ભાઈની રક્ષા સાથે આ રાખડી પર્યાવરણની પણ કરશે રક્ષા

ગુજરાતીઓ તેની આગવી આવડતના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમાં પણ વાત આવે અમદાવાદની તો પછી તો સોનામાં સુગંધ ભળી જાય. આમ કહેવું એટલે પડે છે કે શહેરના એક યુવાને જે કામ કર્યું છે તે બિરદાવવા લાયક છે. રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના દિવ્યેશભાઈ વોરા નામના વ્યક્તિએ એક અનોખી પહેલ કરી છે. વ્યવસાયે તેઓ ચિત્રકાર છે અને તેઓ રંગોલી આર્ટના પ્રમોર્ટર છે. આ કામ માટે તેમણે દેશ-વિદેશના પ્રવાસ કર્યા છે. તેઓ પ્રકૃતિની ખૂબ નજીક હોવાથી ઈચ્છે છે કે આપણી દુનિયા પ્લાસ્ટિક ફ્રી થાય જેથી પ્રકૃતિનું જતન કરી શકાય.

image source

આ માટે રક્ષાબંનના તહેવારને ધ્યાનમાં રાખી દિવ્યેશભાઈ અને તેમના પ્રકૃતિ પ્રેમી મિત્રઓએ ખાસ રક્ષાપોટલી તૈયાર કરી છે. આ રક્ષાપોટલી ખાસ એટલા માટે છે કે તેમાં ઔષધીઓના બીજ મુકવામાં આવ્યા છે. ત્રણ રક્ષા પોટલી સાથે એક ગાયના છાણનું કૂંડું, કોડિયું અને ખાતર પણ આપે છે. આ બધી વસ્તુઓ સાથે તેમણે એક કીટ તૈયાર કરી છે. આ કીટ પર મોંઘી દાટ નથી રાખવામાં આવી. આ પોટલી બધાને પોસાય તેવા ભાવમાં તૈયાર કરાઈ છે.

image source

બજારમાં મળતી પ્લાસ્ટિક અને અન્ય મટીરીયલની રાખડીઓ જોઈને સૌથી પહેલા તેમને વિચાર આવ્યો કે લોકો આ રાખડીઓ થોડા દિવસ પછી જ્યારે કાઢે છે ત્યારે તેને નદીમાં જ પધરાવશે તો તેનાથી પ્રદૂષણ ફેલાય છે. ત્યારબાદ તેમણે એવી રાખડી બનાવી કે જે પ્રદૂષણ ફેલાવતી નથી અને ઉલટું પ્રકૃતિનું જતન કરે છે.

આ કામમાં તેમને તેમના મિત્રો વિરેન્દ્રભાઈ પ્રજાપતિ અને મિહિરભાઈ પંચાલે સહયોગ આપ્યો અને તેમણે ત્રણ રક્ષા પોટલીની કિટ બનાવવાનું નક્કી કર્યું. જેમાં એક રક્ષા પોટલીમાં અશ્વગંધા, બીજીમાં તુલસીનું બીજ અને ત્રીજી રક્ષા પોટલીમાં સૂર્યમુખીનું બીજ મુક્યું.

image source

રાખડી છોડ્યા બાદ આ બીજને વાવી શકાય તે માટે તેઓ સાથે ગાયના છાણમાંથી બનેલું કૂંડું અને ખાતરનું એક પેકેટ પણ આપે છે. આ ઉપરાંત રક્ષાબંધન ખરીદી કરતાં ગ્રાહકોને તેઓ ગાયના છાણમાંથી બનાવેલું એક કોડિયુ પણ આપે છે.

image source

અન્ય એક ખાસ વાત એ પણ છે કે આ યુવાનો આ રીતે તૈયાર કરેલી કિટ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં પણ આપશે જેથી વધુને વધુ લોકો આ ઔષધીઓ વાવે અને પછી તેનો લાભ પણ લઈ શકે. આ આખી કીટ તેઓ 300 રૂપિયામાં વેંચે છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં આ કિટને ગુજરાતીઓ ખરીદી ચુક્યા છે અને તેમને મહારાષ્ટ્રથી પણ તેના માટે ઓર્ડર મળી રહ્યા છે.