ફરાળી દહીં આલુ – ફરાળી લોટની રોટલી, ભાખરી કે પુરી સાથે ખાઈ શકાય એવી સબ્જી..

ફરાળી દહીં આલુ ….

વ્રતના ઉપવાસ કરવા માટે ફરાળી લોટ માંથી ફરાળી રોટલી, પૂરી, થેપલા કે પરોઠા બનાવવામાં આવતા હોય છે. તેની સાથે ગ્રીન ફરાળી ચટણી કે ફરાળી શાક કે ફરાળી ખીચડી પણ બનાવતા હોઇએ છીએ.

અહીં હું આપ સૌ માટે ખૂબજ સરળ, ટેસ્ટી અને ઘરમાંથીજ મળી જતા બધા ઇંગ્રેડીયંટ્સથી બની જતા દહીં આલુની રેસિપિ આપી રહી છું. તેમાં આલુની સાથે દહીંનું કોમ્બિનેશન કરીને સબ્જી બનાવી છે. તેથી સરસ ક્રીમી ટેસ્ટ આવશે. તેમાં મુખ્ય સામગ્રી બટેટા અને દહીં છે. બાકીના મસાલાથી ફરાળી દહીં આલૂ ખૂબજ ટેસ્ટી બનશે. આ ફરાળી દહીં આલુની સબ્જી દરેક વ્રતમાં ફરાળમાં લઈ શકાય છે. એકાદશી, ગૌરી વ્રત, શિવરાત્રી, જ્ન્માષ્ટમી કે શ્રવણ મહિનાના એકટાણા હોય…દરેક ઉપવાસ કે એકટાણામાં પણ ફરાળ તરીકે લઈ શકાય છે.

તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને વ્રતના ઉપવાસમાં ફરાળ કરવા માટે ચોક્કસથી બનાવજો.

ફરાળી દહીં આલુ બનાવવા માટેની સામગ્રી :

  • 5 નાના બાફેલા બટેટા
  • 1 મોટું ટમેટું
  • ¾ કપ (પોણો કપ) દહીં
  • 1 ટેબલ સ્પુન ઘી
  • ½ ટેબલ સ્પુન ઓઇલ
  • 2 લવિંગ
  • 2-3 ટુકડા તજ
  • ½ બાદિયાનાનું ફુલ, ½ તજ પત્તુ
  • ½ ટી સ્પુન આખુજીરું
  • 1 સ્ટ્રીંગ મીઠો લીમડો
  • 1 ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર
  • થોડી લીલા મરચાની રીંગ્સ
  • 10 કાજુ ના ફાડા
  • 10-12 કીશમીશ
  • ¾ કપ (પોણો કપ) દહીં
  • સિંધાલુણ સ્વાદ મુજબ
  • પાણી જરુર મુજબ

ફરાળી દહીં આલુ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ બટેટાને 3-4 વ્હીસલ કરી કૂક કરી લ્યો.

ત્યારબાદ એક મોટી સાઈઝનુ ટમેટું લઈ તેને સમારીને તેને ગ્રાઇંડ કરી તેની ગ્રેવી બનાવી લ્યો.

દહીંને સ્મુધ, ક્રીમી થાય ત્યાં સુધી બીટ કરી લ્યો.

હવે બાફીને ઠરી ગયેલા બટેટાની છાલ કાઢી લ્યો. મેશરથી અધકચરા ક્રશ કરી લ્યો અથવા બારીક સમારી લ્યો.

હવે એક્પેન ગરમ મૂકી તેમાં 1 ટેબલ સ્પુન ઘી અને ½ ટેબલ સ્પુન ઓઇલ મિડિઅમ ફ્લૈમ પર ગરમ મૂકો.

ગરમ થાય એટલે તેમાં 2 લવિંગ, 2-3 ટુકડા તજ, ½ બાદિયાનાનું ફુલ અને ½ તજ પત્તુ વઘાર માટે મૂકો. બધું સંતાળાય એટલે તેમાં ½ ટી સ્પુન આખુજીરું, 1 સ્ટ્રીંગ મીઠો લીમડો અને 1 ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ ઉમેરી તેને સંતળાવા દ્યો.

બધું સરસ સંતળાઈને તેની અરોમા આવવા લાગે એટલે તેમાં ½ ટી સ્પુન હળદર પાવડર અને 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો. 2 સેકંડ્સ કૂક કરો. હવે તેમાં 1 ટમેટાની ગ્રાઇંડ કરેલી ગ્રેવી ઉમેરો. બરાબર હલાવીને મસાલા સાથે મિક્ષ કરી 2 મિનિટ કૂક થાય એટલે તેમાં 10 કાજુના ફાડા અને 10-12 કીશમીશ અને થોડી લીલા મરચાની રીંગ્સ ઉમેરી ફરી થોડીવાર ઉકળો એટલે કાજુ-કીશમીશ પણ કૂક થઈ સરસ સોફ્ટ થઈ જાય.

હવે તેમાં અધકચરા ક્રશ કરેલા બટેટા ઉમેરી મિક્ષ કરી લ્યો. 2 મિનિટ સાંતળો.

હવે તેમાં સ્મુધ, ક્રીમી થાય ત્યાં સુધી બીટ કરેલું દહીંને ઉમેરી દ્યો. બટેટાના મિશ્રણ સાથે સરસ થી મિક્ષ કરી લ્યો. હવે તેમાં તમારા સ્વાદ મુજબ સિંધાલુણ ઉમેરી મિક્ષ કરી લ્યો.

½ કપ પાણી ઉમેરી 3-4 મિનિટ કૂક કરી લ્યો. ફરાળી દહીં આલુની સબ્જી રસાવાળી રાખવી હોય તો આ સ્ટેપ પર ફ્લૈમ ઓફ કરી દ્યો.

જો ફરાળી દહીં આલુ સરસ લચકા પડતું બનાવવું હોય તો 3-4 મિનિટ વધારે કૂક કરો. કૂક થઈને જરા ઓઇલ બહાર આવતું દેખાય એટલે ફ્લૈમ ઓફ કરી દ્યો.

હવે ફરાળી દહીં આલુ સર્વ કરવા માટે રેડી છે.

તેનાં પર થોડી લીલા મરચાની રીંગ્સ, કાજુ, કીશમીશ, લીમડાની સ્ટ્રીંગ, દહીં અને તજપત્તુથી ગાર્નીશ કરી સર્વ કરો.

ફરાળી દહીં આલુ એ ફરાળી લોટમાંથી બનાવેલી રોટલી, રાજગરાની પુરી કે પરાઠા સાથે ફરાળ કરવાથી વધારે ટેસ્ટી લાગશે. રસાવાળુ ફરાળી દહીં આલુ સામાના ફરાળી ભાત કે સામાના ફરાળી પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગશે.

તો તમે પણ તમારા રસોડે રસાવાળી કે રસાવગરની લચકા પડતી ટેસ્ટી –ક્રીમી ફરાળી દહીં આલુની સબ્જી ચોક્કસથી બનાવજો. ઘરના નાનામોટા બધા લોકોને ખૂબજ ટેસ્ટી હોવાથી ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.