બિનઉપવાસીને પણ મોઢામાં પાણી આવી જાય તેવા ફરાળી દહીંવડાની ફરાળ કરો…

મોરૈયા-સાબુદાણાના લોટમાંથી બનતા ટેસ્ટી દહીંવડા ખાશો તો તમારા ઘરના બિનઉપવાસી લોકોને પણ મોઢામાં પાણી આવી જશે અને તેઓ પણ ઉપવાસ કરવા લાગી જશે. તો ચાલો નોંધી લો ફરાણી દહીં વડાની રેસિપિ.

ફરાળી દહીં વડા બનાવવા માટેની સામગ્રી

2 કપ ઘાટું મોળુ દહીં

4 ટેબલ સ્પૂન ખાંડ

સ્વાદ પ્રમાણે ફરાળી મીઠુ

½ કપથી ઓછો મોરૈયો

2 ટેબલ સ્પૂન સાબુદાણા

1 ટેબલ સ્પૂન આદુ-મરચાની પેસ્ટ

જરૂર મુજબ મરી પાઉડર

તળવા માટે તેલ

ફરાળી દહીં વડા બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટા બોલમાં બે કપ દહીં લઈ લેવું. દહીં વડામાં ખાટું દહીં નથી સારું લાગતું એટલે બને ત્યાં સુધી મોળું દહીં જ વાપરવું. ઘરનું દહીં ખાટું હોય તો બહારનું દહીં વાપરવું. હવે બે કપ દહીંની સામે ચાર મોટી ચમચી ખાંડ ઉમેરવી તેને દહીંમાં બરાબર મિક્સ કરીને દહીંને ઠંડુ થવા માટે ફ્રીઝમાં મુકી દેવું. દહીં વડામાં દહીં ઠંડુ જ સારુ લાગે છે.

હવે દહીં વડાના વડા બનાવવા માટે સૌ પ્રથમ અરધા કપ કરતાં બે ચમચી ઓછો મોરૈયો લેવો અને તેમાં બે ચમચી સાબુદાણા ઉમેરવા. જો તમે લોટ તૈયાર કરીને રાખી મુકવા માગતા હોવ તો તમારે એક કપ મોરૈયા સામે પા કપ સાબુદાણા લઈ તેને દળીને ફરાળી લોટ સ્ટોર કરી શકો છો અને તેમાંથી જરૂર મુજબ વાપરી શકો છો.

હવે આ બન્ને સામગ્રીને મિક્સરના નાના જારમાં ઉમેરીને તેનો જીણો પાઉડર બનાવી લેવો.

બને ત્યાં સુધી જીણો પાવડર બને તેનું ધ્યાન રાખવું. માટે જ મિક્સરનો નાનો જાર ઉપયોગમાં લેવો તેમાં જીણું વટાય છે. આ પ્રકારનો પાઉડર બનવો જોઈએ.

હવે એક નનસ્ટીક કડાઈ લેવી અથવા સાદી કડાઈ પણ લઈ શકો છો. તેમાં આ લોટને બે મિનિટ માટે શેકી લેવો. ગેસની ફ્લેમ મિડિયમ રાખવી.

હવે જેટલો લોટ હતો તેનાથી બેવડું પાણી તેમાં ઉમેરવું અને તેને ગરમ થવા દેવું અને મિશ્રણને સતત હલાવતા રહેવું. મોરૈયો સાબુદાણા કેટલું પાણી પીવે છે તેના પર તેમાં પાણી ઉમેરવાનો આધાર છે. વધારે પડી જાય તો ચિંતા નહીં તેને વધારે ગરમ કરીને બાળી લેવું.

લોટને સતત હલાવતા રહેવાનો છે. પાણી મોટા ભાગનું બાળી નાખવું. અત્યારે પણ ગેસ મિડિયમ જ રાખવો.

લોટની કન્સીસ્ટન્સી લોટ બાંધતા હોવ તેવી હોવી જોઈએ એટલે કે તેની ગોળીઓ વાળી શકાય તેવો લોટ થઈ જવો જોઈએ. લોટમાં ક્યાંય ગાંઠા ન રહી જાય તેનું ધ્યાન રાખવું. બરાબર હલાવીને બધા જ ગાંઠા તોડી લેવા. હવે લોટનું બધું જ પાણી ઉડી ગયા બાદ લોટ પેનથી છુટ્ટો પડવા લાગે અને લુગદી જેવો થઈ જાય એટલે ગેસ બંધ કરી લેવો.

આ લોટને થોડી વાર ઠંડો થવા દેવો. એટલે કે તમે હાથેથી અડો અને તમને હુંફાળો લોટ લાગે તેટલો ઠંડો થવા દેવો. હવે તેમાં એક ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરી દેવી. અને સાથે સાથે એક મિડિયમ સાઇઝનું બાફેલુ બટાટુ છીણીને ઉમેરવું. બટાટાને મસળીને નહીં પણ છીણીને નાખવું એટલે કોઈ મોટા ટુકડા ન રહી જાય.

હવે તેમાં અરધી ચમચી મરી પાઉડર અને સ્વાદ પ્રમાણે ફરાળી મીઠુ ઉમેરી દેવું. હવે આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી. આદુમરચાને તમે સ્કિપ કરી શકો છો. અને બટાટાને પણ સ્કીપ કરી શકો છો.

હવે વડા તળવા માટે આ પુરણની ગોળી વાળવવા માટે હાથ પર થોડું તેલ ચોપડી લેવું. અને તેના એક સમાન વડા વાળી લેવા. તેને વધારે મોટા ન બનાવવા. આ તૈયાર થયેલા પુરણમાંથી કૂલ 12 વડા બનશે.

હવે ગેસ પર વડા તળવા માટે તેલ ગરમ કરવા મુકી દેવું. તેલ ફુલ ફ્લેમ પર રાખવું. તેલ એકદમ ગરમ હોવું જોઈએ. હવે તેલ બરાબર આવી જાય એટલે તેમાં અરધા વડા ઉમેરી દેવા. તેલમાં વડા ડુબી જાય એટલું તેલ હોવું જોઈએ તળવા માટેનું પાત્ર નાનું હોય તો તમે ઓછા વડા પણ તળી શકો છો.

જો વધારે પડતા વડા ઉમેરવામાં આવશે તો તેલ ઠંડુ પડી જશે અને તેલ ઠંડુ પડી જશે તો વડા ફાટી જશે અને પુરણ છુટ્ટુ પડી જશે. માટે તેને ફુલ ફ્લેમ પર જ તળવા અને વધારે હલાવવા નહીં. એક બાજુ વડા તળાઈ જાય એટલે તેને પલટી લેવા.

વડા તળાઈ જાય એટલે હળવા લાઇટ બ્રાઉન રંગના થઈ જાય એટલે તેને તેલમાંથી બહાર કાઢી લેવા. બીજા વડા પણ હાઈ ફ્લેમમાં આ જ રીતે તળી લેવા. હવે જારા વડે વડાને તેલમાંથી કાઢીને તેને ટીશ્યુ પેપર પર મુકી દેવા જેથી કરીને તેમાંથી વધારાનું તેલ શોષાઈ જાય.

હવે એક મોટો બોલ લેવો અને તેમાં વડા ડુબે તેટલું પાણી લેવું. હવે તેમાં તમારે જેટલા દહીં વડા ખાવા હોય તેટલા વડા ઉમેરીને તેને 5 મીનીટ માટે પલળવા દેવા.

હવે પાંચ મીનીટ થઈ ગયા બાદ વડાને થોડા દબાવીને સર્વિંગ પ્લેટમાં લઈ લેવા. તમે જોશો તો વડા એકદમ સોફ્ટ થઈ ગયા હશે અને તેની સાઇઝ પણ મોટી થઈ ગઈ હશે.

હવે ફ્રીઝમાંથી દહીં કાઢી લેવું અને તેને બરાબર હલાવી લેવું. અહીં દહીંને સ્મુધ બનાવવા માટે ગરણી દ્વારા ગાળી લેવામાં આવ્યું છે. તમે તેને હેન્ડ બ્લેન્ડરથી મિક્સ કરી શકો છો પણ તેને મિક્સરમાં મિક્સ ન કરવું તેનાથી દહીં વધારે પાતળુ થઈ જશે.

હવે સર્વિંગ પ્લેટમાં પાણી નીચોવેલા દહીં વડા મુકવામાં આવ્યા છે તેના પર તમને ગમે તેટલું મીઠું ઘાટુ દહીં ઉમેરવું. ત્યાર બાદ તેના પર ખજૂર-આંબલીની ચટની, સ્વાદ પ્રમાણે મરી પાઉડર, જીણી સમારેલી કોથમીર, અને છેલ્લે ફરાળી લીલી ચટની ઉમેરી દેવી. તો તૈયાર છે ફરાળી દહીં વડા.

રસોઈની રાણીઃ સીમાબેન

ફરાળી દહીં વડા બનાવવા માટે વિગતવાર વિડિયો