પોકેટમારીના આરોપમાં પોપ્યુલર એક્ટ્રેસની ધરપકડ, તપાસમાં બેગમાંથી મળી મોટી રકમ
બંગાળની લોકપ્રિય એક્ટ્રેસ રૂપા દત્તાના ચાહકો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે, રૂપા દત્તાની પોકેટમારીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના કોલકાતા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા દરમિયાનની છે.વિધાન નગર ઉત્તર પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે એક મહિલાને ડસ્ટબિનમાં બેગ ફેંકતી જોઈને પોલીસને તેના પર શંકા ગઈ જે પછી પૂછપરછ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી.
બિધાન નગર પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે, શનિવાર, 12 માર્ચના રોજ એક મહિલા ડસ્ટબિનમાં બેગ ફેંકતી હતી. આ મહિલાને જોઈને પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી.
શંકાના આધારે પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી. આ સાથે બેગની પણ તલાશી લેવામાં આવી હતી. જેમાં પોલીસને કેટલીક મની બેગ મળી આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે અભિનેત્રી પાસેથી 75 હજાર રૂપિયા પણ રિકવર કર્યા છે. રૂપા દત્તા એ જ અભિનેત્રી છે જેણે થોડા વર્ષો પહેલા અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.પોલીસ પૂછપરછમાં એ માહિતી મળી શકી નથી કે આખરે અભિનેત્રી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા. આ દરમિયાન મહિલાએ પાકીટ મારવાની કબૂલાત કરી છે. મહિલાનું કહેવું છે કે તે અલગ-અલગ મેળાઓ, ઈવેન્ટ્સ અને ભીડભાડવાળી જગ્યાએ જઈને લોકોના પર્સ ચોરી કરતી હતી. ઇન્ટરનેશનલ બુક ફેર દરમિયાન મહિલાની આ યુક્તિ કામમાં ન આવી અને પોલીસે તેને પકડી લીધી.
દરેકને આશ્ચર્ય થાય છે કે એક અભિનેત્રી લોકોના પર્સ પર કેવી રીતે નજર મારી શકે છે. રૂપા દત્તા એક લોકપ્રિય અભિનેત્રી છે જે ઘણી સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળી છે. તે મોટાભાગે મોટી ઈવેન્ટ્સમાં ભાગ લેતી હતી. અભિનેત્રી પાસેથી એક ડાયરી પણ મળી આવી છે જેમાં અત્યાર સુધીની તમામ રકમનો હિસાબ નોંધવામાં આવ્યો છે. હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ટૂંક સમયમાં જ ખબર પડશે કે તે આ બધું કેમ કરી રહી હતી.