સ્પાયસી ચનાદાલ દુધી કરી – ઘરમાં જો કોઈને દૂધીનું શાક ખાવું પસંદ નથી તો આ રીતે બનાવજો બધાને ખુબ પસંદ આવશે..

સ્પાયસી ચનાદાલ દુધી કરી…

ખૂબજ પૌષ્ટિક કઠોળ તરીકે જાણીતા ચણામાંથી પ્રોસેસ કરીને તેની ફોતરા વગરની દાળ બનાવવામાં આવે છે. ચણાની દાળ પણ એટલીજ પૌષ્ટિક છે. આ દાળમાંથી પણ અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. ચણાની દાળને ફ્રાય કરીને તેમાંથી ચણાદાળ નમકીન બનાવવામાં આવે છે. તે નાસ્તામાં લઈ શકાય છે, ઉપરાંત ચેવડા વગેરેમાં મિક્ષ કરવામાં આવતી હોય છે. ચણાની દાળને પલાળીને ગ્રાઇંડ કરીને તેમાંથી ભજીયા ઢોકળા વગેરે બનવવામાં આવતા હોય છે.

ચણાનો લોટ દળાવીને તેમાંથી પણ ગાંઠિયા, સેવ, તીખી બુંદી, ભજીયા, ઢોકળા, પુડલા, કઢી, ભરેલા શાક માટેનો મસાલો બનાવવામાં આવે છે. ઉપરાંત તેમાંથી અનેક પ્રકારની સ્વીટ વાનગીઓ બનાવવામાં આવે છે, જેવાકે મેસુબ, બુંદી, મોહનથાળ, મગજ, બેસનના લાડુ વગેરે… જે પ્રસંગોપાત બનવાય છે ઉપરાંત ધાર્મિક ઉત્સવોમાં પ્રસાદ તરીકે ભગાવાનને પણ ધરાવવામાં આવતા હોય છે.

ચણાની દાળને બીજા શાક કે ભાજીઓમાં ઉમેરીને તેના સ્પાયસી શાકો કે દાળ પણ બનાવવામાં આવે છે.

જેમકે દાલ પાલક, દાલ પકવાનની દાળ કરી, દાળ – ડુંગળી વગેરે ખૂબજ સ્વાદીષ્ટ વાનગીઓ બધાના ઘરમાં બનતી વાનગીઓ છે.

હું અહીં આજે ખૂબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવી સ્પાયસી ચનાદાલ દુધી કરી ની રેસિપિ આપી રહી છું, તે ખૂબજ જલ્દી બની જાય છે. તો તમે પણ તમારા રોજીંદા જમણમાં રોટલી, પરોઠા કે પુરી સાથે ચોક્કસથી બનાવીને ટેસ્ટ કરજો અને ઘરના બધા લોકોને પણ પીરસજો. આમેય ઘણા લોકોને દુધી ખૂબજ હેલ્થ માટે આરોગ્યપ્રદ હોવા છતા દુધીનું પ્લેઇન શાક ભાવતું હોતું નથી. તો ચણાદાલ સાથેના કોમ્બિનેશનથી દુધી પણ ટેસ્ટી લાગશે. સ્પાયસી હોવાથી ખાવા પણ લાગશે.

સ્પાયસી ચનાદાલ-દુધી કરી બનાવવા માટેની સામગ્રી :

  • ½ કપ ચણાની પલાળ્યા વગરની દાળ
  • 1 ½ કપ નાના સમારેલા દુધીના પીસ
  • 2 મોટી ઓનિયન
  • 2 મોટા ટમેટા

સૌ પ્રથમ 1-2 કલાક અગાઊ ચણાની દાળ 2-3 વખત પાણીથી ધોઈને તેનાથી ડબલ હુંફાળું પાણી લઈને પાલાળી લ્યો.

ત્યારબાદ દુધીને છોલીને બારીક ટુકડામાં સમારી લ્યો.

હવે 2 ઓનિયનને છોલીને મોટા ટુકડા કરીને તેને ગ્રાઇંડ કરીને પેસ્ટ બનાવી લ્યો.

2 ટમેટાના મોટા પીસ કાપી તેને પણ ગ્રાઇંડ કરી પ્યુરી બનાવી લ્યો.

સાથે મરચા લસણની પેસ્ટ પણ બનાવી લ્યો.

ચણાની દાળ બરાબર પલળી જાય એટલે ચાળણીમાં મૂકી તેમાંથી પાણી કાઢી નિતારી લ્યો.

કરી તડકા માટેની સામગ્રી :

  • ½ ટી સ્પુન રાઈ
  • ½ ટી સ્પુન આખુ જીરુ
  • ¼ ટી સ્પુન હિંગ
  • 3 લવિંગ
  • 3-4 આખા મરી
  • 10-15 આખા ધાણા
  • 2-3 નાના પીસ તજ
  • 1 તમાલપત્ર
  • 1 સૂકુ લાલ મરચુ
  • 1 બાદિયાનનુ ચક્ર
  • 8-10 કરી પત્તા
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટી સ્પુન કાશ્મીરી મરચુ લાલ પાવડર
  • ½ ટી સ્પુન તીખુ લાલ મરચુ પાવડર
  • સ્વાદ મુજબ મીઠુ
  • 1 ટેબલ સ્પુન લીલા મરચા–લસણની પેસ્ટ
  • 1 ટેબલસ્પુન ગોળ
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • ½ લેમનનું જ્યુસ
  • ગાર્નિશિંગ માટે
  • ઓનિયનની પાતળી રિંગ્સ
  • કોથમરી – બારીક કાપેલી
  • મીઠા લીમડાની સ્ટ્રીંગ
  • ઓનિયન – ટમેટાના નાના પીસ
  • હાફ લેમન
  • બાદિયાનનું 1 ચક્ર
  • ½ પિંચ લાલ મરચુ પાવડર સ્પ્રિંકલ કરવા માટે

હવે કુકર લઈ તેમાં 3 ટેબલ સ્પુન ઓઇલ ગરમ મૂકો. વઘાર કરવા જેટલું ઓઇલ ગરમ થાય એટલે તેમાં ½ ટી સ્પુન રાઈ, ½ ટી સ્પુન આખુ જીરુ ઉમેરો. જરા તતડે એટલે તેમાં ત્યારબાદ તેમાં 3 લવિંગ, 3-4 આખા મરી, 10-15 આખા ધાણા, 2-3 નાના પીસ તજ, 1 તમાલપત્ર, 1 સૂકુ લાલ મરચુ, 1 બાદિયાનનું ચક્ર, 8-10 કરી પત્તા ઉમેરી સાંતળો. લવીંગ ફુલી જાય ત્યાં સુધી સાંતળો.

ત્યારબાદ તેમાં ¼ ટી સ્પુન હિંગ અને ½ ટી સ્પુન હળદર ઉમેરો.

હવે તેમાં 2 ઓનિયનની બનાવેલી પેસ્ટ ઉમેરો. તડકા સાથે બરાબર મિક્ષ કરી હાફ કૂક કરો.

ત્યારબાદ તેમાં બનાવેલી ટમેટાની પ્યુરી ઉમેરી બરાબર મિક્ષ કરી કૂક થવા દ્યો.

સાથે હવે તેમાં 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન તીખુ લાલ મરચુ પાવડર, સ્વાદ મુજબ મીઠુ, 1 ટેબલ સ્પુન લીલા મરચા –લસણની પેસ્ટ, 1 ટેબલસ્પુન ગોળ અને ½ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરો.

ત્યારબાદ તેમાં 1 ½ કપ નાના સમારેલા દુધીના પીસ અને પલાળેલી ચણાની દાળ ઉમેરી મિક્ષ કરી લ્યો.

મિડિયમ ફ્લૈમ પર 1-2 મિનિટ કુક થાય એટલે તેમાં ¾ કપ પાણી ઉમેરો. સ્પુન વડે સરસથી મિક્ષ કરી લ્યો.

હવે કુકરનું ઢાંકણ બંધ કરી 4 વ્હિસલ કરી કૂક કરો.

કુકર ઠરે એટલે ઢાંકણ ખોલી વરાળ નીકળી જાય એટલે તેમાં 1 ટેબલસ્પુન બારીક સમારેલી કોથમરી અને ½ લેમનનો જ્યુસ ઉમેરો.

હવે બનેલ ગરમા ગરમ સ્પાયસી ચનાદાલ દુધી કરી સર્વ કરવા માટે રેડી છે.

હવે તેને ગાર્નિશ કરવા માટે એક બાઉલમાં સર્વ કરીને ઉપર ઓનિયનની પાતળી રીંગ્સ મૂકો.

તેના પર એક ટમેટાની રિંગ મૂકી કોથમરી મૂકી તેના પર બાદિયાનનું એક ચક્ર મૂકો.

બાઉલને પ્લેટમાં મૂકી મીઠા લીમડાની સ્ટ્રીંગ, હાફ કરલું લેમન, ઓનિયન અને ટમેટાના નાના પીસ ઉપર જરા લાલ મરચુ પાવડર સ્પ્રિંકલ કરી લેવું અને બારીક સમારેલી થોડી કોથમરીથી પ્લેટને પણ ગાર્નિશ કરો.

હેલધી, ટેસ્ટી એવી આ ગરમા ગરમ સ્પાયસી ચનાદાલ દુધી કરી ગરમા ગરમ રોટલી, ભાખરી, પરોઠા, પુરી તેમજ રાઇસ સાથે પણ સર્વ કરી શકાય.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.