10 રુપિયાથી પણ ઓછા ખર્ચમાં નકલી દૂધ બનાવી લેભાગુઓ વેંચે છે 45થી 58 રૂપિયે લીટર

નફો કમાય લેવાની લ્હાયમાં કેટલાક લોકો સામાન્ય પ્રજાને મોતના મુખમાં ધકેલી દેવામાં પણ વિચાર કરતાં નથી. આવી જ એક ઘટના તાજેતરમાં રાજકોટમાંથી પ્રકાશમાં આવી છે. અહીં નકલી દૂધ બનાવી અને લોકોને પીવડાવી લાખોનો નફો કરવાનું કૌભાંડ ઝડપાયું છે. જાણવા મળતી માહિતી એવી છે કે શહેર પોલીસે 1000 લીટર દૂધના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ દૂધ નકલી હોવાની બાતમી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા રાજકોટ નજીક આવેલા ઉપલેટાના ઢાંક ગામના રાજા ગોગનભાઈ ટોળિયા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે આ નકલી દૂધનો જથ્થો વિજય માંકડને ત્યાંથી આવ્યો હતો અને રાજકોટમાં સપ્લાય કરવા આવનાર હતો.

image soucre

આ ઘટના બાદ ચિંતા એ વાતથી વધી છે કે શહેરમાં અત્યાર સુધીમાં અનેક લોકો આ નકલી દૂધને પોષ્ટિક માની પી ચુક્યા હશે. કોરોનાના આ સમયમાં જ્યારે એક એક પગલું પણ ફુંકી ફુંકીને મુકવું પડે છે તેવામાં નફો કમાવા માટે કેટલાક લેભાગુ વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

image soucre

સમગ્ર ઘટનાની વિગતો પર નજર કરીએ તો રાજકોટમાં મોટા પ્રમાણમાં નકલી દૂધનો વેપલો ચાલે છે તેવી માહિતી પોલીસને મળતાં પોલીસે વોચ ગોઠવી એક વાહનને ઝડપી પાડ્યું હતું જેમાં દૂધનો જથ્થો હતો. આ વાહનમાં ભરેલા દૂધના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે અને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જો આ સેમ્પલ ફેલ જશે તો તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

image soucre

જાણવા મળતી માહિતી અનુસાર આ પ્રકારનું નકલી દૂધ વેપારીઓ 10 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં એક લીટર તૈયાર કરે છે. આ રીતે તૈયાર કરેલું ઝેર સમાન દૂધ બહારથી લાવી અને શહેરની વિવિધ ડેરીમાં તેમજ છૂટક દૂધ વેંચનારે આપવામાં આવે છે અને તેમના મારફતે આ દૂધ ઘરે ઘરમાં પહોંચે છે. 10 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં તૈયાર થતું દૂધ લીટરના 45 રૂપિયાથી લઈ 58 રૂપિયા સુધી વેંચવામાં આવે છે.

image socure

સ્વાસ્થ્ય સારું રહે તે માટે જે દૂધનો ગ્લાસ બાળકો સહિત ઘરના દરેક વ્યક્તિ પીવે છે તે ખરેખર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આ દૂધના લોકો પાસેથી ભાવ પણ ઊંચા લેવામાં આવે છે. આમ સામાન્ય જનતા પર બમણો માર પડે છે. એક તો તેમને મોંઘા ભાવે દૂધ ખરીદવું પડે છે અને પાછું આ દૂધ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રાજકોટ ખાનગી ડેરી એસોસિએશનના પ્રમુખ પણ આંકરાપાણીએ થયા છે. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો આ રીતે નફો કમાવા માટે લોકોના જીવને જોખમમાં મુકે છે. આ ગુનો કરનાર લોકો માફીને પાત્ર નથી સજાને પાત્ર છે.

image soucre

આ મામલે તપાસ કરતી પોલીસને દૂધનો હિસાબ કિતાબ પણ મળ્યો છે. જેમાં એક પુઠા પર લખવામાં આવ્યું છે કે શહેરમાં કેટલી કેટલી જગ્યાએ આ દૂધ પહોંચાડવાનું હોય છે. આ યાદી રોજ તૈયાર થતી અને દૂધ આપવા આવનારને સોંપી દેવાતી. હવે આ મામલે પોલીસ અને આરોગ્ય વિભાગ બંનેએ તપાસ હાથ ધરી છે.