વડોદરા શહેરમાં મેયર અને પીઆઈ વચ્ચેની માથાકૂટ પહોંચી પોલીસ કમિશનર કચેરીએ, અધિકારીની કરાઈ તાત્કાલિક બદલી, જાણો સમગ્ર ઘટના

વડોદરામાં મેયર અને એક પીઆઈ વચ્ચે ખુરશી ખાલી રાખવાના મામલે થયેલી ચડભડના લીધે પીઆઈએ પોતાની ખુરશી ગુમાવવી પડી છે, પોલીસ કમિશનરને ફરિયાદ પહોંચતા ડો. શમશેરસિંગે પીઆઈ એનડી સોલંકીની જ ખુરશી બદલી નાખી અને પોલીસ કંટ્રોલ રુમમાં બેસવા માટે ફરજિયાત કરી દીધા છે.

વડોદરાની શાન સમાન ગણાતી વિશ્વામિત્રી નદીની સંકલ્પના અને મહાત્મયને માણવા માટે એક અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. ‘વહો વિશ્વામિત્રી’ અભિયાન હેઠળ એક પદયાત્રા યોજવામાં આવી હતી,જેને લઈને યોજાયેલા સમાપન સમારોહના કાર્યક્રમમાં વડોદરાના જ રાવપુરાના પોલીસ ઇન્સ્પેક્ટરે મેયરને ખુરશી ખાલી રાખવાની સૂચના આપી હતી. મેયર કેયુર રોકડિયા અને પીઆઈ એન ડી સોલંકી વચ્ચે આ બાબતને લઈને વિવાદ વધ્યો હતો અને બંને વચ્ચે ચડભડ થતાં મામલો પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યો હતો. પીઆઈની આવી વર્તણૂંકને લઈને પોલીસ કમિશનરવે ફરિયાદ કરતાં ગણતરીના કલાકોમાં જ આ પોલીસ અધિકારીની બદલી કંટ્રોલ રૂમમાં કરવામાં આવી છે. આમ હાલ મેયરને ખુરશી ખાલી રાખવાની સૂચના આપનાર પોલીસ ઈન્સપેક્ટરને પોતાની જ ખુરશીથી હાથ ધોવા પડ્યા હતા

વડોદરાની શાન સમાન ગણાતી વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા વહો વિશ્વામિત્રી અભિયાનના નેજા હેઠળ એક અભિયાન શરુ કરવામાં આવ્યું. જેના ભાગરૂપે 15 ઓક્ટોબર વિજયાદશમીએ સવારે 7:30 વાગે હરણી મોટનાથ મહાદેવથી પદયાત્રા શરૂ કરાઈ હતી. જે યવતેશ્વર કાલાઘોડા બ્રિજ ખાતે પહોંચી હતી. આ પદયાત્રાનું સમાપન કોટનાથ મહાદેવ (વડસર)ખાતે થયું હતું.જ્યાં આ કાર્યક્રમમાં સમાપન થતાં એક સમારોહ યોજવામાં આવ્યો હતો. જોકે, યવતેશ્વર મંદિર ઘાટ ખાતે આયોજિત કાર્યક્રમમાં મેયર કેયુર રોકડિયા અને સાંસદ રંજનબેન ભટ્ટ અને ભાજપ તેમજ મહાપાલિકાના પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. આ સ્થળે ઉપસ્થિત અગ્રણીઓની બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને તે રીતે મેયર અને સંસદ સભ્ય બેઠાં પણ હતાં.

કોઈ પણ શહેરનો પ્રથમ નાગરિક તેનો મેયર ગણાતો હોય છે. વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા કેયુર રોકડિયા પાસે આવીને રાવપુરા પોલીસ ઇન્સ્પેક્ટર એન.ડી. સોલંકીએ વચ્ચેની ખુરશી ખાલી રાખજો અને અંતર રાખજો તેવી સીધી સૂચના આપતાં મેયર પણ ચોંકી ઊઠ્યા હતા. આ વાત સાંભળ્યા પછી મેયરે જવાબ વાળ્યો અને બંને વચ્ચે ચડભડ વધી ગઈ હતી. જેના હિસાબે બંને વચ્ચે વિવાદ વધ્યો હતો. મેયરને ઓળખવામાં થાપ ખાઈ ગયેલા પોલીસ ઈન્સપેકટરને આ જગ્યાએ પોલીસ કમિશનર સાહેબ વચ્ચે બેસશે તેમ કહેતાં મેયર કેયુર રોકડિયા ધુંઆપુંઆ થઈ ગયા હતા, અને આ બાબતને લઈને આ મામલો આખો પોલીસ કમિશનરની કચેરી સુધી પહોંચી ગયો હતો.

તેમણે કંઇક કહેતા પી.આઇ. સોલંકી તેમને ચૂપ રહેવાનું કહી તાડૂક્યા હતા. જોકે સાંસદે પણ પ્રોટોકોલ મુજબ મેયર જ વચ્ચે બેસે તેમ સંભળાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મેયરે આ મામલે પોલીસ કમિશનર ડો.શમશેરસિંગને ફરિયાદ કરતાં તેમણે પીઆઇ એન.ડી. સોલંકીની બદલી કન્ટ્રોલ રૂમમાં કરી હતી.

જો કે આ અગાઉ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને પણ કડવો અનુભવ થયો હતો
પદયાત્રાના કાર્યક્રમમાં મેયર અને પી.આઇ. વચ્ચે થયેલા વિવાદ બાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ રાજકીય નેતાઓ અને આગેવાનોને ઓળખતા નથી તે ધીમે ધીમે પુરવાર થઈ રહ્યું છે. તાજેતરમાં શહેરના ગરબા મહોત્સવમાં સાંસદ રંજનબેન ભટ્ટની ગાડી રોડ સાઈડ ઊભી હતી ત્યારે ગાડી હટાવવા માટે પોલીસ જવાન પહોંચ્યો હતો અને ત્યાં જઈને ગાડી કોની છે તેવો સવાલ કરતાં ગાડીના ડ્રાઈવરે રંજનબેન ભટ્ટની ગાડી છે તેવો જવાબ આપ્યો હતો. જોકે આ પોલીસ જવાને રંજનબેન કોણ તેવો વળતો સવાલ કરતા ડ્રાઈવર પણ અવાચક પામી ગયો હતો અને તેની જાણ તરત જ સાંસદ રંજનબેનને કરતાં તેમણે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. જેને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગરબા સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. આમ વડોદરા શહેરના જન પ્રતિનિધિઓને શહેર પોલીસના અધિકારીઓ કે સ્ટાફ સારી રીતે નથી ઓળખતા એવું પુરવાર થયું હતું.