આજની પોઝિટિવ સ્ટોરી: દિવ્યાંગોને 33 વર્ષથી રોજગારી આપતા નિશીથ મહેતા, માત્ર ભાવનગરની નહીં, સમગ્ર ગુજરાત અને માનવતાની મૂડી છે

દિવ્યાંગોને 33 વર્ષથી રોજગારી આપતા નિશીથ મહેતાઃ કલા-આસ્વાદક, કલા-પોષક સંસ્કૃતિ-વર્ધક નિશીથભાઈ માત્ર ભાવનગરની નહીં, સમગ્ર ગુજરાત અને માનવતાની મૂડી છે

જેને પ્રેમ, હૂંફ અને ટેકાની જરૂર હોય એને તમે ધારો કે ઉપેક્ષિત કે હડધૂત ના કરો, પણ તેને માત્ર સહાનુભૂતિ આપો એ કેમ ચાલે ? તેની ઝંખનાને અવગણો તે કેમ ચાલે ? તેના મનોરથોને કચડો તે કેમ ચાલે? આવું કશું ના ચાલે, પણ આપણા સમાજમાં વર્ષોથી કે દાયકાઓથી નહીં, સદીઓથી એમ જ ચાલે છે. પ્રેમભૂખ્યાંને મદદ કરવાથી, મદદ કરનારને કંઈક કર્યાનો કદાચ સંતોષ મળે, પણ પ્રેમભૂખ્યાની ભૂખ કે તરસમાં કોઈ ફરક ના પડે. જેને જેની જરૂર હોય એને એ જ મળવું જોઈએ. દિવ્યાંગોને સહાનુભૂતિની નહીં, હૂંફની જરૂર હોય છે.

ભાવનગરના નિશીથ મહેતા દિવ્યાંગોને આવી હૂંફ 33 વર્ષથી આપી રહ્યા છે. તેમની વિશ્વખ્યાત કંપની ‘માઈક્રોસાઈન’માં 60 ટકા સ્ટાફ દિવ્યાંગોનો છે. કેટલાક કર્મચારી મૂક-બધિર છે તો કેટલાક મનોદિવ્યાંગ (મેન્ટલી રિટાર્યેડ) છે. કેટલાક અન્ય રીતે દિવ્યાંગ છે. પોતાની ફેક્ટરીમાં દિવ્યાંગોને નોકરીએ રાખવાનું નિશીથભાઈએ 1988થી શરૂ કર્યું છે. જે વાત નિશીથભાઈને 1988માં સમજાઈ તે વાત ભારત સરકારને સાત વર્ષ, પછી, 1995માં સમજાઈ. ભારત સરકારે ઈક્વલ ઓપોર્ચ્યુનિટીઝ, પ્રોટેક્શન ઓફ રાઈટ્સ એન્ડ ફૂલ પાર્ટિસીપેશન એક્ટ (EQUAL OPPORTUNITIES, PROTECTION OF RIGHTS AND FULL PARTICIPATION ACT, 1995) 1995માં ઘડ્યો.

આમેય કાયદા કરતાં માનવતા ચડિયાતી હોય છે, મજબૂત હોય છે અને પહેલી હોય છે. નિશીથભાઈ સફળ ઉદ્યોગપતિ છે, તેના પહેલાં એક સંવેદનશીલ અને ધબકતી વ્યક્તિ છે. તેઓ સફળતાની સાથે સાથે સાર્થકતામાં વધુ માને છે. જેવું માને છે તેવું જીવે પણ છે. દિવ્યાંગોને તેમણે કામ આપ્યું પણ સહજ રીતે, પ્રેમથી અને પૂરેપૂરા સન્માન સાથે. પોતે કોઈના પર ઉપકાર કરી રહ્યા છે તેવો ભાવ ઊંડે ઊંડે પણ ક્યાંય નહીં. કદાપિ નહીં. પોતે સેવા કે ઉપકાર કરી રહ્યા છે તેવી લાગણીની તો વાત જ નહીં.

તેઓ માને કે ઈશ્વરે દિવ્યાંગ પાસેથી શરીરની કોઈ એક શક્તિ લઈ લીધી હોય તો બદલામાં બીજી શક્તિ તો આપી જ હોય છે! તેમણે જુદા જુદા પ્રકારના દિવ્યાંગો માટે કારખાનાંની વિવિધ પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કર્યું. જે બેસી શકતા હતા તેમને એમને અનુરુપ કામ સોંપ્યું, જેઓ મનોદિવ્યાંગ હતા તેમના માટે જુદા પ્રકારનું કામ શોધાયું. દરેકને તાલીમ પણ અપાઈ. કેવો રહ્યો અનુભવ ? ચમત્કાર કહી શકાય તેવો. દિવ્યાંગોએ ખૂબ જ સારું કામ આપ્યું. નોરમલ વ્યક્તિ કરતાં સહેજ પણ ઉતરતું નહીં.

નિશીથભાઈએ દિવ્યાંગો પર મૂકેલો પ્રેમ સાર્થક પૂરવાર થયો છે. નિશીથભાઈ કહે છે, કોઈ વ્યક્તિનું એક પાસું નબળું હોય તો બીજું પાસું શક્તિશાળી હોય જ. અમારા ત્યાં કાર્ય કરતા શ્રમયોગીઓ જવાબદાર, નિષ્ઠાવાન, વિશ્વાસુ, કાર્યશ્રમ અને ઉત્સાહી છે. તેઓ લાગણીથી ધબકતા જીવતા માણસો છે. આવા કર્મચારી તો કોઈ પણ માલિક માટે આશીર્વાદરૂપ ગણાય. આ દિવ્યાંગ કર્મચારીઓ અમારી કંપનીના સાચા ભાગીદાર છે. તેઓ કંપનીની મૂડી છે.

વાર્ષિક આશરે 15 કરોડનું ટર્નઓવર કરતી આ કંપની મોટર ગાડી અને વિમાન માટેના વિવિધ પાર્ટસનું ઉત્પાદન કરે છે. 1979માં નિશીથ મહેતાએ સ્થાપેલી માઈક્રોસાઈન કંપનીનાં ઉત્પાદનો હિંદુસ્તાન એરોનોટિક્સ લિમટેડ, ઈસરો, ભેલ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ ખરીદે છે.

દિવ્યાંગોના જોડાવાથી કંપનની ગુણવત્તા કે ઉત્કૃષ્ટતામાં કોઈ બાંધછોડ થઈ નથી. અરે કામની ગુણવત્તાએ ઘણાં સન્માન અપાવ્યાં છે.

હેલન કેલર એવોર્ડ સહિત આ કંપનીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક પુરસ્કારો મળ્યા છે. નિશીથભાઈને 1999માં નવી દિલ્હી ખાતે એન.એસ.પી.ડી.પી. હેલેન કેલર પુરસ્કાર સોનિયા ગાંધીના હસ્તે અપાયો હતો તો ભારતના રાષ્ટ્રપતિના હસ્તે વર્ષ 1999માં દિવ્યાંગજનોના કલ્યાણ માટે કામ કરવા માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો હતો.

ભારતના તત્કાલીન નાણામંત્રી દ્વારા 2003-2004માં ભૌતિક રીતે પરિવર્તિત થતાં ઈમ્પોવરમેન્ટ માટે FICCI એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ‘યહી હૈ જિંદગી’ ટીવી શ્રેણીમાં અમિતાભ બચ્ચને નિશીથભાઈ મહેતા સાથે સંવાદ કર્યો હતો. આઈઆઈએમ (અમદાવાદ) દ્વારા તેમની કંપની વિશે કેસ સ્ટડી પણ કરાયો છે. વિદેશની યુનિવર્સિટીઓમાં પણ તેમની કંપનીના અનુભવો સમજાવાય અને ભણાવાય છે.

નિશીથભાઈ અને તેમનાં જીવનસાથી પ્રીતિબહેન જેમ એકબીજાને વરેલાં છે, તેમ સમાજને પણ વરેલાં છે. નિશીથભાઈ ભાવનગરના સાંસ્કૃતિક એલચી છે. કળા આસ્વાદક છે તેમ કળાપોષક પણ છે. તેમણે સેન્ટર ફોર એક્સલન્સની સ્થાપના પણ કરી છે. સેન્ટર ફોર એક્સલન્સ એટલે માઈક્રોસાઈનની વિચારધારાનું સર્જનાત્મક અને રચનાત્મક સ્વરૂપ. અહીં યોજાતી દરેક પ્રવૃતિમાં જીવનની ગુણવત્તા અને સંવાદિતાના સંવર્ધનનો હેતુ છે. અહીં સંગીત, નૃત્ય, ચિત્ર, સાહિત્ય, યુથ એમ્પાવરમેન્ટ, સેલ્ફ ડેવલપમેન્ટ, ટેબલ ટેનિશ, સ્કાઉટ, યોગ, ધ્યાન, એક્યુપ્રેશર, રેકી, કુદરતી ઉપચાર જેવી પ્રવૃત્તિઓ યોજાતી રહે છે.

નિશીથભાઈ મિશનના નહીં, વ્રતના માણસ છે. તેમની વ્રતભાવના કંઈક આવી છેઃ

To think differently, produce innovative ideas and quality products.

Ensure Customer satisfaction.

Develop Training & tools that help people overcome physical, mental and personal limitations.

To identify the enterprise and its people with the society

To enrich the community life and living by encouraging sports, music, fine arts.

To live up to the aim of “Service Above Self”.

જુદી રીતે વિચારો , નવું વિચારો અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ઉત્પન્ન કરો.

ગ્રાહકનો સંતોષ એ જ મુદ્રાલેખ. તેમના સંતોષની સતત ખાતરી કરો.

એવાં સાધનો કે ઉપકરણો વિકસાવો કે જે લોકોને શારીરિક, માનસિક અને વ્યક્તિગત મર્યાદાઓને દૂર કરવામાં મદદ કરે છે. સાહસિકતાને શોધીને તેનો સમાજ સાથે સમન્વય કરો. રમત-ગમત, સંગીત, લલિત કલાઓને સતત પ્રોત્સાહિત કરો. સમુદાય અને સામૂહિક જીવનશૈલીને ઉત્તેજન આપો કારણ કે એ જ જીવંત સમૃદ્ધિ છે. “બીજાનું ભલું કરવું” એ જ ઉદ્દેશ્ય સાથે જીવો.

કોઈને કદાચ એ જાણીને નવાઈ લાગશે કે સફળ ઉદ્યોગપતિ નિશીથભાઈ ભણવામાં એવરેજ હતા. એટલા બધા એવરેજ કે કોલેજકાળમાં એટીકેટી લઈ આવેલા. એટીકેટી લાવેલા માણસ આજે સફળ ઉદ્યોગપતિ છે અને સાર્થક માણસ છે. ધીખતા ધંધામાં તે ધબકતી સંવેદનાનું સંયોજન કરી રહ્યો છે. આપણે માર્કશીટ જોઈને માપ કાઢવાની ટેવ રાખીએ છીએ પણ નિશીથભાઈ જેવા માણસો આપણને માનસિકતા બદલવાની ફરજ પાડે છે !

નિશીથભાઈનાં જીવનસાથી પ્રીતિબહેન તેમને ખભેખભો અને હૃદય મિલાવીને સતત સહયોગ આપે છે. તેઓ પણ વર્ષો સુધી માઈક્રોસાઈનમાં સક્રિય રહ્યાં છે. (ચેક પર તેમની જ સાઈન ચાલતી તેટલાં સક્રિય !) દીકરો પથિક ટેબલ ટેનિશમાં અનેક દેશોમાં ભારત વતી રમી આવ્યો છે. હવે તો પથિકે માઈક્રોસાઈનની ઘણી જવાબદારી સંભાળી લીધી છે !

નિશીથભાઈ અને પ્રીતિબહેને તેમના ભાવનગરના ઘરનું નામ રાખ્યું છે ‘ઘર’. ઘરનું ના ‘ઘર’ પાડ્યું હોય તેવા ઘણા ઓછા લોકો હશે ! નિશીથભાઈ અને તેમનો પરિવાર સંગીત, પ્રેમ, સંવાદિતા, કળા, સાહિત્ય, પર્યાવરણ, પ્રકૃતિ એમ વિવિધ વાનાં સાથે સતત જોડાયેલો રહે છે. ગમતું હોય તેને ગૂંજે ના ભરતાં સતત વહેંચ્યા કરે છે. ઉત્તમ પુસ્તકો અને ઉત્તમ ડીવીડી, સીડી- નિશીથભાઈએ હજારોની સંખ્યામાં વહેંચી હશે. જે સારું છે તે સહિયારું છે તેવો તેમનો મત છે.

આવા માણસો માનવતાના છોડને સૂકાવા નથી દેતા અને તેથી જ સ્તો અનેક દૂષણો-પ્રદૂષણો વચ્ચે દુનિયા લીલીછમ રહે છે !

(જો આપ નિશીથભાઈને અભિનંદન આપવા માગતાં હોવ તો તેમનો સંપર્ક નંબર છે 92275 50777)

– આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત