રી નજીક આવે તેના મહિનાઓ પહેલા તો ખેલૈયાઓ ગરબા માટે પ્રેક્ટિસ પણ શરુ કરી દેતા હોય છે. જો કે આ વર્ષે કોરોનાના કેસ ઓછા હોવાના કારણે શક્યતા છે કે લોકો ગરબે ઝુમી શકશે. જો કે ભારતમાં હજુ નવરાત્રીમાં ગરબે ઝુમવા લોકો રાહ જોઈ રહ્યા છે પણ વિદેશની ધરતી પર તો ગરબાની રમઝટ શરુ પણ થઈ ચુકી છે.

જી હાં પોતાના ગીતથી કોઈપણ વ્યક્તિને ગરબા રમવા મજબૂર કરી દેતા કીર્તિદાન ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે છે અને તેઓ વિદેશમાં વસતા ગુજરાતીઓને ગરબે ઝુમાવી રહ્યા છે. ગુજરાતનું નામ દેશ વિદેશમાં રોશન કરી દેનાર અને લોકપ્રિય કલાકાર હાલ અમેરિકામાં ટેક્સાસ અને શિકાગો સહિતના શહેરમાં ગરબા અને ડાયરા જેવા કાર્યક્રમોમાં વ્યસ્ત છે. તેઓ પોતાના ગીત પર અમેરિકામાં વસતા ગુજરાતીઓને ડોલાવી રહ્યા છે.

લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી અમેરિકાના આ પ્રવાસના ફોટો અને વીડિયો શેર કર્યા હતા. આ વીડિયો અને ફોટો વાયરલ થયા છે. તેમાંથી એક વીડિયોમાં તો કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ થતો જોવા મળે છે. ભારતમાં જે રીતે ડાયરામાં રૂપિયાની નોટો ઉછળી હોય છે તેમ વિદેશમાં કીર્તિદાનના ગીત પર ડોલરનો વરસાદ થયો હતો.

કીર્તિદાન ગઢવી 2 વર્ષ બાદ વિદેશમાં કાર્યક્રમ માટે ગયા છે તેમ તેણે જણાવ્યું હતું. કોરોના કાળ બાદ તેઓ પહેલા ગુજરાતી કલાકાર છે જે પોતાની ટીમ સાથે વિદેશમાં કાર્યક્રમ માટે પહોંચ્યા હોય. જો કે 2 વર્ષની કોરોના મહામારીની સમસ્યા અને તાંડવ જોયા પછી વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ બધા જ ટેન્શન ભુલાવી અને ગરબે ઝુમ્યા હતા.

કીર્તિદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ અમેરિકા બાદ દુબઈ જવાના છે શો માટે અને ત્યાંથી ફરી અમેરિકામાં શો માટે આવશે. આગામી દિવસોમાં કીર્તિદાન ડલાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિતના શહેરોમાં કાર્યક્રમ કરશે.

મહત્વનું છે કે આ વર્ષે ગુજરાતમાં પણ નવરાત્રીનું આયોજન થાય તેવા એંધાણ મળી રહ્યા છે. કોરોનાના કેસ ઘટતાં રાજ્ય સરકારે ઘણી છૂટછાટો ગણેશ ચતુર્થી સુધીના તહેવારોમાં આપી છે. જો કે નવરાત્રીને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જે છૂટછાટો અને નિયમો છે તેને અનુરુપ આયોજકો નવરાત્રીનું આયોજન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેવામાં અમેરિકામાં નવરાત્રી પહેલા જ પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કીર્તિદાન ગઢવીને બોલાવવામાં આવ્યા હતા.