જે પહેલા રસી લેવા તૈયાર ન હતા તેવા લોકોએ માતાજીના આજ્ઞા મળતા લઈ લીધા ડોઝ, આરોગ્ય વિભાગનો પ્રયોગ રહ્યો સફળ

કોરોના વાયરસ નામના ઘાતક શસ્ત્રથી બચવાની એક માત્ર ઢાલ છે કોરોના રસી. ભારતમાં રસીકરણ અભિયાન જાન્યુઆરી માસથી શરુ કરી દેવામાં આવ્યું છે. સરકાર સતત પ્રયત્ન કરી રહી છે કે કોરોના રસીકરણમાં ઝડપથી દેશભરની જનતાને આવરી લેવાય. પરંતુ રસીકરણ અભિયાન શરુ થયાના 6 મહિના વીતિ ગયા હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ અભિયાન ધીમું રહ્યું હતું.

image socure

ગ્રામ વિસ્તારોમાં રસીકરણ અભિયાનમાં લોકો તરફથી નિરસતા જોવા મળી હતી. તેનું કારણ હતું કે લોકોમાં રસીને લઈને જાત જાતની માન્યતાઓ પ્રવર્તી રહી હતી અને વળી કેટલાક લોકો અંધશ્રદ્ધાના કારણે રસી લેવાથી દૂર ભાગતા હતા. આવા અંધશ્રદ્ધાથી પીડાતા લોકો રસી લે તે માટે રાજકોટ જિલ્લાના વીંછિયા પંથકમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આરોગ્ય તંત્રએ કરેલો આ પ્રયોગ સફળ રહ્યો અને ત્યારબાદ છેલ્લા 6 મહિનામાં ન થયું હતું તેટલું રસીકરણ નવરાત્રીના થોડા જ દિવસોમાં થયું.

image soucre

આ અંગે મળતી માહિતી અનુસાર રસીને લઈને ગામડાઓમાં જે અંધશ્રદ્ધા છે તેને દૂર કરવા લોકોને ઘણા સમજાવવામાં આવ્યા પરંતુ તેઓ સમજ્યા નહીં તેથી આરોગ્ય તંત્રએ લોકોને સમજાય તેવો રસ્તો પસંદ કર્યો અને આ કામમાં મદદ કરી ગામના ભૂવાઓએ. જી હાં આરોગ્ય તંત્રએ ગામના ભૂવાઓને સમજાવ્યા અને ત્યારબાદ શરુ થયો લોકોને રસી અંગે તેમની ભાષામાં સમજાવવાનો પ્રયોગ.

image socure

નવરાત્રી ચાલતી હોવાથી ગામના ભૂવા પાસે લોકો આશીર્વાદ લેવા, વિવિધ અનુમતિ લેવા આવતા હોય છે. આવા સમયે માતાજી કોરોના વેકસીન લેવા પણ અનુમતિ આપે છે તેવી વાત ગામના ભૂવાએ દાણા જોઈને કરી. માતાજીએ રસી લેવાની મંજૂરી આપી દીધી એ વાત સાંભળી ગામજનોએ રીતસર રસી મુકાવવા દોટ મુકી અને પરીણામ એ આવ્યું કે આ વિસ્તારોમાં છેલ્લા 6 મહિનામાં થયું નથી તેટલું રસીકરણ નવરાત્રીના દિવસોમાં નોંધાયું.

image socure

વીંછિયા પંથકમાં લોકો રસી લેવા તૈયાર ન હતા. આરોગ્ય વિભાગે અનેક જાહેર સભા કરી લોકોને સમજાવ્યા પણ તેમના ગળે વાત ઉતરી નહીં પરંતુ જ્યારે ગામના ભૂવાએ કહ્યું કે રસી લેવા માતાથીએ રજા આપી છે તો લોકોએ રસી લેવા દોટ મુકી હતી. રાજકોટ જિલ્લાના એવા ગ્રામ્ય વિસ્તારો જ્યાં રસીકરણ ઓછું થયું છે તેવા દેવધરી, ઓરી, સમઢિયાળા, આકડિયા અને લાખાવડ સહિતના ગામના ભૂવાને આરોગ્ય અધિકારીઓ મળ્યા અને તેમના ભક્તોને વેકસિન લેવા આજ્ઞા આપવા સમજાવ્યા. જો કે શરૂઆતમાં તેઓએ આ વાત માટે ના પાડી પરંતુ આખરે તેઓ પણ લોકોહિતને ધ્યાનમાં રાખી સહમત થયા અને પછી દરેકે પોતાના ભક્તોને જણાવી દીધું કે માતાએ વેકસીન લેવા મંજૂરી આપી દીધી છે.

image soucre

આ અંગે સ્થાનિક આરોગ્ય અધિકારીનું જણાવવું હતું કે નવરાત્રિમાં ભૂવાઓ પાસે ભાવિકો પણ વધુ પ્રમાણમાં આવતા હોય છે તેથી આ પ્રયોગ કરવામાં આવ્યો અને પરિણામ એ આવ્યું કે અગાઉ જે લોકો ના કહેતા હતા તેવા 70થી વધુ વૃદ્ધોએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ પણ લીધો.