શું તમારી લોચા પુરી ચવડ બને છે ? તો આ રીતે સોફ્ટ બનાવો લોચા મસાલા પુરી!

સામાન્ય રીતે આપણે બહાર જમવા જતાં હોઈએ, ખાસ કરીને લગ્ન કે પછી ક્યાંય ગુજરાતી થાળી જમતા હોઈએ ત્યારે ગરમા ગરમ પુરી તો સારી જ લાગે છે પણ ઠરી ગયા બાદ તે લાકડા જેવી ચવડ બની જતી હોય છે અને કેટલાકને પોતાને ઘરે પણ આવી જ બનતી હોય છે. તો આ રીતે જો પુરી બનાવશો તો ચોક્કસ સોફ્ટ બનશે અને બીજા દિવસે તમે તેને ઠંડી ખાશો ત્યારે પણ તે સોફ્ટ જ લાગશે.

મસાલા લોચા પુરી બનાવવા માટેની સામગ્રી

500 ગ્રામ ઘઉંનો રોટલીનો લોટ

¼ ચમચી હળદર

½ ચમચી લાલ મરચુ પાઉડર

1 ચમચી ધાણાજીરુ

¼ ચમચી અજમા

½ ચમચી તલ

1 ચપટી હીંગ

1 ચમચી મીઠુ

2 ચમચી તેલ

તળવા માટે તેલ

મસાલા લોચા પુરી બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક કથરોટમાં 400-500 ગ્રામ ઘઉંનો રોટલીનો જીણો લોટ લેવો. ત્યાર બાદ તેમાં પા ચમચી હળદર, એક ચમચી ધાણાજીરુ, અરધી ચમચી જેટલું લાલ મરચુ પાઉડર, અડધી ચમચી મીઠુ અને ચપ્ટી હીંગ ઉમેરવાં.

હવે તેમાં હાથેથી મસળીને પા ચમચી જેટલા અજમા ઉમેરવા. તેની સાથે સાથે જ પાથી અડધી ચમચી જેટલા તલ ઉમેરવા. અને મોણ માટે બે ચમચી તેલ ઉમેરીને બધી જ સામગ્રી બરાબર મિક્સ કરી લેવી.

હવે બધી જ સામગ્રી બરાબર મિક્સ થઈ જાય એટલે તમારે તેમાં મોણ બરાબર પડ્યું છે કે નહીં તે જોઈ લેવું. તે જોવા માટે તમારે જોવાનું કે લોટમાં મુઠ્ઠી પડે છે કે નહીં. જો તમારે લોચા પુરી ચવડ ન જોઈતી હોય પણ સોફ્ટ જોઈતી હોય તો તમારે મોણ થોડું ચડિયાતુ નાખવું એટલે કે મુઠ્ઠી પડતું મોણ નાખવું. અહીં તમે થોડું જીરુ પણ ઉમેરી શકો છો.

હવે ધીમે ધીમે પાણી ઉમેરીને લોટ બાંધી લેવો. લોટ તમારે ભાખરી જેવેa કઠણ પણ નથી બાંધવાનો અને રોટલી જેટલો નરમ પણ નથી બાંધવાનો. અહીં પરોઠા જેવો પોચો લોટ બાંધવામાં આવશે.

તો અહીં બતાવ્યું છે તે પ્રમાણે નહીં કઠણ અને નહીં બહુ ઢીલો તેવો લોટ બાંધીને તૈયાર કરી લેવો. અને તેના પર 3-4 ટીપાં તેલ નાખી લોટને મસળી લેવો જેથી તે સુકાઈ ન જાય. ત્યાર બાદ તેને દસ મિનિટ માટે રેસ્ટ આપી દેવો.

હવે લોટમાંથી નાના લુઆ કરી લેવા અને તેની તમને જોઈતી હોય તે સાઈઝની પુરી વણી લેવી. યાદ રહે પુરી બહુ જાડી પણ ન વણવી અને બહુ પાતળી પણ ન વણવી.

હવે પુરી વણાઈ ગયા બાદ તેને તેલની મિડિયમ આંચ પર તળી લેવી. પુરી તળતી વખતે તેનો ઉપરનો ભાગ નીચેની બાજુ આવે તે રીતે તેલમાં નાખવી. તેલ ગરમ કરો ત્યારે તેલને ફુલ ગેસ પર ગરમ કરી લેવી પણ પછી પુરી તળતી વખતે ફ્લેમને મિડિયમ ટુ હાઈ પર રાખવી.

પુરી તળાતી હોય તે વખતે તેને જારા વળે હળવા હાથે દબાવતા રહેવી તેમ કરવાથી પુરી ફુલે છે.

અહીં બતાવ્યું છે તે પ્રમાણે પુરી દડા જેવી ફુલશે. આવી જ રીતે બાકીની પુરીઓ પણ વણીને તળી લેવી.

તો તૈયાર છે મસાલા લોચા પુરી. આ પુરીને શાક સાથે, ઇલાઈચી જાયફળવાળા દૂધ સાથે, દૂધપાક સાથે કે પછી સાદા અથાણા સાથે પણ ખાઈ શકાય છે. આ પુરી ગરમ પણ તેટલી જ સ્વાદિષ્ટ લાગે છે અને ઠંડી થઈ ગયા બાદ બીજા દીવસે પણ ખુબ જ ભાવે છે. આ પુરી તમે ત્રણ-ચાર દિવસ આરામથી સાંચવી શકો છો અને પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો.

મસાલા લોચા પુરી બનાવવા માટે વિગતવાર વિડિયો

રસોઈની રાણી : નીધી પટેલ

સૌજન્ય : ફુડ ગનેશા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.