દેવીકાની વિટંબણા – ત્રણમાંથી એકાદ છોકરી જો ઘેર ના હોય ત્યારે દેવિકાની નજર રસ્તા પર જ હોય પણ…

ધનસુખરામના ઘરથી નજીક હોમિયોપેથીક કોલેજ. આ કોલેજમાં ભણતા ઓળખીતાના બે છોકરાઓને દેવિકાએ પેઇંગ ગેસ્ટ તરીકે જમાડવાનું ચાલુ કરેલું તો ધીમે ધીમે બેમાંથી દસ છોકરા જમવા આવતા થઈ ગયા. આમ દેવીકાને તો એક ધંધો મળી ગયો. જે વિદ્યાર્થીઓ જમવા આવતા તે સુખી ઘરનાને સંસ્કારી છોકરાઓ હતા. તેમ છતાં આખો મહેલ્લો ચીરીને આ અજાણ્યા છોકરા ફળિયામાં સવાર સાંજ આવે તેના સામે મહેલ્લાની કેટલીક સ્ત્રીઓને વાંધો હતો. એકાદ બે સ્ત્રીઓએ દેવીકાને સલાહ પણ આપી કે તારે ઘેર ત્રણ ત્રણ દીકરીઓ છે તો આ દારૂ ને દેતવા એક સાથે ના પાલવે તું આના કરતાં કોઈ બીજો ધંધો શોધી લે. પણ મજબુર દેવિકા પાસે ધંધાનો બીજો કોઈ વિકલ્પ ના હતો.

ધનસુખરામ હયાત હતા ત્યારે નામું લખીને ઘર ચલાવતા. દેવિકા કરકસર કરીને ખર્ચ કાઢતાં થોડી બચત કરી લેતી. એમાં મોટી કુસુમની ભરત-ગૂંથણની આવક પણ ભળતી એટલે એના કરિયાવર ને લગ્ન ખર્ચ જેટલી રકમ તો એણે જમા કરી લીધેલી. બસ હવે એ એની પુત્રીનાં લગ્નની રાહ જોવામાં પડી હતી. કુસુમ બારમું ભણેલી ને ઘરકામને ભરત ગૂંથણમાં નિપુણ એટલે વહેલામોડું તેના જોગ કોઈ ઘર મળી રહેશે તેવાં સપનાં જોતી ને મમ્મીને ઘરકામમાં મદદ કરતી.

image source

કુસુમ મોટી હતી પણ વરસ ખાઈ ગયેલી.એના શરીરનો બાંધો એવો કે એનાથી ત્રણ વરસ નાની નેન્સી કરતાં એ નાની દેખાતી હતી. ઘણાં તો નેન્સીને મોટી ને કુસુમને નાની સમજતાં હતાં. નાની ઠીક ઠીક કાઠું કાઢી ગઈ હતી ને મોટી કરતાં વધુ દેખાવડી પણ હતી. નેન્સીનાં તો એક બે માગાં પણ આવી ગયેલાં. પણ એની કોલેજ ચાલુ હોવાનું બહાનું બતાવી દેવીકાએ સગપણ માટે કુસુમને આગળ ધરેલી. પરંતુ સામેવાળાં ફરી પૂછવા આવેલાં જ નહીં.

સબંધ થઈ જાય તો હાલ બેયનાં લગ્ન કરી શકાય તેમ હતું. એમાંય કુસુમને તો બાવીસમું વર્ષ ચાલતું હતું ને કોઈ માંગુ આવતું ના હતું એટલે દેવીકાનો જીવ કાયમ અધ્ધર તળે જ રહેતો. સૌથી નાની જુલી તો હજુ સ્કૂલમાં હતી આથી આવતાં ચાર-પાંચ વર્ષ સુધી તેની કોઈ ચિંતા ના હતી. કાળજા પર પથ્થર મૂકી દેવિકા સામે આવેલી પરિસ્થિતિનો સામનો કરી રહી હતી.

image source

ત્રણમાંથી એકાદ છોકરી જો ઘેર ના હોય ત્યારે દેવિકાની નજર રસ્તા પર જ હોય. એમાંય હમણાંથી નેન્સીના એક્સ્ટ્રા પિરિયડ વધવા લાગ્યા હતા ને તેને કોલેજથી આવવામાં ઘણી વખત મોડું થઈ જતું તેથી તેની ચિંતા રહેતી હતી. પાડોશીઓની નજર પણ તેના ઘર પર હોય. ઘરે કોણ આવે છે, કોણ બહાર જાય છે, કોણ પાછું ક્યારે આવે છે તેની જાસૂસી થતી હતી તે બધું તેની જાણમાં હતું જ.

દુબળી ગાયને બગાઈઓ ઘણી…. એ ન્યાયએ ધનસુખરામ એક રોડ અકસ્માતમાં કાળનો કોળિયો બની ગયા. ને દેવિકા નોંધારી થઈ ગયેલી આથી હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓને ઘરઘરાઉ જમાડવાનું ચાલુ કરેલું.

image source

જમવા આવવાવાળા વિદ્યાર્થીઓ ખાસ કરીને બે પાંચના જૂથમાં આવે. એ જમીને નીકળી જાય પછી બીજા બે ચાર જણ આવે. ક્યારેક કોઈ એકાદ જણને મોડું થઈ ગયું હોય તો બપોરના બે અઢી વાગી જાય. સાંજે તો પાંચથી સાત સુધીમાં બધા વારાફરતી આવીને જમી જતા.
જમવાની આઇટમ્સ, દાળભાત, શાક, આચર કે સલાડ સ્ટેન્ડ પર પડ્યું જ હોય બધા પોતપોતાની રીતે લઈ લે. એક માત્ર રોટલી બનાવીને ગરમ પીરસવાની રહેતી તે કામ મોટે ભાગે દેવિકા કરતી. ક્યારેક કોઈ વિદ્યાર્થી મોડો પડ્યો હોય તો દાળ ગરમ કરી આપવી પડે કે રોટલી ભાખરી કરવી પડે તો કુસુમ પણ કરી લેતી.

કોઈ વખત એવું બનતું કે દેવિકા બજારમાં કોઈ ખરીદી કરવા ગઈ હોય તો કુસુમ કે નેન્સી પણ રોટલી પીરસવાનું કે દળશાક ગરમ કરી આપવાનું કામ કરીને ગ્રાહક ને સાચવી લેતી. આમ તો બધા વિદ્યાર્થીઓ સમયસર આવીને જમી જતા પણ હિમાંશુ ને ક્યારેક વહેલુંમોડું થઈ જતું. આ હિમાંશુ બહુ ઓછાબોલો ને શરમાળ વિદ્યાર્થી.

image source

છોકરા સીધા ને સંસ્કારી. માસી માસી બોલી ને દેવીકાને ખુશ કરી દે. ગામડેથી આવતો મહેશ કોઈ વખત છાશની બરણી ભરી લાવતો તો વળી ક્યારેક ઘી ભરેલી બરણી લાવતો. છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હિમાંશુ તો વળી દર રવિવારે પોતાના ઘેર જાય ને સોમવારે શાક પાંદડાનો નો મોટો થેલો ભરીને લેતો આવે. આમ જમવા આવતા વિદ્યાર્થીઓ દેવીકાને મદદરૂપ બને ને દેવીકા પણ બધાને ખૂબ ભાવથી જમાડે.

બધું સમુસૂતર ચાલ્યુ જતું હતું છતાં દેવીકાનો જીવ બળયા કરે. નજીકના સગા મળી જાય તો એ કુસુમ માટે સારો છોકરો શોધી આપવાની કે કોઈ સારું ઘર બતાવવાની બિનચૂક વાત કરતી. જે સગાં મળે તે ઉપર છલ્લુ સારું લગાડે ને અંદરખાને આ રસોડું ચલાવવાના ધંધાને બધાં કમખોડતાં ને દેવીકાને શંકાની નજરે જોતાં.

image source

હોમિયોપેથીકના વિદ્યાર્થીઓને બહુ લાંબુ વેકેશન ના હોય. વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી. એક દિવસ એવું બન્યું કે હિમાંશુ સાંજે મોડે સુધી જમવા ના આવ્યો. નેન્સીને આવવાનો સમય પણ થઇ ગયો હતો. ઘરનાં બધાં રાહ જોઈ જોઈને થાક્યાં. નેન્સી મોડે સુધી ઘરે ના આવી. દેવીકાતો હાંફળી ફાંફાળી થઈ ગઈ. કોઈ નજીકનું સગુએ બાજુમાં ના હતું કે તેને વાત કરી શકાય. કોને કહીને તપાસ કરાવવી! નેન્સીનો મોબાઈલ પણ બંધ આવતો હતો. સૌથી નાની દીકરી જુલી પાસે હીમાંશુનો ફોન નંબર હતો. તેને ફોન લગાડી જોયો તો તેનો નંબર પણ બંધ આવતો હતો. મ્હેલ્લાવાળાને કોઈને વાત પણ વાત કરી શકાય તેમ ના હતું. દેવીકાને કોઈ કોઈ રસ્તો સૂઝતો ના હતો. મહોલ્લો તો રાતો રાત પામી ગયો હતો કે દારૂ ને દેતવા ભેગાં થઈ ગયાં.

સવાર પડતાં પડતાં તો આખો મહોલ્લો ગાજી ઊઠ્યો. ભારે દેકારો મચી ગયો. કાનાફુસી થવા લાગી. કોઈ કહે ,” સારું થયું લ્યો….! દેવીકાની એક ચિંતા તો ટળી… !”

કોઈ વળી બોલ્યું, ” આવો જમાઈ તો દેવીકા દીવો લઈ શોધવા ગઈ હોત તો પણ ના મળત. આ તો જાણે ભાવતું હતું ને વૈદે કીધું…!” દિવસભર મહોલ્લામાં ઓટલા પરિષદો ભરાતી રહી ને દેવિકાની વિટંબણા બાબતે મતમતાંતર ચાલતા રહયા. જેના ઘરમાં ઉંમરલાયક છોકરીઓ હતી તેમનો મત એવો હતો કે, “મહેલ્લામાંથી દેવીકાનું આ રસોડું બંધ થવું જ જોઈએ, નહીં તો કાલે તમારા ઘરમાં ધાડ પડશે.”

image source

આખો દિવસ ત્રણ જીવ ઘરમાં પુરાઈ રહયા. કોઈ ઘરની બહાર નીકળવાની હિંમત કરી શક્યું નહીં. રસોડું બંધ રહ્યું. કોલેજના બે છોકરા ડરતા ડરતા આવ્યા ને તેઓ હીમાંશુ ગૂમ હોવાની અધકચરી વાત કરીને નીચી નજરે વળતા થઈ ગયા. દેખાવમાં ને વાને પોતાના પર ગયેલી ને પહેલી જ નજરે બીજાને ગમી જાય તેવી નેન્સીને હિમાંશુ નામનો ભાવિ ડોકટર ભગાડી ગયો તેનો રાજીપો તો તે વ્યક્ત તો ના કરી શકી પણ સામે બેઠેલી મોટી કુસુમના નસીબને, દેવીકા કોષતી રહી. તેના મનમાં ગડમથલ ચાલી રહી હતી કે, ‘ ભલે નેન્સી ગઈ તો ગઈ પણ હવે આ કુસુમનું પૂછવા કોણ આવશે ? ઉપરથી સગાં સંબંધીઓ જાત જાતના સવાલો પૂછી પૂછીને તેનો ધાણ કાઢી નાખશે’

તેને એ પણ ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે ‘રસોડું ચલાવવાનો ધંધો આ મહોલ્લામાં તો હવે નહીં ચલાવી શકાય.’ માંડ આવક જાવકના છેડા ભેગા કરતી દેવિકા સામે હવે ઘર ચલાવવા માટે આજીવિકાનો પ્રશ્ન આવીને ઊભો રહ્યો. તે વિચારી રહી કે, ‘કાશ ! આવું રસોડું ચલાવવા હોમિયોપેથીક કોલેજ આજુબાજુ કોઈ બીજી કોઈ સારી જગ્યા મળી જાય’.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત