એક બટન દબાવી રોડ ક્રોસ કરવા લોકો અટકાવી શકશે ટ્રાફિક, અકસ્માતનું ઘટશે પ્રમાણ

હવે ગાંધીનગરમાં રહેતા લોકોને યુરોપ અને અમેરિકાના કોઈ સીટીમાં રહેતા હોવાનો અનુભવ થવાનો છે. આ વાત જાણીને ઉત્સુકતા વધી જ હશે કે એવું તો શું થવા જઈ રહ્યું છે ગાંધીનગરના લોકો માટે.. તો જણાવી દઈએ કે ગાંધીનગર ખાતે પુશ બટન ફ્લેશિંગ ક્રોસવોક સિસ્ટમની શરૂઆત થવા જઈ રહી છે.

image soucre

સામાન્ય શબ્દોમાં કહીએ તો આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ રાહદારીઓ ટ્રાફિકને જાતે થોડીવાર માટે રોકી અને રોડ ક્રોસ કરી શકશે. આ કામ કરવા માટે તેમણે રોડ સાઈડ પર આપેલું એક બટન પ્રેસ કરવાનું રહેશે જ્યારબાદ ટ્રાફિકની અવરજવર થોડીવાર બંધ થઈ જશે અને રાહદારી રોડ ક્રોસ કરી શકશે.

image soucre

મહત્વનું છે કે વર્લ્ડ બેન્કના સહયોગથી ગાંધીનગર ખાતે આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવનાર છે. 14 કરોડના ખર્ચે તૈયાર થનાર પુશ બટન ફ્લેશિંગ ક્રોસ વોક સિસ્ટમને અમલમાં મુકવા માટે ગાંધીનગરના 21 માર્ગોની પસંદગી કરવામાં આવી છે. જેના માટે આ રસ્તાઓ પર હાઈટેક પોલ પણ ઊભા કરી દેવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ જો સફળ થયો તો તેનું વિસ્તરણ મોટા પાયે અને અન્ય જગ્યાઓએ પણ કરવામાં આવશે. મહત્વનું છે કે સ્થાનિક તંત્રનો પ્રયાસ છે કે આ પ્રોજેક્ટની શરુઆત ડિસેમ્બર મહિનાથી કરી દેવામાં આવે જેના માટે તડામાર તૈયારીઓ શરુ પણ કરી દેવામાં આવી છે.

કેવી રીતે કામ કરશે આ પ્રોજેક્ટ ?

image soucre

જે રસ્તા પર વાહનની અવરજવર વધારે રહેતી હોય છે ત્યાં રોડ ક્રોસ કરવા માટે રાહદારીઓએ લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. પરંતુ આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ આવું થશે નહીં. લોકોને ટ્રાફિક સિગ્નલ રેડ થાય તેની પણ રાહ જોવી પડશે નહીં કારણ તેઓ ખુદ આ કામ કરી શકે છે. રોડ ક્રોસ કરવા માટે લોકો જ ટ્રાફિકને અટકાવી શકશે.

image soucre

આ માટે રાહદારીઓએ રોડ પાસે આવેલા પોલમાં આપેલું એક રેડ બટન દબાવીને રોડ પરથી પસાર થતા વાહનને અટકાવી શકે છે. આ બટન દબાવવાની સાથે રોડ પર લગાવેલું સિગ્નલ લાલ થઈ જશે અને અમુક સેકન્ડ સુધી વાહનનો સ્ટોપ થઈ જવાનો સંકેત આપશે. આ સમય દરમિયાન વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ રહેશે અને રાહદારીઓ આરામથી રોડ ક્રોસ કરી શકશે. રાહદારીઓ પસાર થઈ જશે ત્યારબાદ લાઈટ ગ્રીન થઈ જશે અને વાહનોની અવરજવર ફરીથી શરુ થઈ જશે. હાલ આ પ્રોજેક્ટનો ડેટા ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલમાં જશે. પરંતુ આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યો તો તેનું સંચાલન ગૃહ વિભાગ કરશે.