આજની પોઝિટિવ સ્ટોરી: એક આદર્શ માતા, એક આદર્શ નાગરિક, એક આદર્શ પરિવારજન, એક આદર્શ માણસ, આ વાત છે તૃપ્તિબહેન પટેલની

એક આદર્શ માતા, એક આદર્શ નાગરિક, એક આદર્શ પરિવારજન, એક આદર્શ માણસ…આ વાત છે તૃપ્તિબહેન પટેલની.

આજના સમયકાળની અનેક વિશેષતાઓની સામે કેટલીક મર્યાદાઓ પણ છે. મોટી મર્યાદા એ છે કે આપણે સેલિબ્રિટીને પૂજનારો સમાજ ઊભો કરી દીધો છે. દેશના કરોડો લોકો સેલિબ્રિટીને જાણ્યે-અજાણ્યે અનુસરે છે. એ બધી સેલિબ્રિટી સાચી, સ્વસ્થ અને માનવીય અભિગમવાળી હોય તો વાંધો નથી, પરંતુ જો તે કેટલાંક ક્ષેત્રોની જ હોય તો અનેક મર્યાદાઓ ઊભી થાય છે.

ખરેખર તો આપણી આજુબાજુમાં સરસ રીતે જીવન જીવતા લોકોમાંથી પ્રેરણા લેવાનું મન થાય તેવી સેલિબ્રિટી ઘણી હોય છે. આપણી નજર તેમના પર પડતી નથી. આવી સેલિબ્રિટીને આપણે ઓળખવી જોઈએ અને તેમનું અભિવાદન કરવું જોઈએ.

આજે હું તમને એવી જ એક વ્યક્તિની વાત કરવા માગું છું. એમનું નામ છે તૃપ્તિબહેન પટેલ. હું વર્ષોથી તેમને ઓળખું છું. એક આદર્શ માતા કેવી હોય તેનું તેઓ જીવંત ઉદાહરણ છે.

એમનો ટૂંકો પરિચય મેળવીએ.

20મી જૂન, 1975નાં રોજ તેમનો માંડલમાં જન્મ. માતાનું નામ રશ્મિબહેન અને પિતાનું નામ અશ્વિનકુમાર કારિયા. અશ્વિનકુમાર નામાંકિત વ્યક્તિ છે. તેમના નામે ઘણાં પુસ્તકો બોલે છે. અભ્યાસી લેખક છે. તેમણે કાયદા વિષયનાં 80 થી 85 પુસ્તકો લખ્યાં. તેઓ પહેલાં ગોધરામાં કાયદાની કોલેજમાં પ્રિન્સિપાલ હતા. 2002થી તેઓ પાલનપુરમાં પ્રિન્સિપાલ થયા. 2008માં નિવૃત્ત થયા. જોકે, કોલેજમાં ડાયરેક્ટર તરીકે ચાલુ રહ્યા છે. હવે તેઓ અમદાવાદમાં રહે છે. અશ્વિનકુમાર કારિયા રેશનાલિસ્ટ છે. વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવન જીવવું જોઈએ તેવું તેઓ માને છે. લેખક છે અને કર્મશીલ પણ છે.

આવા પિતાની દીકરી, પૂર્વીબહેને બી.એસ.સી. બી.એડ. કર્યા પછી એલએલબી પણ કર્યું છે. તેઓ સંગીત વિષયમાં વિશારદ થયાં છે. એ પછી તેઓ યોગ શિક્ષક પણ બન્યાં. આદર્શ અમદાવાદ સંસ્થા સાથે સંકળાયેલાં છે. આ સંસ્થાનો ખૂબ જાણીતો અભ્યાસક્રમ ટીઓટી (ટ્રેનિંગ ફોર ટીચર) પણ તેમણે કર્યો છે. આવું તો તેઓ ઘણું ભણ્યાં છે.

પાલનપુરમાં પોતાના ઘરની સામે રહેતા યુવક સંજય પટેલની સામે પડવાને બદલે તેમણે સાથે રહેવાનું નક્કી કર્યું. પ્રેમલગ્ન કર્યું. એ પછી તેઓ અમદાવાદ રહેવા આવ્યાં. તેમના જીવનસાથી સંજયભાઈ એડવોકેટ છે. જીવનને સાર્થક રીતે જીવવાની તૃપ્તિબહેનની વિચારસરણી સાથે તેઓ પૂર્ણપણે સંમત છે. તેઓ પણ અભિનંદનના અધિકારી છે કારણ કે, તેઓ તૃપ્તિબહેનને સામાજિક કાર્યોમાં ખડેપગે અને ભરેલા હૃદયે સાથ આપે છે. કોઈકે સાચું જ કહ્યું છે કે, દરેક સફળ સ્ત્રીની પાછળ એક સમજદાર પતિનો હાથ હોય છે.

તૃપ્તિબહેન આદર્શ માતા છે. પોતાના દીકરા ઓમને તેમણે માતૃભાષા ગુજરાતીમાં જ શિક્ષણ અપાવ્યું છે. અત્યારે ઓમ પટેલ દસમા ધોરણમાં આવ્યો છે. તે અમદાવાદ શહેરની જાણીતી શાળા શ્રેયસ ફાઉન્ડેશનમાં ભણી રહ્યો છે. 2018 સુધીમાં તો તેણે 2000થી વધુ પુસ્તકો વાંચ્યાં હતાં. તબલાં શીખે છે. વડનગરમાં યોજાયેલા તાનારીરી મહોત્સવમાં 30 મિનિટમાં 30 તાલ વગાડીને જે વિશ્વવિક્રમ થયો હતો તેમાં ઓમ પણ એક તબલચી હતો.

તૃપ્તિબહેને એન્કરિંગનો કોર્સ પણ કર્યો છે. અમદાવાદ આકાશવાણી પેનલમાં તેઓ સભ્ય હતાં. ઘણા લોકો જાણતા હશે કે સનદી અધિકારી હસમુખભાઈ પટેલ વર્ષોથી પેરેન્ટિંગની પ્રવૃતિ ચલાવે છે. તૃપ્તિબહેન તેમની સાથે સંકળાયેલાં છે, સક્રિય છે. એક આદર્શ માતાને આદર્શ માતા-પિતાના ઘડતરનું કામ કરવાનો અધિકાર છે.

તૃપ્તિબહેનને મેં વર્ષોથી પાકી અને પૂરી પ્રતિબધ્ધતા સાથે કામ કરતાં જોયાં છે. અમદાવાદ મહાનગર પાલિકાના પુસ્તક મેળામાં તેઓ નિયમિત રીતે ઓમને લઈને આવતાં હતાં. તેમનું માનવું છે કે સમાજમાં અત્યારે પેરેન્ટિંગની ખૂબ જરુરિયાત છે. હવે માતા-પિતા એક જ બાળક કરે છે અને પછી તેની પાસેથી ખૂબ અપેક્ષા રાખે છે. અત્યારના ખાસ કરીને શહેરમાં રહેતાં બાળકો પોતાનું બાળપણ માણી શકતા નથી તેનો તૃપ્તિબહેનને વસવસો છે. તેઓ વસવસો કરીને બેસી રહેવાને બદલે પોતાનાથી થાય તેટલું કામ પણ કરી રહ્યાં છે. આ બહું મોટી વાત છે. દરેકે પોતાનાથી થાય તેટલું કામ કરવું જોઈએ.

તૃપ્તિબહેનની સાથે આપણે તેમનાં માતા-પિતા રશ્મિબહેન અને અશ્વિનકુમારને વંદન કરીએ કે તેમણે આવી દીકરીને જન્મ આપ્યો. તેમનાં જીવનસાથી સંજયભાઈને પણ બિરદાવીએ કે તેમણે પૂરો સહયોગ આપ્યો.

આવાં આદર્શ માતા, આદર્શ દીકરી, આદર્શ જીવનસાથી અને જવાબદાર નાગરિક તથા સાચુકલાં માણસ તૃપ્તિબહેનને નિરામય દીર્ઘાયુ આપે જેથી તેઓ સમાજ માટે સતત કામ કરતા રહે. તેમનો સંપર્ક નંબર 9825992211 છે.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત