આજની પોઝિટિવ સ્ટોરી: ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય થકી વૈચારિક ઘડતર મેળવીને આઈઆરએસ માં સફળ થનારી ગુજરાતી યુવતી: વિમલ શાહ

ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય થકી વૈચારિક ઘડતર મેળવીને આઈઆરએસ (ઈન્ડિયન રેવન્યુ સર્વિસ)માં સફળ થનારી ગુજરાતી યુવતી : વિમલ શાહ

Assistant Commissioner of Service Tax and Central Excise – Kheda District નાં વિમલ શાહ છેલ્લાં 3 વર્ષથી ગુજરાતનાં વહીવટી ક્ષેત્રમાં ફરજ બજાવી રહ્યાં છે. તાજેતરના જીએસટી બિલ પસાર થયું તેની પ્રક્રિયામાં જ સક્રિય રહેલાં વિમલ શાહ કહે છે કે જીએસટી આવવાથી દેશની આર્થિક પરિસ્થિતિમાં બહું મોટું રચનાત્મક પરિવર્તન આવશે.

ગરીબ પરિવારમાંથી આવતાં વિમલબહેને ગુજરાતી ભાષાના પ્રેમને બરકરાર રાખી, ગુજરાતી સાહિત્યને વિષય તરીકે પસંદ કરીને પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. તેમના પિતાજી મોહનભાઈ ચાવડા રાષ્ટ્રપ્રેમી છે. જો સનદી અધિકારી તરીકે કામ કરવાની તક મળે તો દેશ માટે કશુંક નક્કર કામ કરી શકાય તેવી ભાવના સાથે વિમલબહેને ડોક્ટર બનવાની તક જતી કરીને સનદી સેવામાં આવવાનું પસંદ કર્યું છે. જો વિમલબહેનની સફળતા પર નજર નાખીએ તો ગુજરાતની લાખો બહેનોને તેમાંથી પ્રેરણા મળે તેમ છે.

યુપીએસસી પાસ કરીને ઈન્ડિયન રેવન્યુ સર્વિસમાં ફરજ બજાવવાની તક ઝડપીને વિમલબહેન અત્યારે ખેડા જિલ્લામાં પોતાનો કાર્ય ભાર સંભાળી રહ્યાં છે. મૂળ ધંધુકા બરવાળા ગામમાં વિમલનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો. પિતા મોહનભાઈ ચાવડા લેબર કોર્ટના વકીલ છે, જ્યારે માતા હિરલબેન આદર્શ અને આદર્શ ગૃહિણી અને પ્રેમાળ માતા છે. દસમાં ધોરણમાં ૯૧% માર્કસ આવતાં બધાની ઈચ્છા વિમલબહેનને ડોક્ટર બનાવવાની હતી.

તે આશયથી એ ગ્રુપ લઈને બાયોલોજી વિષય ભણ્યાં. જો કે વિમલબહેનની ઈચ્છા કંઈક જુદી જ હતી. એમને ડોક્ટર બનવું નહોતું, પરંતુ મન લગાવીને ભણ્યાં. બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું અને એમબીબેસ પ્રવેશ માટે પિતા પાસે ગયાં. એમબીબીએસ માટે અમદાવાદની વીએસમાં એક જ સીટ બચી હતી. વિમલને પૂછવામાં આવ્યું કે પ્રવેશ લેવો છે ? વિમલે જવાબ આપ્યો મારે ડોક્ટર નથી બનવું. એ દિવસ યાદ કરતાં વિમલ કહે છે એમબીબીએસમાં પ્રવેશ ન લેવો તે નિર્ણય મારો હતો. જીવનમાં પહેલી વાર મેં નિર્ણય લીધો હતો અને અમે ઘરે આવ્યાં. પપ્પાને જરાક ગમ્યું નહોતું, પણ મારા મક્ક્મ નિર્ણય સામે તેઓ કંઈ બોલ્યા નહીં. મને પૂછ્યું પણ નહીં કે હવે શું કરીશ ? એ પછી તેમણે જ સૂચવ્યું કે ફાર્મસીમાં પ્રવેશ લઈ જીપીએસસીની તૈયારી કરો. જીપીએસસીની વાત સાંભળી મને પણ રસ પડ્યો. મેં ફાર્મસીમાં પ્રવેશ લઈને ભણવાનું આગળ વધાર્યું.

જીપીએસસીની તૈયારી માટે હું માનસિક રીતે તૈયાર થઈ, પરંતુ મને એવું થયું કે જીપીએસસીની પરીક્ષા ને બદલે યુપીએસસીની પરીક્ષા આપું તો કેવું ? ફાર્મસીના ત્રીજા વર્ષથી યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ મેં શરૂ કરી દીધી. એમબીબીએસ એટલે કે ડોક્ટર ન બનવાનો નિર્ણય મારો હતો એટલે હવે મારે મારી જાતને સાબિત કરી બતાવવાની હતી, અને હું એ માટે તનતોડ મહેનત કરવા તૈયાર હતી.

ફાર્મસી ભણવાનું પૂરું થયા પછી ૨૦૧૨માં જુલાઈમાં ‘સ્પીપા’માં પ્રવેશ પરીક્ષા આપી અને મને તેમાં પ્રવેશ મળી ગયો. ઈતિહાસ, ભારતીય બંધારણ, અર્થશાસ્ત્ર અને ગુજરાતી સાહિત્ય વગેરે વિષયો મારે ભણવામાં આવતા હતા. મને વાંચનનો નાનપણથી જ ખૂબ શોખ હતો. જ્યારે ઈતિહાસ મારો ગમતો વિષય. યુપીએસસીની પરીક્ષા આપવામાં મારાં રસ, રુચિ વધી ગયાં. હું દિવસના આશરે ૧૩-૧૪ કલાક વાંચતી. મારી સાથે મારા મિત્રો પણ મહેનત કરતા. એક વર્ષ માટે મેં જાણે કે સંસારી સન્યાસ લઈને માત્ર ને માત્ર યુપીએસસીમાં પાસ થવાને જ મારો ધ્યેય બનાવ્યો હતો.

હું તો મારી રીતે મહેનત કરતી, પરંતુ મારા માતા-પિતાએ પણ મને એ માટે ખૂબ જ સહયોગ આપ્યો હતો. ‘સ્પીપા’ મારા ઘરથી ૧૨ કિમીના અંતરે આવેલું છે. મારાં મમ્મી મને બન્ને ટાઈમ જમવાનું મોકલતાં. એ મારા માટે ખૂબ મોટી વાત હતી. પપ્પાની નેગેટિવીટી મને મોટીવેટ કરતી. જેમ કે, પપ્પા કહેતા કે યુપીએસસીમાં પાસ થયેલાનાં મોઢાં જોયાં છે ? પપ્પા જ્યારે આવું બોલતા ત્યારે મને ગમતું નહીં. આજે એવું લાગે છે કે પપ્પાની એ વાતથી જ હું તીવ્રતાથી યુપીએસસી માટે એકાગ્ર થઈ. હું સફળ થવું તે માટે જ પપ્પા મને આ રીતે તૈયાર કરતા હતા.

યુપીએસસીની પ્રિલિમનરી પરીક્ષા તેમણે અંગ્રેજી ભાષામાં આપી હતી, પરંતુ મુખ્ય પરીક્ષામાં પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખ્યા હતા.

ધોરણ એકથી બાર સુધી ગુજરાતી માધ્યમમાં ભણેલી વ્યક્તિ યુપીએસસીમાં પ્રથમ પ્રયાસમાં જ પાસ થઈ જાય તેની નવાઈ લાગે. મેં આ અંગે પૂછ્યું કે એક થી બાર ધોરણ ગુજરાતી માધ્યમમાં ભણ્યા પછી યુપીએસસીની પરીક્ષા વખતે કઈ તકલીફ પડી હતી ? તેમણે જવાબ આપ્યો કે હું ગુજરાતી માધ્યમમાં ભણી, પરંતુ મારું અંગ્રેજી પહેલેથી જ સારું હતું. જેનો શ્રેય મારા શિક્ષકોને આપવો જોઈએ. એકથી છ ધોરણ હું સી.એન.માં ભણી. જ્યાં જ્યોતિબહેન મારા શિક્ષિકા હતા. સાતમા ધોરણથી હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ સુભાષબ્રીજ પાસે આવેલી વસંત હાઈસ્કૂલમાં થયું. ત્યાં કાન્તાબહેન મારા શિક્ષિકા હતા. મને લાગે છે કે આ બન્ને શિક્ષિકાઓએ મારા અંગ્રેજી ભાષાના શિક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

આપણી ગુજરાતી માધ્યમમાં ભણેલી, પ્રથમ પ્રયાસમાં સનદી અધિકારી તરીકે પસંદ થયેલી આ યુવતીને આદર્શ બનાવીને ગુજરાતની સેંકડો યુવતીઓ યુપીએસસીમાં સફળ થઈ શકે.

આલેખન : અનિતા તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત