રાજ્યના તમામ જિલ્લાઓની શાળા-કોલેજોમાં યોજાશે રસીકરણ કેમ્પ

રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે તેના કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે પણ ઓફલાઈન શિક્ષણ શરુ કરી દેવાની છૂટ આપી દીધી છે. આગામી ગુરુવારથી એટલે કે જન્માષ્ટમીની રજાઓ બાદથી ધોરણ 6થી 8 વિદ્યાર્થીઓ પણ શાળાએ જઈને અભ્યાસ કરી શકશે. તેવામાં વધુ એક મહત્વની જાહેરાત રસીકરણ સંબંધે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

image source

રાજ્યમાં હવે ધોરણ 6થી કોલેજ અને પીજી સુધીના વિદ્યાર્થીઓના ઓફલાઈન અભ્યાસને મંજૂરી આપવામાં આવી છે ત્યારે રસીકરણને પણ વેગ મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓની શાળા અને કોલેજોમાં કોરોના રસીકરણના કેમ્પનું આયોજન કરવામાં આવશે.

image source

તમામ જિલ્લામાં આ પ્રકારના કેમ્પના આયોજન દ્વારા શાળા અને કોલેજોના એવા વિદ્યાર્થીઓ કે જે 18 વર્ષથી વધુની વયના છે તેમને રસી અપાશે. આ સાથે જ રસીકરણ માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓ, શિક્ષકો અને તેમના પરિવારજનોનું કોરોના વેકસીનેશન આ કેમ્પ અંતર્ગત આવરી લેવામાં આવશે.

image source

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આ નિર્મય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ ભાઈ પટેલ, ઊર્જા મંત્રી સૌરભ ભાઈ પટેલ ,તેમજ મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને વરિષ્ઠ સચિવોની હાજરી રહી હતી.

image source

મહત્વનું છે કે ભારત સરકારના આરોગ્ય વિભાગે અને ખાસ કરીને આરોગ્ય મંત્રી હર્ષવર્ધને અપીલ કરી છે કે આગામી 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન સુધીમાં બધા જ શિક્ષકોને કોરોના વેકસીનનું સુરક્ષા કવચ આપી દેવામાં આવે અને તેમને રસીકરણમાં આવરી લેવા રાજ્યોને દિશા નિર્દેશ પણ આપ્યા છે. જેને પગલે ગુજરાતમાં પણ આ વ્યવસ્થા રાજ્ય સરકારે ઊભી કરવાનો નિર્ણય કર્યો છે.

આરોગ્ય વિભાગ અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, શાળા-કોલેજોમાં કોરોના વેકસીનેશન કેમ્પ માટે જિલ્લાઓને વેકસીનનો વધારાનો જથ્થો પણ ફાળવવાની સૂચનાઓ કોર કમિટિમાં મુખ્યમંત્રીએ આપી છે . વેકસીનનો વધારાનો જથ્થો ટુંક સમયમાં જ શાળા કોલેજોને કેમ્પ માટે ફાળવી દેવામાં આવશે.