પાકિસ્તાન સેનાની મોટી ચૂક, પોતાની જ મિસાઈલ થઇ ગઈ બેકાબુ; થઇ ગયો મોટો ધમાકો

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટ શહેરમાં પાકિસ્તાન આર્મીના હથિયારોના વેરહાઉસમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટો બાદ મિલિટરી બેઝની અંદર આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટોનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ વિસ્ફોટો અંગે પાકિસ્તાન સેના તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. આ ઘટનાના વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ફટાકડાની જેમ બોમ્બ ફૂટી રહ્યા છે. ઘણા શેલ આસપાસના વિસ્તારમાં જતા પણ જોવા મળે છે.

પાકિસ્તાની અખબાર ડેઈલી મિલાપના સંપાદક ઋષિ સૂરીએ ટ્વીટ કર્યું કે સિયાલકોટના સૈન્ય મથકમાં અનેક વિસ્ફોટ થયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે હથિયારોનો સંગ્રહ વિસ્તાર છે. બધે જ જ્વાળાઓ દેખાય છે. ઘટનાના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. કેટલાક સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન સેનાએ આ ઘટના પર પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના આર્મી મિસાઈલ PL-15ના ટેસ્ટ દરમિયાન થઈ હતી. તમને જણાવી દઈએ કે આ પરીક્ષણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું અને આ મિસાઈલ સિયાલકોટમાં બેકાબૂ થઈ ગઈ.

દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ વિદેશી વસ્તુ પહેલા પાકિસ્તાની સેનાના સિયાલકોટ ઓર્ડનન્સ ડેપો પર પડી હતી, ત્યારબાદ તેમાં આગ લાગી હતી. ઓર્ડનન્સ ડેપોમાં એક પછી એક અનેક વખત બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. લોકો ઘરની બહાર આવી ગયા અને ઘટનાની જાણકારી મેળવવા લાગ્યા. સિયાલકોટનો કેન્ટોનમેન્ટ વિસ્તાર પાકિસ્તાન આર્મીના સૌથી જૂના સૈન્ય મથકોમાંથી એક છે. તે સંપૂર્ણપણે શહેરને અડીને છે. તે વર્ષ 1852 માં બ્રિટિશ ભારતીય સેના દ્વારા બનાવવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, મિલિટરી બેઝમાં દારૂગોળો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આ દારૂગોળાની હાજરીને કારણે ત્યાં સતત અનેક વિસ્ફોટો સંભળાય છે.