રાજ્યમાં અહીં 9 મહિનાની બાળકીને થયો કોરોના, શું આવી ગઈ કોરોનાની ત્રીજી લહેર?

બીજી વેવના કેસો ઓછા થતા લોકોમાં હજુ હાશકારો થયો જ હતો, ત્યાં જ ત્રીજી વેવની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં આવો એક કોરોના કેસ સામે આવતાં તંત્ર ચિંતાતુર બન્યું છે. હા વાત છે ગુજરાતના સુરતની. સુરતની એક હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા મુજબ નવ માસની બાળકીમાં કોરોના જોવા મળ્યો છે. ડોક્ટર્સ પણ આ કેસને લઈને ચિંતામાં જોવા મળી રહ્યા છે અને સાથે તેઓ ત્રીજી લહેરની આશંકા પણ ગણાવી રહ્યા છે. ચાલો આ વિષે અમે તમને વિગતવાર જણાવીએ.

આ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારની છે. આ વિસ્તારમાં રહેતી એક નવ માસની બાળકી ખુબ બીમાર હતી, તેને ઝાડા-ઊલટી અને તાવ આવ્યો હતો. જે બાદ પરિવાર ખુબ ચિંતાતુર હતો, ત્યારબાદ બાળકીનો ટેસ્ટ એક લેબમાં કરવામાં આવ્યો. રિપોર્ટ આવ્યા પછી બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલમાં બાળકીનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં બાળકીને તરત જ સારવાર માટે લઈ જવામાં આવી.

નવ માસની બાળકીનો કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર પણ દોડા-દોડી કરવા લાગ્યું. બાળકીને જયારે કોરોના પોઝિટિવ આવ્યો, ત્યારે તેની આસપાસ રહેતા લોકો પણ કોરોનાના ટેસ્ટ કરવાનું શરુ કર્યું. ડોક્ટરોના જણાવ્યા મુજબ, ત્રીજી વેવ બાળકો માટે વધુ ગંભીર થઈ શકે છે. તેથી અત્યારે દરેક માતા-પિતા તેમના બાળકોની વધુ પ્રમાણમાં ચિંતા કરી રહ્યા છે. આ જ સમયમાં સુરતમાં આવો કેસ જોવા મળતા જ લોકોની ચિંતા વધી ગઈ છે.

જો તમારા ઘરમાં પણ કોઈ બાળક છે, તો તમારે તેમની કાળજી રાખવાની વધુ જરૂર છે. આ માટે તમે તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવો, એ સિવાય તમારા બાળકોને સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અને વધુ સમય બહાર ન જવા માટે કહો. તમારા બાળકોને સમજાવો કોરોના કોઈ સામાન્ય બીમારી નથી, કોરોના ખુબ જ ગંભીર માનવામાં આવે છે. તેથી કોરોના પ્રત્યે વધુ સજાગ રહેવું જરૂરી છે.

એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી લહેરમાં રાજ્યમાં 22 શહેરોમાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી અને રિકવરી રેટ પણ હવે 98.69 ટકાએ પહોંચી ગયો છે ત્યારે કોરોનાનાં નવા 31 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી તો એક જ દિવસમાં 113 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10 હજાર 74 લોકોને કોરોના ભરખી ગયો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં હાલ 719 એક્ટિવ કેસ છે. તો નાજુક સ્થિતિના કારણે 6 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 713 દર્દીની હાલત સ્થિર છે.. મહાનગરોમાં પણ કોરોનાની રફતાર ધીમી પડી છે. અમદાવાદમાં 9, સુરતમાં 5, વડોદરામાં અને રાજકોટમાં 1- 1 નવા કેસ નોંધાયા છે.

દેશમાં પણ વધી રહ્યો છે કોરોના

દેશમાં સતત કોરોના માથું ઉંચકી રહ્યો છે ત્યારે ડેલ્ટા વેરિઅન્ટ સક્રિય બન્યો છે અને તે મોટી વ્યક્તિઓની સાથે નાના બાળકોને પણ શિકાર બનાવી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં 43000થી વધારે કેસ આવ્યા છે અને 640 મોત થયા છે. જેના કારણે સતત સરકારની ચિંતા વધી છે. આ સાથે ત્રીજી લહેરની આશંકાને લઈને પણ તંત્ર તૈયારીઓ શરૂ કરી ચૂક્યું છે પણ કોરોના હાર માની રહ્યો નથી.