પ્લાસ્ટિક વિરુદ્ધ ભારતમાં શરુ થશે દુનિયાનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન, આ રીતે તમે પણ બની શકો છો આ અભિયાનનો એક ભાગ

પ્લાસ્ટિકની વસ્તુઓ પર્યાવરણ માટે ખૂબ જ ખતરનાક છે. પ્રકૃતિના સ્ત્રોતને પ્લાસ્ટિકના કારણે નુકસાન થઈ રહ્યું છે. જેને લઈ પર્યાવરણ પ્રેમીઓથી લઈ સરકાર પણ સતત પ્રયાસ કરે છે કે લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળે અને પ્રકૃતિને બચાવવામાં સહભાગી થાય. આ અંગે એક મહત્વની જાહેરાત યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કરી છે.

image source

તેમણે ટ્વીટ કરીને આ વાત જણાવી છે કે, મુખ્યત્વે સિંગલ-યુઝ પ્લાસ્ટિક વેસ્ટને દૂર કરવા માટે સરકાર 1 થી 31 ઓક્ટોબર 2021 સુધી એક મહિનાનું દેશવ્યાપી સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરશે. અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આપણે ભારતની આઝાદીના 75 વર્ષ ઉજવવા માટે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે ગાંધીજીથી પ્રેરિત થઈ અને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ છે તેને સાકાર કરીએ. તેનાથી એ ભારતનું નિર્માણ થશે જે ગાંધીજીના સ્વપ્નનું ભારત છે.

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન પણ જે ભારતનું છે તેમાં સ્વચ્છતા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અનુરાગ ઠાકુરે દેશની દરેક વ્યક્તિને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને સંકલ્પ સે સિદ્ધિના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરવા વિનંતી કરી છે. મંત્રી અનુરાગ ઠાકુરે એક ટ્વિટમાં કહ્યું છે કે, સ્વચ્છતા સર્વોચ્ચ છે. આઝાદી કા અમૃત મહોત્સવમાં પરસ્પર સહકારથી દેશને પ્લાસ્ટિકના કચરામાંથી મુક્તિ અપાવવા માટે સંકલ્પ સે સિદ્ધિ મૂળ મંત્ર દ્વારા 1 થી 31 ઓક્ટોબર સુધી ચાલનારા સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમમાં જોડાઓ.

image soucre

અનુરાગ ઠાકુરે કહ્યું કે આ વિશ્વનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન હશે, જેમાં 75 લાખ ટનથી વધુ કચરો, મુખ્યત્વે પ્લાસ્ટિકનો કચરો, દેશના વિવિધ ભાગોમાંથી એકત્રિત કરવામાં આવશે અને ‘વેસ્ટ ટુ વેલ્થ’ મોડેલના આધારે આગળની પ્રક્રિયા કરવા માટે મોકલવામાં આવશે. આ અભિયાનનો ઉદ્દેશ “સ્વચ્છ ભારત: સલામત ભારત” ના મંત્રનો પ્રચાર કરવાનો છે. અભિયાનમાં ભાગ લેવા માટે વ્યક્તિઓ, સંસ્થાઓ નામની નોંધણી કરાવી શકે છે.