પોરમાં આવેલા બળિયાદેવના મંદિરમાં નથી શિખર, લોકોને છે અપાર શ્રદ્ધા અને પૂરી થાય છે તમામ મનોકામના

વડોદરાથી લગભગ વીસેક કિલોમીટરના અંતરે વડોદરા અને કરજનની વચ્ચે પોર નામનું નાનકડું ગામ આવેલું છે, જ્યા આ જાણીતું બળિયાદેવનું મંદિર છે. ઘણા એવા દેવતાઓ છે જેમના મંદિર બહુ ઓછા જોવા મળે છે અને બળિયાદેવનું આ મંદિર પણ એમાંથી જ એક છે.

પોરમાં આવેલું બળિયાદેવનું આ મંદિર બે સદી કરતા પણ વધુ જૂનું છે, અને નવાઈની વાત એ છે કે આ મંદિરને માથે શિખર જ નથી. શીખરને સ્થાને ફક્ત પોલાણ છે અને એમાં વાંદરાઓના આતંકથી બચવા માટે ફક્ત પિત્તળની જાળી લગાવેલી છે.

એવું કહેવામાં આવે છે કે જેટલી વાર આ મંદિરનું શિખર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું એટલી વાર મંદિરનો એ ભાગ તૂટી જતો હતો. ત્રણ વખત આ શિખર બનાવવામાં આવ્યું અને ત્રણ વખત એ તૂટી ગયું હતું. ચોથી વખત જ્યારે એનું શિખર બનાવવામાં આવ્યું ત્યારે બળિયાદેવે પૂજારીને સપનામાં આવીને કહ્યું હતું કે મારે ખુલ્લામાં જ રહેવું છે. એટલે જ્યારે પણ તમે શિખર બાંધશો ત્યારે હું એ તોડી નાખીશ.

પ્રાચીનકાળમાં આ સમગ્ર વિસ્તાર હિડંબા વન તરીકે ઓળખાતો હતો. હીડંબા અને ભીમના પુત્ર ઘતોટકચે કટંકટા નામની દાનવ કન્યા સાથે લગ્ન કર્યા હતા અને એમના તેજસ્વી પુત્ર એટલે બળિયાદેવ.

કહેવાય છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ બળિયાદેવનું માથું સુદર્શનચક્રથી છેદી નાખ્યું હતું અને ત્યાર બાદ એમની પોર ગામે આવીને સ્થાપના કરી હતી. અને ત્યારથી બળિયાદેવ પોરમાં બિરાજમાન છે.

રવિવારે આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. લોકો ક્યાંને ક્યાંથી બળિયાદેવના દર્શન કરવા આવે છે. અહીંયા ચૈત્ર મહિનામાં પણ ભારે ભીડ જામે છે. ચૈત્ર મહિનામાં બળિયાદેવના આ મંદિરે ભક્તો ટાઢું ખાવા માટે આવે છે, લોકોનું માનવું છે કે અહીંયા આવીને ટાઢું ખાવાથી નિરોગી રહેવાય છે.

અછબડા, શીતળા જેવા રોગો થયા હોય ત્યારે લોકો બળિયાદેવની બાધા રાખે છે અને દરેક ભક્તોનો અનુભવ છે કે એમની બાધા ફળે છે. બળિયાદેવ કોઈને નિરાશ નથી થવા દેતા. આ ઉપરાંત બાળક બોલતું ન થયું હોય તો બળિયાદેવને ચાંદીની જીભ, ચાલતું ન થયું હોય તો ઘોડો ચડાવવાની બાધા રાખે છે.

તમને જણાવી દઈએ કે પોરમાં આવેલા આ બળિયાદેવ મંદિરના પાછળના ભાગમાં ભક્તો શાંતિથી બેસીને ટાઢું જમી શકે એ માટે સરસ બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. દર રવિવારે અહીંયા મેળો ભરાયો હોય એવો માહોલ જોવા મળે છે. પોર ગામ આમ ઘણું નાનું છે પણ બળિયાદેવના મંદિરના કારણે જાણીતું થઈ ગયું છે.