ગણેશ મહોત્સવને લઈને સરકારે આપેલી છૂટ બાદ નવરાત્રીને લઈ લોકોમાં ઉત્સાહ

ગણપતિ મહારાજની સ્થાપના પહેલા જ રાજ્યના ખેલૈયાઓ માટે ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે. વિધ્નહર્તા ગણેશજીએ ગણેશ મહોત્સવ પહેલા જ લોકો પર પોતાના આશીર્વાદ વરસાવી દીધા હોય તેવા સામાચાર ગરબાના ચાહકો માટે મળી રહ્યા છે. રાજ્ય સરકારે જાહેર કરેલા નવા આદેશથી આ વર્ષે રાજ્યમાં નવરાત્રી થવાની અને લોકો ગરબે ઘુમે તેવી શક્યતા વધી ગઈ છે.

કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ શકતી નથી. ગુજરાતના લોકોનું વર્ષ ગરબે ઘુમ્યા વિના તો જાણે અધુરું જ રહી જાય છે. તેવામાં ખેલૈયાઓ છેલ્લા 2 વર્ષથી ગરબાથી દૂર છે. જો કે આ વર્ષે આ જુદાઈનો અંત આવી શકે છે અને લોકો ગરબે ઘુમી શકે તેવા એંધાણ સરકારે આપ્યા છે.

image soucre

મહત્વનું છે કે ગણેશ મહોત્સવ પહેલા મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગણેશ મહોત્સવ પહેલા ડીજે અને બેન્ડ વાજા વગાડવાની મંજૂરી આપી દીધી છે. રાજ્યમાં ગણેશ મહોત્વસનું આયોજન પણ 400 લોકોની મર્યાદામાં થઈ શકે છે. તેવામાં શક્ય છે કે આ વર્ષે નવરાત્રીનું આયોજન પણ થશે જ.

image soucre

કેબિનેટની બેઠકમાં કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખી અને ડી.જે, મ્યુઝીક બેન્ડ અને ગાયકો પર મુકાયેલો પ્રતિબંધ હટાવી લેવાયો છે. 2 વર્ષ પછી આ કલાકારોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્ય સરકારે આપેલી છૂટ બાદ હવે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ડી.જે. મ્યુઝીક બેન્ડ, ગાયકોના કાર્યક્રમ કરી શકાશે.

image socure

સરકારે આ માટે એસઓપી પણ જાહેર કરી છે. આ એસઓપી અનુસાર સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો 400 લોકોની ઉપસ્થિતિમાં કરી શકાશે. આવા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ડી.જે બેન્ડ બોલાવી પણ શકાશે. મહત્વનું છે કે કોરોનાના કારણે મુકાયેલા પ્રતિબંધ બાદ છેલ્લા 2 વર્ષથી ડીજે અને બેન્ડ પર રોક હતી . જેના કારણે કલાકારોની આર્થિક સ્થિતિ પણ કથળી હતી. ત્યારે આ મામલે કલાકારોએ સરકારને અનેક અરજીઓ કરી હતી. જેને ધ્યાનમાં લઈ સરકારે આ નિર્ણય લીધો છે.

image soucre

આ સાથે સરકારે આ વર્ષે ગણેશ સ્થાપન અને વિસર્જન માટે 15 વ્યક્તિની હાજરીની મંજૂરી આપી છે. જો કે સરકારે ખાસ સુચના આપી છે કે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં કોરોના સંબંધિત નિયમોનું પાલન થવું ખૂબ જ જરૂરી છે.

image soucre

રાજ્ય સરકારની આ મંજૂરી બાદ સ્વાભાવિક છે કે આ વર્ષે ગરબાના આયોજનને પણ મંજૂરી મળી શકે છે. હાલ તો 2 વર્ષ બાદ ગણેશોત્સવ વિધ્ન અને બંધન વિના જાહેરમાં યોજાવા જઈ રહ્યો છે અને ત્યારબાદ નવરાત્રીને લઈને પણ જાહેરાત થઈ શકે છે.