મફત રસોઈ ગેસ સિલિન્ડર સાથે પહેલી વાર ઉજ્જવલા યોજનામાં મળશે આ લાભ પણ

પીએમ ઉજ્જવલા યોજનાનો બીજો તબક્કો ‘સ્વચ્છ બળતણ, બહેતર જીવન’ ના વિચારથી શરૂ થયો છે. 1 મે 2016 ના રોજ ઉજ્જવલા યોજનાનો પ્રથમ તબક્કો ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાથી શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 5 કરોડ ગરીબ પરિવારોની મહિલાઓને ગેસ કનેકશન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. આ યોજના લાવવાનો ઉદ્દેશ મહિલાઓને ચુલાના ધુમાડાથી બચાવવા અને એલપીજીનો ઉપયોગ વધારીને પ્રદૂષણ ઘટાડવાનો અને લોકોના સ્વાસ્થ્યને સુધારવાનો હતો. ચાલુ વર્ષે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉજ્જવલા યોજના હેઠળ 1 કરોડ વધારાના એલપીજી જોડાણો માટે ભંડોળ પણ જાહેર કર્યું હતું. આ વધારાના જોડાણો તે ગરીબ પરિવારોને આપવામાં આવશે જે ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કાનો લાભ લઈ શક્યા ન હતા.

હવે શું બદલાયું ?

image source

ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામાં સરકાર એલપીજી કનેક્શન માટે 1600 રૂપિયા (ડિપોઝિટ મની)ની આર્થિક સહાય કરી હતી. આ યોજના હેઠળ ગેસ કનેક્શન મેળવનારા પરિવારો ગેલના ચૂલા અને સિલિન્ડર માટે વ્યાજ વગર લોન પણ લઈ શકે છે. બીજા તબક્કામાં એલપીજી કનેક્શન ઉપરાંત પ્રથમ સિલિન્ડરની રિફિલિંગ પણ મફત રહેશે. આ સિવાય ગેસનો ચૂલો પણ વિનામૂલ્યે આપવામાં આવશે. એપ્રિલ 2018માં સરકારે આ યોજનાના લાભાર્થીઓનો વ્યાપ વધાર્યો અને યોજનામાં વધુ 7 કેટેગરીનો સમાવેશ કર્યો હતો. તેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અંત્યોદય અન્ન યોજના, સૌથી પછાત વર્ગ, ચાના બગીચાના કામદારો, વનવાસીઓ અને ટાપુઓમાં રહેતા લોકોનો સમાવેશ કર્યો હતો. આ પછી લાભાર્થીઓની સંખ્યા વધીને 8 કરોડ થઈ હતી.

image source

બીજા તબક્કાની યોજનામાં સરકારે લાભાર્થી માટે પ્રક્રિયા વધુ સરળ કરી છે. જેમાં આ યોજનાનો લાભ લેવા કરવાની અરજી માટે જરૂરી કાગળ અને દસ્તાવેજો પણ ઘટાડવામાં આવ્યા છે. કેવાયસી માટે કોઈ નોટરી અથવા સોગંદનામાની જરૂર રહેશે નહીં. આ સિવાય પોતાના વતનથી દૂર કે અન્ય જગ્યાએ રહેતા લોકોને રેસિડેન્ટ સર્ટિફિકેટ પણ આપવાનું નથી. તેઓએ સરનામા માટે સેલ્ફ ડિક્લેરેશન આપી શકે છે. આ ફેરફારથી પરપ્રાંતિય શ્રમિકોને મોટી રાહત મળશે. આ યોજનાનો લાભ 18 વર્ષથી વધુની મહિલા લઈ શકે છે. તેના માટે જરૂરી માત્ર એટલું છે કે તેના ઘરમાં અન્ય કોઈ ગેસ કનેકશન હોય નહીં.

કયા ડોક્યુમેન્ટ છે જરૂરી ?

image source

આસામ અને મેઘાલયને છોડી બાકી તમામ રાજ્યો માટ ઈ કેવાયસી જરૂરી છે. ઓળખ અને સરનામા માટે આધાર કાર્ડની જરૂર પડશે. આ સિવાય એવા દસ્તાવેજ ચાલે જેમાં પરિવારના સભ્યોના નામ હોય જેમ કે રાશન કાર્ડ. લાભાર્થી અને પરિવારના વયસ્ક સભ્યોના આધાર કાર્ડ, બેંક અકાઉંટ નંબર અને આઈએફએસસી, પાસપોર્ટ સાઈઝ ફોટો, વિજળી કે ટેલીફોન બીલ, લાયસન્સ જેવા કોઈપણ દસ્તાવેજ આઈડી પ્રુફ તરીકે આપી શકાય છે.

image source

તેના માટે https://www.pmuy.gov.in/ujjwala2.html વેબસાઈટ પર અપ્લાય કરી શકાય છે. અહીં અલગ અલગ 3 કંપનીના વિકલ્પ જોવા મળશે. તમે તમારી જરૂરીયાત અનુસાર વિકલ્પ પસંદ કરી શકો છો. અહીં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે ત્યારબાદ કનેકશનની પ્રોસેસ શરુ થઈ જશે.