પિતા કે પુત્રને જે ના સૂઝ્યું તે આ દીકરીને સૂઝ્યું, અને પોતાની માતાનું આટલું મોટુ દુખ કરી દીધુ દૂર

આ વિશ્વમાં દરરોજ એવી અનેક સુંદર, રમણીય, પ્રેરક, માનવીય ઘટનાઓ બને છે જે જાણીને હૃદય આનંદથી છલકાઈ જાય અને જિંદગી જીવવા જેવી છે જ એની પ્રતીતિ થાય.

એક લાડકી દીકરીએ માતાનું દૂરથી પાણી લેવા જવાનું દુઃખ દૂર થાય તે માટે ઘરના આંગણામાં જ કૂવો ગાળ્યો.

વાત છે પ.બંગાળના દુર્ગાપુર જિલ્લાની. બોબિતા સોરેન નામની 24 વર્ષની દીકરીએ 15 ફૂટ કૂવો ગાળ્યો જેથી પોતાની અશક્ત અને બીમાર માને પાણી ભરવા 200 મીટર દૂર ના જવું પડે. દીકરી ક્યાંક દૂર નોકરી કરે છે, પણ થોડા મહિના પહેલાં તે જ્યારે ઘરે આવી ત્યારે તેણે મક્કમ નિર્ધાર કર્યો કે પોતે આંગણામાં કૂવો ખોદીને માતાનું દુઃખ દૂર કરશે. એ તો લાગી ગઈ કૂવો ખોદવા. જોકે પાછું નોકરી પર જવું પડ્યું એટલે કામ અધૂરું રહ્યું.

લોકડાઉનમાં પુનઃ ઘરે આવી એટલે પછી તો સમય જ સમય હતો. કચકચાવીને રોજેરોજ કૂવો ખોદવા લાગી. ડ્રાયવર ભાઈ અને નોકરિયાત પિતાએ કૂવો ખોદી શકાય તે માટે સરસ માંચડો બનાવી આપ્યો તો નાની બહેને માટી કાઢવામાં પણ મદદ કરી.

જ્યારે સ્થાનિક તંત્રને જાણ થઈ કે એક દીકરીએ માતા માટે કૂવો ગાળ્યો છે ત્યારે અધિકારીઓ દોડતા આવ્યા. તંત્રએ નક્કી કર્યું કે 15 ફૂટનો કૂવો તેઓ 50-60 ફૂટનો કરી આપશે. દીકરીને લેપટોપની ભેટ આપશે અને શક્ય હશે તો નોકરી પણ આપશે..

માતાની સેવા કરવાના આવા મેવા મળતા હોય છે બોલો…

વાત છે મા-દીકરીના પ્રેમની. મા-દીકરીનો સંબંધ એક વિશિષ્ટ, ધબકતો, જબરજસ્ત સંવાદિતા ધરાવતો સંબંધ છે. તમે મા-દીકરીને વાતો કરતી જોજો, નરી નજરે જોશો તો ત્યાં તમને પ્રેમનું ઝરણું વહેતું દેખાશે. માની આંખમાં અખૂટ વહાલ અને મમતા છલકાતી હોય તો દીકરીની આંખોમાં મા માટેની લાગણીનો અફાટ મહાસાગર લહેરાતો હોય. જેટલું બોલીને કહેવાતું હોય તેના કરતાં ના બોલીને ઘણું કહેવાતું હોય. દીકરી પોતાના હૃદયની બધી વાતો કરીને ખાલી નથી હોતી, ભરાઈ જતી હોય છે. આ જ ચમત્કાર છે મા-દીકરીના સંબંધનો. જે માએ દીકરીના વાળ હોળતી વખતે વાળની ગૂંચો કાઢી હોય છે એ જ મા પરણેલી દીકરીના જીવનની ગૂંચવણો હસતાં-હસતાં કાઢી આપતી હોય છે.

પિતા અને દીકરીના (બોલકા) સંબંધની સમાંતરે મા-દીકરીના અરધો બોલતા અને અરધા માૈન સંબંધનું પણ મહત્ત્વ હોય છે.

24 વર્ષની બોબિતા સોરેને માતા માટે કૂવો ખોદ્યો તે ઘટના પ્રેમ, લાગણી અને સંવેદનાથી તરબતર ઘટના છે. માતાનાં કૂવા જેટલાં ઊંડાં દુઃખ તેનાથી સહન નહીં થયાં હોય. પિતા કે પુત્રને જે ના સૂઝ્યું તે આ દીકરીને સૂઝ્યું. માત્ર સૂઝ્યું એટલું જ નહીં તેણે તો કરી પણ બતાવ્યું.

આમેય વિકટ સ્થિતિમાંથી બહાર આવવાના રસ્તા પુરુષો કરતાં સ્ત્રીઓને ઝડપથી સૂઝતા હોય છે. સ્ત્રીઓ ગમે તેવા અઘરા લક્ષ્યને પણ પાર કરવાની શક્તિ ધરાવતી હોય છે. પુરુષોના અન્યાય કે પ્રેમ આગળ ઝૂકી જતી સ્ત્રી સંજોગોને તો ઝૂકાવતી જ હોય છે…

કોઈ સ્ત્રીઓને ઊંડા કૂવા જેટલાં દુઃખ આપે તો કોઈ દીકરી કૂવો ગાળીને દુઃખ દૂર કરે..

બોબિતા સોરેનને હૃદયપૂર્વકના અભિનંદન અને વિશ્વની તમામ મા-દીકરીઓને વંદન.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત