“શહેરોમાં પોલીસના ટોળેટોળા બેફામ પૈસા ઉઘરાવે છે, હેલ્મેટ-સીટ બેલ્ટ ભંગની ટ્રાફિક ડ્રાઈવ બંધ કરો”, ગૃહરાજ્ય મંત્રીનો હર્ષ સંઘવીને પત્ર

સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીને પત્ર લખતા રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યએ પત્ર લખી હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રદ કરવા માગ કરી છે. પોલીસ બેફામ ઉધરાણી કરે છે અને લોકોની હેરાનગતિ વધી હોવાનું પણ પત્રમાં લખ્યું છે. આ સાથે ભાજપની સરકાર હોવા છતાં ભાજપના ધારાસભ્ય લેટર લખતાં રાજકારણ ગરમાયું છે.

તેમણે પત્રમાં લખ્યું છે કે, તાજેતરમાં જ લોકો કોવિડ-19માંથી બહાર આવ્યા છે અને સામાન્ય જનતા હાલ જ બધા બંધનોમાંથી મુક્ત થઈ છે. ત્યારે આ હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસ અંગેની ડ્રાઈવ બાબતે સામાન્ય લોકો માટેનો દંડ ખૂબ જ આકરો છે. શહેરી વિસ્તારોમાં પોલીસના ટોળે-ટોળા ઉભા રહીને બેફામપણે પૈસાની ઉઘરાણી કરે છે. આ ઉપરાંત તેમની હેરાનગતિ વધી રહી છે માટે પ્રજાના સહયોગ માટે હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસ અંગેની ડ્રાઈવ રદ્દ કરવામાં આવે.

image source

ઉલ્લેખનીય છે કે, અકસ્માતનું પ્રમાણ ઘટાડવા તેમજ ટ્રાફિકના નિયમોની સુયોગ્ય અમલવારી માટે તા. 06 માર્ચ 2022થી તા. 15 માર્ચ 2022 દરમિયાન હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસ અંગે ડ્રાઈવ યોજવા તથા આ ડ્રાઈવ દરમિયાન આ નિયમોના ભંગને લગતા શક્ય તેટલા વધારે કેસ કરવા કહેવામાં આવ્યું છે. પોલીસ મહાનિરીક્ષક પીયૂષ પટેલ એસ.ટી.બી. ગુજરાત રાજ્યએ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના પોલીસ કમિશનરને ઉદ્દેશીને હેલમેટના નિયમ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના કેસ મામલે ડ્રાઈવ યોજવા આદેશ આપ્યો છે.