ભારતના પ્રથમ મહિલા શિક્ષક કોણ હતાં? આવી બીજી અનેક શિક્ષક દિન સાથે જોડાયેલ રસપ્રદ વાતો જાણો…

૫મી સપ્ટેમ્બરે જ શા માટે ઉજવાય છે શિક્ષક દિન, જાણો કોણ હતાં દેશના પહેલાં મહિલા શિક્ષક જેમણે શૈક્ષણિક તસ્વીર બદલવાની કરી હતી જીદ્દ, ભારતના પ્રથમ મહિલા શિક્ષક કોણ હતાં? આવી બીજી અનેક શિક્ષક દિન સાથે જોડાયેલ રસપ્રદ વાતો જાણો…

આપણા ગુરુજનો, શિક્ષકો અને આપણાં વડીલો આપણને જીવનમાં સાચો માર્ગ બતાવે છે. એવું કહેવામાં આવે છે કે માત્ર ગુરુ જ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવે છે. આ આપણને જીવન જીવવાની ખરી રીત અને તેમાં આવતી મુશ્કેલીઓ સામે લડત આપવાની આપણને સમજણ આપતા હોય છે. જીવનમાં સફળ થવા માટે ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવું જરૂરી છે. એ દરેક ગુણીજનો અને ગુરુજનોનું આદર કરવું અને તેમને સન્માન આપવું પણ એટલું જ જરૂરી હોય છે. એજ કારણે દર વર્ષે ૫મી સપ્ટેમ્બરનો દિવસ આપણા દેશમાં શિક્ષકોને સમર્પિત છે. આ દિવસે સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. બધા વિદ્યાર્થીઓ આ દિવસે તેમના ગુરુ એટલે કે શિક્ષકો પ્રત્યે પોતાનો પ્રેમ અને આદર વ્યક્ત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શિક્ષક દિન કેમ ઉજવવામાં આવે છે? આજે અમે તમને શિક્ષક દિનના ઇતિહાસ વિશે જણાવીશું…

ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા શિક્ષક…

આ દિવસે, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણશાસ્ત્રી ડો. સર્વપલ્લી રાધા કૃષ્ણનનો જન્મ થયો હતો. તેમના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. રાધા કૃષ્ણન આખા વિશ્વને એક શાળા માનતા હતા. રાધા કૃષ્ણને કહ્યું હતું કે જ્યારે પણ તેમને કોઈ પણ જગ્યાએથી કંઇક શીખવા મળે છે ત્યારે તેને તે પોતાના જીવનમાં તરત જ ઉતારી લેવું જોઈએ. તેઓ વિદ્યાર્થીઓને ભણાવતી વખતે તેમને શીખવવા કરતા તેના બૌદ્ધિક વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હતા.

કઈરીતે થઈ શરૂઆત શિક્ષક દિનની ઉજવણીની…

એકવાર ડો. સર્વપલ્લી રાધા કૃષ્ણનના કેટલાક શિષ્યોએ સાથે મળીને તેમનો જન્મદિવસ ઉજવવાનું વિચાર્યું. જ્યારે તેઓ તેમની પાસેથી પરવાનગી માટે પહોંચ્યા ત્યારે ડો. રાધા કૃષ્ણને તેમને કહ્યું કે મને ગર્વ થશે જો મારો જન્મદિવસ અલગ રીતે ઉજવવાને બદલે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવશે. ત્યારબાદ ૫મી સપ્ટેમ્બરનો દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે, વર્ષ ૧૯૬૨માં શિક્ષકનો દિવસ સૌ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો.

દેશની પ્રથમ મહિલા શિક્ષકની જીદ્દે બદલી શિક્ષણ પદ્ધતિની તસ્વીર…

દેશની આ પ્રથમ મહિલા શિક્ષિકા વિશે પણ જાણીએ, જેમના આગ્રહથી ભારતીય શિક્ષણ પદ્ધતિનું ચિત્ર બદલાઈ ગયું હતું. દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રી બાઈ ફુલે આજે પણ એક ઉદાહરણ તરીકે આપણા સૌના દિલમાં જીવંત છે. એમનું નામ લેતાં જ સૌનું માથું ગર્વથી ઊંચું થઈ જતું હોય છે. દેશ અને સમાજને સવિત્રીબાઈ ફુલેના શિક્ષણ ક્ષેત્રમાં અજોડ યોગદાન માટે હંમેશાં ઋણી રહેશે. તે સમયે જ્યારે ફુલેએ શિક્ષણના ક્ષેત્રમાં નવા દીવડાઓ પ્રગટાવ્યા હતા, તે સમયે સમાજની દીકરીઓ શિક્ષણથી વંચિત રહેતી હતી, તેમ છતાં, તેઓએ મહિલા હોવા છતાં તેમણે શિક્ષણ ગ્રહણ કર્યું હતું અને તે પછી તેમણે શિક્ષણની શક્તિ સમજી અને સમાજના દલિત વર્ગની મહિલાઓ પણ શિક્ષણ લેવા તેમણે આગેવાની લીધી હતી.

તે ઓગણીસમી સદી હતી, જ્યારે મહિલાઓના હક્કો, નિરક્ષરતા, અસ્પૃશ્યતા, સતીપ્રથા, બાળ કે વિધવા – લગ્ન પ્રથા જેવી સમસ્યાઓ અંગે કોઈ મહિલાનો અવાજ ઉઠ્યો ન હતો. પરંતુ સાવિત્રીબાઈ ફુલેએ તે સમયે પોતાનો અવાજ ઉઠાવ્યો અને અશક્ય બાબતને તેમણે શક્ય કરી બતાવ્યું.

કોણ હતા સાવિત્રીબાઈ ફુલે?

જાન્યુઆરી ૧૮૩૧ માં, સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના નાઇગાંવ નામના નાના ગામમાં થયો હતો. તેમણે ૯ વર્ષની ઉંમરે જ્યોતિબા ફૂલે સાથે લગ્ન કર્યાં હતાં. આપને જાણીને નવાઈ લાગશે કે તેણી જ્યારે અપરિણીત હતાં ત્યારે તેઓ અભણ હતા. સાથે જ તેમના પતિની વાત કરવામાં આવે તો તેમણે ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. સાવિત્રીબાઈનું સ્વપ્ન ઉચ્ચ શિક્ષણ મેળવવાનું હતું. પરંતુ તે સમયે દલિતો સાથે ઘણો ભેદભાવ કરાતો હતો.

તે સમયની એમની સાથે બનેલી એક ઘટના જણાવીએ તો એક દિવસ, ફુલેને તેમના પિતાએ અંગ્રેજી પુસ્તકના પાના ફેરવતા જોયા. સાવિત્રી પાસે આવ્યા અને પુસ્તક છીનવી અને બહાર ફેંકી દીધું. સાવિત્રી સમજી શકી નહીં કે તેમના પિતાએ આવું કેમ કર્યુ? જ્યારે તેમણે તેમના પિતાને તેનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે માત્ર ઉચ્ચ જાતિના પુરુષોને જ ભણવાનો અધિકાર છે. તે સમયે મહિલાઓ માટે દલિતો સાથે અભ્યાસ કરવો એ પાપ હતું. આ ઘટના પછી, તેણીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જે થાય છે તે ચોક્કસપણે શિક્ષણ લેશે અને આગળ અભ્યાસ કરશે.

એ સમય શિક્ષણ પ્રત્યેનો અભિગમ જુદો હતો, પછી તે ડો. રાધા કૃષ્ણ હોય કે સાવિત્રી ફૂલે હોય, સમાજમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ, જ્ઞાન આપવું અને મેળવવાની તિવ્ર ઇચ્છા તેમજ અભ્યાસ કરવા પ્રત્યેની ખેવના કદાચ આજે આપણે નહીં સમજી શકીએ કેમ કે આજે આપણને સરળતાથી શિક્ષિત થઈ શકવાની સગવડ મળી છે. જે આવા સદગુણો ધરાવતા મહાન લોકોના પ્રયત્નો થકી જ હશે. આજે દરેક સ્કુલમાં તેમના વિદ્યાર્થીઓ શિક્ષક બનીને દરેક ક્લાસમાં બેસે છે અને એ દિવસનો શાળામાં કાર્યભાર પણ બાળકો જ સંભાળે છે. એ પણ બાળકોને જવાબદારી સમજાય અને શિક્ષક કેવી જહેમત ઉઠાવે છે વિદ્યાર્થીઓને ભણાવવા તેનો પણ ખ્યાલ આવે એ માટે કરાય છે અને બાળકો હોંશેહોંશે કહે છે, હેપ્પી ટીચર્સ ડે…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.